નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?
કુવૈતના એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં 40 ભારતીય મજૂરો માર્યા ગયા. સવાલ એ છે કે, નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે સેંકડો ભારતીયો કુવૈત જાય છે. વાંચો આ રિપોર્ટ.
હાલમાં જ કુવૈતના દક્ષિણ મંગાફ જિલ્લામાં એક બિલ્ડિંગમાં આગ લાગતા 49 કામદારોના મોત થયા છે. આ મૃતકોમાં 40 ભારતીયોનો સમાવેશ થાય છે. તેમના મૃતદેહ એટલી ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. કુવૈતમાં ભારતીય કામદારોની ખૂબ માંગ છે અને પૈસાની લાલચને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં કામદારો કુવૈત જાય છે. કુવૈતમાં ભારતીયોની વસ્તી 10 લાખથી વધુ છે, જે દેશની વસ્તીના લગભગ 21 ટકા થવા જાય છે. ત્યારે ચાલો જાણીએ કુવૈતમાં ભારતીય કામદારોની કેવી સ્થિતિ છે.
કુવૈત દ્વારા ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ કુવૈતની વસ્તી 48 લાખ 59 હજાર હતી, જેમાંથી 15 લાખથી વધુ અહીંના નાગરિકો છે અને 30 લાખથી વધુ વિદેશીઓ છે. અહીં વસતા મોટાભાગના ભારતીયો સુથાર, કડિયાકામ, નોકર, ડ્રાઈવર અને ડિલિવરી બોય તરીકે કામ કરે છે. મોટાભાગના ભારતીય કામદારો ભારત કરતા વધુ પૈસા કમાવા માટે કુવૈત જાય છે પરંતુ અહીં તેમને નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે.
આ પણ વાંચોઃ અસમાનતાને અંકુશમાં લેવાનું વિચારો
ભારતીય મજૂરો માટે શહેરથી દૂર બિલ્ડીંગો બનાવાઈ
કુવૈત સરકાર અને તેના માલેતુજારો પર હંમેશા ભારતીય મજૂરોનું ભારે શોષણ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. ભારતીય મજૂરોને નક્કી કરેલા સમય કરતા વધુ કલાક કામ કરાવવામાં આવે છે. ઓછા પૈસા આપવાની સાથે તેમનો પગાર પણ વારંવાર રોકી દેવામાં આવે છે. શોષણની એટલી બધી ફરિયાદો છે કે ભારતીય દૂતાવાસે તે ફરિયાદોના ઉકેલ માટે એક અલગ સેલ ખોલવો પડ્યો છે.
કુવૈતના ઘણાં શહેરોમાં એવી બિલ્ડીંગો છે જે મુખ્ય રહેણાંક વસાહતોથી દૂર બનાવવામાં આવી છે. આ બિલ્ડીંગોમાં બહારથી આવતા એટલે કે ભારતથી આવતા મજૂરોને રાખવામાં આવે છે. જેમાં રહેતા કામદારોની હાલત એવી છે કે દરેક રૂમમાં જરૂર કરતાં વધુ કામદારો ભરાઈ ગયા છે. આ મજૂરો વધુ પૈસા ખર્ચવા અથવા સારી જગ્યાએ રહેવા જવાની સ્થિતિમાં નથી હોતા. તેનો ફાયદો ઉઠાવીને તેમને નર્ક જેવું જીવન જીવવા માટે મજબૂર કરાય છે.
આ પણ વાંચોઃ મે દિન પૂછે છેઃ કામદારોની હાલત બહેતર કે બદતર?
