સુરતમાં ભાજપની બિનહરીફ જીતનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
સુરત લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જિત્યા છે. આ મામલાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
સુરતમાં કોંગ્રેસના નેતાનું ફોર્મ રદ થયા બાદ બાકીના અપક્ષોએ પણ રાતોરાત ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં હોબાળો મચાવી દીધો હતો. કેટલાક લોકોએ તેને લોકશાહીની હત્યા સાથે સરખાવી હતી કેમ કે, તેનાથી સુરતના લાખો મતદારોનો મત આપવાના બંધારણીય હક પર તરાપ મારવામાં આવી હોવાની લાગણી પેદા થઈ છે. આ મામલે હવે મોટા સમાચાર એ આવ્યા છે કે, ભાજપના આ ઉમેદવારની બિનહરીફ જીતને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. જેના પર કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. મોટિનેશનલ સ્પીકર શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે નોટાને ઉમેદવાર માનવામાં આવે અને નોટાને સામેના ઉમેદવાર કરતા વધુ વોટ મળે તો ત્યાં ફરીથી ચૂંટણી કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન સુરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે, જો ત્યાં આવી વ્યવસ્થા હોત તો ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી ન જીતી શક્યા હોત.
મોટીવેશનલ સ્પીકર શિવ ખેરાએ અરજી કરી
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મામલે કોઈ રાજકારણી અને સામાજિક કાર્યકરે નહીં પરંતુ જાણીતા મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં કમિશનને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે જો NOTA ને કોઈપણ ઉમેદવાર કરતા વધુ મત મળે છે તો તે બેઠક પર યોજાયેલી ચૂંટણી રદ કરવામાં કેવી રીતે આવે? સાથે નવી ઉમેદવારી નોંધાવવામાં આવે અને એ રીતે સુરતમાં ચૂંટણી યોજવી જોઈએ.
આ અરજીમાં એવો નિયમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે કે જે ઉમેદવારો નોટા કરતા ઓછા મત મેળવે છે તેમના પર ૫ વર્ષ સુધી તમામ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે જ અરજીમાં નોટાને કાલ્પનિક ઉમેદવારનો દરજ્જો આપવાની પણ માંગ કરવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેંચ સુનાવણી કરવા સહમત થઈ છે.
સુરતમાં શું થયું હતું?
ઉલ્લેખનીય છે કે, આ અરજી ૨૨ એપ્રિલે સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના સંદર્ભમાં કરવામાં આવી છે. સુરતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં સાક્ષી તરીકે સહી કરનાર તેના ટેકેદારો ફરી જતા તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. તેમના સાક્ષીઓના નામ અને સહીમાં ભૂલ હોવાનું જણાવાયું હતું. સુરતની આ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૦ ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ૨૧ એપ્રિલે ૮ અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. એ પછી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી જ એકમાત્ર મેદાનમાં રહ્યા હતા. એ રીતે આ સીટ પર સીધો મુકાબલો ભાજપ અને બસપા વચ્ચે થતો હતો. પણ પ્યારેલાલ ભારતીએ પણ અચાનક ૨૨ એપ્રિલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આમ અંતે મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર સુરત શહેરના મતદારોમાં સોંપો પડી ગયો હતો. મતદારોએ તેને લોકશાહીની હત્યા ગણાવી હતી અને ભાજપ તેની સત્તાના જોરે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી મતદારોનો હક છીનવી રહ્યો હોવાની વાતો થવા લાગી હતી. આ ઘટનાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા. ત્યારબાદ શિવ ખેરાએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આગળ વાંચોઃ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
નૈષધ મકવાણા.તર્કબદ્ધ અને સાચીવાત જણાય છે