"તું યુરોપમાં જન્મ્યો હોત તો ઝળકત, ભારતમાં તારો શો ઉપયોગ થવાનો?"

પહેલી નજરે ડો. આંબેડકર વિશે કહેવાયું હોય તેવું આ કથન એક એવા બૌદ્ધ વિદ્વાન વિશે કહેવાયું હતું જેઓ વગર ડિગ્રીએ દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર બન્યા હતા.

"તું યુરોપમાં જન્મ્યો હોત તો ઝળકત, ભારતમાં તારો શો ઉપયોગ થવાનો?"
image credit - Google images

ચંદુ મહેરિયા
એ યુવાન માટે તેના સંબંધીનું ભવિષ્યકથન હતું કે, ‘તું જો યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુધ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં  ભારતમાં તેનો શો ઉપયોગ?”  આ જ વ્યક્તિ માટે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે, “તેમની વિદ્વતાનો  ઉપયોગ તો પ્રથમ અમેરિકાએ જ કર્યો.” કોણ છે એ વ્યક્તિ, જેની કદર ઘરઆંગણે ન થઈ એટલી અમેરિકામાં થઈ? એ વ્યક્તિનું નામ છે ધર્માનંદ દામોદર કોસંબી (Dharmananda Kosambi) . ઔપચારિક શિક્ષણ તો એમનું નામ માત્રનું હતું. પણ અધ્યયન, અધ્યાપન અને વિદ્યાવ્યાસંગ એટલા જોરદાર કે દેશ-વિદેશની ખ્યાત યુનિવર્સિટીઓમાં વગર ડિગ્રીએ તે પ્રોફેસર બન્યા. તેમના વિદ્યાર્થીઓ વિશ્વભરમાં પંકાયા. 

પાલિ ભાષા (Pali language) ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત અને બૌધ્ધ ધર્મ (Buddhism) તથા બૌધ્ધ દર્શનના ભાષ્યકાર ધર્માનંદ કોસંબીનો જન્મ નવમી ઓકટોબર ૧૮૭૬ના રોજ ગોવાના એક ગામડામાં થયો હતો. બસ હવે એક જ વરસનું છેટું છે તેમના સાર્ધ શતાબ્દી વરસને. મરાઠી અને ગુજરાતીમાં તેમના આત્મચરિત્રો અનુક્રમે “નિવેદન”  (૧૯૨૪) અને “આપવીતી” (૧૯૨૫)ના પ્રાગટ્યનું પણ આ શતાબ્દી વરસ છે.

બાળક ધર્માંનંદ ‘નિશાળનો કંટાળ્યો ઘરે બેઠો’ એટલે પિતાએ દીકરો ગામનો કુળકર્ણી (તલાટી) થશે એવી જે આશા રાખેલી તે ધૂળમાં મળી ગઈ. નિશાળ છૂટી પણ કોઈનીય પ્રેરણા વિના ૧૮૯૧થી વાચનનો રસ  જાગ્યો. પુસ્તકો અને સામયિકોનું વાચન વધતું હતું તે દરમિયાન સોળ વરસે તેમના લગ્ન થયા. નબળા શરીરે પણ વાચતા રહ્યા. તુકારામનું જીવનચરિત્ર, તેમના અભંગ અને ગાથાઓએ તેમને વિચાર કરતા કરી મૂક્યા. વાચનને કારણે હિંમત વધી,  જીવનક્રમમાં સ્થિરતા આવી અને યુવાનીની વિકારવશતાથી મુક્ત થયાનું તેમણે નોંધ્યું છે. 

‘જે કંઈ મળી આવે તે વાંચવું’ ની તેમને ધૂન લાગેલી. વાંચવા- શીખવા તેમણે એકાધિકવાર ઘર છોડ્યું હતું. ૧૮૯૭માં મરાઠી માસિક ‘બાલબોધ’ માં ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું અને ‘મારું સર્વસ્વ બુધ્ધ છે’  એમ તેમને લાગવા માંડ્યું. પાલિ, અંગ્રેજી, સંસ્કૃત ભાષા અને બુધ્ધનો મૂળ ઉપદેશ જાણવા-સમજવા  દોઢેક મહિનાની દીકરી અને પત્ની-પરિવારને છોડી બીજી ઓકટોબર ૧૮૯૯ના રોજ તેઓ નીકળી પડ્યા. જ્ઞાનોપાસના માટે કેટકેટલું ભટક્યા. ટાઢ, તડકો, ભૂખ, માંદગી સઘળું વેઠ્યું. પણ અંતે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યા.

તેમના આ વિદ્યાપ્રવાસનું બયાન તેમના આત્મચરિત્ર ‘આપવીતી’ માં છે. ગાંધી વિચારક કિશોરલાલ મશરૂવાળાએ ‘આપવીતી’ સંદર્ભે કહ્યું છે કે, “સત્યધર્મની શોધ માટે પુરુષાર્થી મુમુક્ષુ શું શું કરશે અને કેટલાં કષ્ટો વેઠશે તેની તવારીખ આ પુસ્તકમાં છે. વળી આટલી મહેનતે જે મેળવ્યું તેને જગતમાં વહેંચવા તેમણે અણથક પરિશ્રમ કર્યો છે. એક વિશાળ ભંડારમાંથી તેમણે ઉત્તમ મોતી પસંદ કરીને આપણને આપ્યા છે. તે મોટા સંત પુરુષ છે” 

