રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SIT દ્વારા તપાસની માંગ
રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીની કસ્ટોડિયલ ડેથ મામલે હવે એસઆઈટી દ્વારા તપાસની માંગ કરાઈ છે.
રાજકોટના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા અનુસુચિત જાતિના નિર્દોષ યુવક હમીરભાઈ રાઠોડ અને ઓબીસી ખાંટ સમાજના તેમના મિત્ર રાજુભાઈ સોલંકીને માલવીયાનગર પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીથી માર-મારતા બંનેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે હવે સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. હમીરભાઈ અને રાજુભાઈનું માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ અશ્વિન કાનગડ અન્ અન્ય પોલીસકર્મીઓના મારના કારણે મોત નીપજ્યું છે ત્યારે ચકચારી આ ઘટનામાં અન્ય પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેવડી હત્યાની આ ઘટનામાં સીટની રચના કરી તપાસની માંગણી કરવામાં આવી છે.
ઘટના શું હતી?
14મી એપ્રિલની આંબેડકર જયંતિના દિવસે સાંજે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા રાજુભાઈ ભગવાનજીભાઈ સોલંકીને પાડોશી સાથે ડખ્ખો થતાં તેમનો પુત્ર આંબેડકર નગરમાં રહેતા હમીરભાઈ રાઠોડ ને બોલાવવા ગયો હતો. હમીરભાઈ પાડોશીના ડખ્ખામાં દરમિયાનગીરી કરવા માટે ગયા હતા. એ દરમિયાન ઘટના સ્થળે માલવિયાનગર પોલીસનો કાફલો આવી પહોંચતા સમાધાન કરાવવા ગયેલ હમીરભાઈ અને તેમના મિત્ર રાજુભાઈને પોલીસ સ્ટેશન ઉપાડી ગયા હતાં. જ્યાં એ.એસ.આઈ. અશ્વિન કાનગડ સહિતના પોલીસ સ્ટાફે હમીરભાઈ રાઠોડ અને રાજુભાઈ સોલંકીને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર માર્યો હતો. જેમાં હમીરભાઈ રાઠોડનું બીજા દિવસે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રાજુભાઈનું તા. 24ના સાંજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એ પછી એએસઆઈ અશ્વિન કાનગડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને થોડા દિવસ પહેલા જ અચાનક પોલીસ સમક્ષ હાજર થયો હતો. બેવડી હત્યાની આ ઘટનામાં પોલીસે ખૂનનો ગુનો નોંધી એ.એસ.આઈ. અશ્વિન કાનગડની ધરપકડ કરી છે, પણ હજુ અન્ય આરોપી પોલીસ કર્મચારીઓ ફરાર છે. આ મામલે પોલીસ પોલીસને છાવરી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે. રાજકોટના હરેશ દેવજીભાઈ રાઠોડ સહિતના લોકોએ આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સીટની રચના કરી યોગ્ય તપાસ કરી એએસઆઈ કાનગડ સહિતના પોલીસ કર્મચારીઓનો કડકમાં કડક સજા થાય તેની માંગ કરી છે.
મૃતકના પરિવારોને 50-50 લાખનું વળતર આપો
આવેદનપત્ર આપનાર હરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં બે નિર્દોષ યુવાનને મારમારી હત્યા કરવાના આ ચકચારી પ્રકરણમા સીટની રચના કરવામાં આવે તેની તપાસ આઈપીએસ સુધા પાંડેને સોંપવામાં આવે. આ ઉપરાંત તેમણે તા. 14/4/24થી 16/4/2024 સુધીના 48 કલાકના માલવીયાનગર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની અને 6 મહિનામાં આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ન્યાય આપવા અને બંને પીડિત પરિવારોને રૂ. 50-50 લાખની સહાય આપવાની માંગણી કરી છે.
હમીરભાઈ-રાજુભાઈને ધોકા વડે મારતા હોવાના સીસીટીવી ફૂટેજ મળ્યાં
રાજકોટનાં આંબેડકરનગર વિસ્તારમાં સામાન્ય ડખ્ખામાં બે નિર્દોષ યુવાનોને પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી પ્રકરણમાં સીટની રચના કરવા રજૂઆત થઈ છે ત્યારે બીજી બાજુ આ બનાવની તપાસ ચલાવી રહેલા એસીપીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનના બે દિવસના સીસીટીવી ફુટેજ તપાસના કામે કબજે લીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે નિર્દોષ યુવાનને પોલીસ સ્ટેશને લઈ આવ્યા બાદ એએસઆઈ કાનગડ દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા છે. ત્યારે એએસઆઈની સાથે અન્ય કોઈ પોલીસ કર્મચારી આ કાંડમાં સામેલ છે કે કેમ? તે મુદ્દે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 80થી વધુ લોકોએ પોલીસ કસ્ટડીમાં જીવ ગુમાવ્યો છે. અને તેમાં અશ્વિન કાનગડ જેવા પોલીસ અધિકારીઓ જવાબદાર છે, જેમના કારણે લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
આગળ વાંચોઃ રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત
આ પણ વાંચોઃ આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.