મહિનાઓ સુધી પગાર નથી ચૂકવાતો
કુવૈત જતા મોટાભાગના કામદારો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના છે. સામાન્ય રીતે અહીં જતા મજૂરોના અનુભવો ખૂબ જ ખરાબ રહ્યા છે, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે કુવૈત જતા મજૂરોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અહીં રહેતા કામદારોની સ્થિતિ તો ખરાબ છે જ પરંતુ તેમને તેમના માલિકોના ખરાબ વર્તનનો પણ સામનો કરવો પડે છે. માલિક આ મજૂરો સાથે ન માત્ર ખરાબ વર્તન કરે છે પરંતુ તેમનું ખૂબ શોષણ પણ કરે છે. તેમને મહિનાઓ સુધી પગાર ચૂકવવામાં આવતો નથી. તેઓ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે અને તેમના માલિકો તરફથી તમામ પ્રકારની ધમકીઓનો પણ સામનો કરવો પડે છે. જે કંપનીઓ આ મજૂરોને રોજગારી આપે છે તેઓ તેમના પાસપોર્ટ પોતાની પાસે રાખે છે અને પછી શરૂ થાય છે શોષણની ગંદી રમત.
મોટાભાગના નિયમો ફક્ત કાગળ પર
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે તેમને શોષણ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે તો આટલી મોટી સંખ્યામાં ભારતીયો કુવૈત કે અન્ય ખાડી દેશોમાં શા માટે જાય છે? આ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે ભારતીય ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન રેગ્યુલેશનના નિયમો મુજબ વિદેશમાં કામ કરતા ભારતીય કામદારો માટે મિનિમમ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જો કે, આ બધું માત્ર કાગળ પર છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં મિનિમમ પગાર અને અન્ય નિયમોનું પાલન થતું નથી. એટલે એકવાર કુવૈતમાં પગ મૂકનાર ભારતીય મજૂર કંપની ન ઈચ્છે ત્યાં સુધી ભારત પરત નથી આવી શકતો.
આ પણ વાંચોઃ ખાનગીકરણ કઈ રીતે દેશ માટે સારું હોઈ શકે?
મોત થાય તો ભારત સરકાર તરફથી 10 લાખની સહાય
કુવૈતમાં સુથાર, કડિયા, ડ્રાફ્સમેન, ફીટર વગેરે 300 ડોલર પ્રતિ માસની ન્યૂનતમ શ્રેણી હેઠળ આવે છે. જ્યારે ભારે વાહનચાલકો અને ઘરેલું કામદારો થોડી સારી સ્થિતિમાં જણાય છે કારણ કે તેમનો પગાર થોડો વધારે છે.
અહીં કામ કરતા ભારતીય કામદારો માટે ભારત સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં કામદારોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં કાનૂની ખર્ચ પણ આપવામાં આવે છે.
સલાહ આપવા છતાં ભારતીયો કુવૈત જાય છે
કુવૈતમાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ અનુસાર, 1990-91ની ગલ્ફ વોરની કુવૈતમાં રહેતા ભારતીય સમાજ પર મોટી અસર પડી હતી. આ યુદ્ધ પછી 1.7 લાખથી વધુ ભારતીયોએ કુવૈત છોડી દીધું હતું. જો કે હવે ફરી કુવૈત જનારા ભારતીયોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કુવૈતમાં ભારતીયો સાથે ગેરવર્તણૂક અને છેતરપિંડીના ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને આ કારણોસર ભારતીય દૂતાવાસ દ્વારા સમયાંતરે સલાહ પણ આપવામાં આવે છે. જો કે તેનાથી વધુ ફાયદો થતો દેખાઈ રહ્યો નથી. કેમ કે, ભારતીય મજૂરો માને છે કે, કારમી મોંઘવારી, બેકારી અને બેરોજગારી સહન કરીને આખી જિંદગી કામ કર્યા પછી પણ કશી બચત નથી થતી. એવામાં અમુક વર્ષો કુવૈતમાં રહીને થોડું સહન કરીને સારી જિંદગી જીવી શકાય તેટલાં રૂપિયા ભેગાં કરીને પરત આવીને કોઈ ધંધો સેટ કરી લેવો સારો - એમ માની દર વર્ષે સેંકડો મજૂરો કુવૈતની વાટ પકડે છે.
આગળ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ રોપ્યાં