વડતાલમાં લંપટ સાધુઓ સામે ગુજરાતભરના હરિભક્તોએ હોબાળો મચાવ્યો

સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની વિકૃત કામલીલાઓને લઈને હવે ગુજરાતભરમાંથી હરિભક્તોએ વડતાલ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો છે.

વડતાલમાં લંપટ સાધુઓ સામે ગુજરાતભરના હરિભક્તોએ હોબાળો મચાવ્યો
image credit - Google images

- હરિભક્તોની એક જ માંગઃ લંપટ સાધુઓને જેલભેગા કરો
- હરિભક્તોની આક્રોશ સાથેની વેદનાઃ લંપટ સાધુઓ કામલીલા આચરે, ભોગવવાનું અમારે?
- 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો
- વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોએ હોબાળો મચાવ્યો
- મીડિયાકર્મીઓ સાથે મંદિરના સુરક્ષાકર્મીઓ દ્વારા ઉધ્ધત વર્તન કરાયું

વડોદરામાં સ્વામીનારાયણ સંપ્રદાયના ત્રણ સ્વામીઓ વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો સહિતની બાબતોને લઈને ગઈકાલે સુરત, ગઢડા, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાંથી હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં ત્રણેય સાધુઓનો બેનરો સાથે વિરોધ કર્યો હતો. તમામ હરિભક્તોની એક જ માંગ છે કે, આવા કથિત સાધુઓ સામે કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે. આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તો જ્યારે મંદિરના કોઠારી સ્વામીની ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ-સંતો ત્યાં હાજર ન હતા, જેથી ત્યાં વહીવટી કર્મચારીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લે હરિભક્તો દ્વારા સ્વામિનારાયણની ધૂન બોલાવી બેનરો અને પ્લેકાર્ડ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી મૌન રેલી યોજી હતી. જે બાદ તમામ હરિભક્તો વડતાલથી રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ સ્વામીનારાયણના સાધુએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?

એક હરિભકતે જણાવ્યું હતું કે, "અમે સુરતથી વડતાલમાં વહીવટ બોર્ડ કમિટીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વડતાલ તાબાના વડોદરા મંદિરમાં કામલીલા અને ગઢડા મંદિરમાં સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો થઈ રહ્યાં છે, એક સાધુ નાના બાળક જોડે ખરાબ કામ કરે છે, જ્યારે બીજા એક સાધુ બાથરૂમમાં એક બાળક સાથે ખરાબ કામ કરે છે. વડોદરા મંદિરના ત્રણ સાધુ એક છોકરી ઉપર દુષ્કર્મ ગુજારે છે તેમજ તેમને દબાવવા માટે ધાકધમકીઓ આપે છે. આજ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર વડતાલ મંદિરનો કોઈ કંટ્રોલ નથી. રાકેશ પ્રસાદનો કોઈ કંટ્રોલ નથી. બની બેઠેલા મહાસભાના પ્રમુખનો પણ આના ઉપર કોઈ દબાવ નથી. નૌતમ સ્વામી તો ખાલી પૂતળું છે પાછળના સંતોએ તેમને આગળ લાવી દીધા છે. પડદા પાછળ અનૈતિક કામો થઈ રહ્યાં છે. અમે વડતાલમાં આવેદન આપવા આવ્યા છીએ કે, જે જે ગુનામાં સંકળાયેલા સાધુઓ છે તેઓ પર કાયદેસરનાં પગલાં ભરવામાં આવે. તેમને જેલની સજા થાય અને પીડિતોને ન્યાય મળે. અહીંના વહીવટકર્તાઓ, ચેરમેન તેઓ બધાં ક્યાં જતા રહ્યા છે તેની અમને જાણ નથી. તેઓની સુરતમાં 500-1000 કરોડની સંપત્તિ છે. અહીંનો રૂપિયો તેઓ ત્યાં લડાવે છે. આ તમામ લોકોને સજા થવી જોઈએ તેવી અમારી સરકાર પાસે માંગ છે. અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. લોકો ટોણાં મારી રહ્યા છે કે, આ તમારા કામાચારી લંપટ સાધુઓને કડક સજા કરો. જો ન્યાય નહીં મળે તો અમારે જાતે આ પગલાં લેવા પડશે."

આ પણ વાંચોઃ દલિત સાધુઓને મહામંડળેશ્વર જાહેર કરાશે તો સાધુઓનું સન્માન ઘટશે

હરિભક્તો વિફર્યા: લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કરો
વડતાલ આવેલા એક હરિભક્ત હસુભાઈએ જણાવ્યું હતું કે, "આ સંપ્રદાયની અંદર દિવસે ને દિવસે લંપટ સાધુઓ વિશે સમાચારો આવે છે. સાધુઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કર્યાના આરોપો લાગી રહ્યાં છે. જમીનો પચાવી પાડે છે, રેપ કરે છે. આવાં આવાં કામો તેઓ કરી રહ્યા છે. ભગવા કપડાં પહેરીને શૈતાન પેદા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ છે. આવા બધાંને સંપ્રદાયમાંથી કાઢવા માટે અમે એક થયા છીએ. કા તો તેઓ સુધરી જાય નહિતર તેઓને કાઢવા જ પડશે. આ લંપટ બાવાઓને સંપ્રદાયમાંથી કાઢો અને કાં સુધારો. મુંબઈ, સુરત, ભરૂચ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, અમરેલી સહિતથી અમે હજારો હરિભક્તો આ લંપટ સાધુઓની કામલીલાઓનો પર્દાફાશ કરવા આવ્યા છીએ.

લંપટ સાધુઓ કામલીલા આચરે, ભોગવવાનું હરિભક્તોએ
અન્ય એક હરિભક્ત શૈલેષભાઈએ જણાવ્યું કે, "આ લોકો એમ કહે છે કે અમે સમાજને સુધાર્યો છે, પણ તે ખોટું છે. આ લોકો ખુદ બગડેલા છે, તે શું સમાજને સુધારશે. લંપટ સાધુઓને તમે છાવરો છો. દરરોજ કોઈને કોઈ સ્વામીની કામલીલા સામે આવે છે છતાં કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારે આવા સાધુઓને હાંકી કાઢવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે અમે બહાર પણ નીકળી શકતા નથી. સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોને આવે છે. અમે બહાર નીકળીએ ત્યારે બધાં કહે છે કે જુઓ તમારા સ્વામીએ પરચો પૂર્યો."

આ પણ વાંચોઃ ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભક્તો વચ્ચે મારામારી

જગત પાવન સ્વામી પાસેથી ન્યૂડ ફોટાં-વીડિયો ડિલીટ કરાવોઃ પીડિતા
સ્વામીનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામીની કામલીલાનો ભોગ બનેલી પીડિતાએ વિનંતી કરતા કહ્યું હતું કે, જગત પાવન સ્વામી પાસે મારા ન્યૂડ ફોટો અને વીડિયો પણ છે, જે તાત્કાલિક ડિલિટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એચ.પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે.પી. સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે.

લંપટ સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ
વડતાલ તાબાના વાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પવન સ્વામીના વડોદરાના અનેક રાજકીય અગ્રણીઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં અનેક રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ ધરાવતા તત્કાલીન કોઠારી સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા પણ હાલ વાઇરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ પતિ હનિમૂન પર ગોવાને બદલે અયોધ્યા લઈ ગયો, નારાજ પત્નીએ છુટાછેડાની અરજી કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.