ધર્માનંદ માત્ર બૌદ્ધ સાહિત્યના અભ્યાસી ના રહ્યા. પણ સંપૂર્ણ બૌધ્ધમય બની ગયા. ભીક્ષુ પણ બન્યા અને ચીવર પણ પહેર્યા.મૂળ પાલિમાં સઘળું બૌધ્ધ સાહિત્ય વાંચ્યું. અધ્યયન પછીનો તેમના જીવનનો મહત્વનો તબક્કો  અધ્યાપનનો રહ્યો. કલકત્તા યુનિવર્સિટી, ગાંધીની વિદ્યાપીઠથી છેક મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી રશિયાની યુનિવર્સિટીઓમાં સંશોધન, લેખન, સંપાદન અને અધ્યાપન કર્યું હતું. ૧૯૦૬માં કલકત્તાની નેશનલ કોલેજથી આરંભાયેલો અદ્યાપન કાળ જીવનના અંત સુધી ચાલ્યો. આખા ભારતના અને નેપાળ, શ્રીલંકા તથા આજના મ્યાંમારના બૌદ્ધ તીર્થોનો પ્રવાસ કર્યો હતો.

ગુજરાત સાથે પણ તેમનો નિકટનો નાતો હતો. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી બંને સાથે તેમના સંબંધ બંધાયા અને બંનેનો તેમના વિદ્યાકાર્યોમાં સહયોગ રહ્યો હતો. ૧૯૦૭માં વડોદરામાં સયાજીરાવને પહેલી વખત મળ્યા ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ‘બૌદ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવાના કર્તવ્ય માટે’ કલકત્તા યુનિવર્સિટીની મહિને અઢીસો રૂપિયાની નોકરી છોડી મહારાજાની મહિને પચાસ રૂપિયાની ઓફર સ્વીકારી હતી. આ ઓફર હેઠળ તેમણે મૌલિક, અનૂદિત અને સંપાદિત એવા બૌદ્ધ ધર્મના પુસ્તકો તૈયાર કર્યા હતા. ૧૯૧૦માં તેમણે વડોદરામાં બૌધ્ધ ધર્મ અને દર્શન પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. જે ‘બુદ્ધ, ધમ્મ અને સંઘ’  નામે ગ્રંથસ્થ થયા છે.

ગાંધીજીની નજરમાં તેઓ હતા એટલે ૧૯૨૨માં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં જોડાયા અને પાલિ ભણાવવા લાગ્યા. વિદ્યાપીઠ વાસ દરમિયાન તેમણે બુદ્ધ ચરિત, બુધ્ધ લીલા, ધર્મચક્ર પ્રવર્તન, ભગવાન બુદ્ધના પચાસ સંવાદો, આપવીતી, સુત્તનિપાત વગેરે પુસ્તકો લખ્યા. ૧૯૧૬માં તેઓ ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી જ ગાંધી રંગે રંગાયા. સમાજસેવા અને લોકહિતના કામો તેમની પ્રાથમિકતામાં પાછળ ધકેલાયા હતા તે હવે આગળ થયા.  ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને અઢાર મહિનાની જેલની સજા ભોગવી.

ઈંગ્લેંડની મુલાકાત દરમિયાન અચાનક પરિચય થયેલ ડચ મિત્ર પાસેથી ધર્માનંદે પહેલીવાર કાર્લ માર્ક્સ અને સમાજવાદ વિષે જાણ્યું. એટલે અમેરિકા- ઈંગ્લેન્ડવાસ દરમિયાન તેમણે આ વિશે  ઉંડો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કોસંબીએ તેમની સાથે સમાજવાદ અંગે ચર્ચા કરી હતી. 

બૌધ્ધ ધર્મના અપરિગ્રહ અને સામ્યવાદના સમાનતાના સિધ્ધાંત વચ્ચે કોસંબીને સામ્ય લાગ્યું હતું. અમેરિકાના પ્રવાસ અને સામ્યવાદના અભ્યાસ પછી તેઓમાં વૈચારિક ઉથલપાથલ મચી હતી. તેમનો કામદારોના સંગઠનો અને સમાજવાદ પ્રતિ ઝુકાવ વધતો રહ્યો. મુંબઈના પરેલના મિલ કામદારોના વિસ્તારમાં બહુજનવિહાર બાંધી ત્યાં તેમનું રહેવું કદાચ આ જ પરિવર્તનના કારણે બન્યું હશે.

બુધ્ધની જેમ ધર્માનંદે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડ્યું હતું. જોકે તેઓ ઘરની જવાબદારીઓ ભૂલ્યા નહોતા. એટલે કામ પૂર્ણ થયેથી તેમણે પત્ની-સંતાનો અને ઘર-ગામ-પરિવારનો સંપર્ક કર્યો હતો. તે સંસારમાં પાછા ફર્યા પણ સંસારી ન બની ગયા. એમના દીકરા દામોદર ધર્માનંદ કોસંબી(ડી.ડી.કોસંબી)નું ઈતિહાસ અને બૌદ્ધ ધર્મ વિશેનું વિદ્યાકાર્ય એ હદનું છે કે બાપને ભૂલી બેટાને જ યાદ કરવા પડે.

આજાર શરીરનો જ્યારે તેમને બોજ લાગ્યો ત્યારે લાંઘણો કરીને ઈચ્છામૃત્યુ તરફ જવાનો માર્ગ તેમણે પસંદ કર્યો. પરંતુ ગાંધીજીએ તેમને અધવચ્ચેથી વાર્યા અને તેમની વધુ સારી સંભાળ લેવાય એટલે સેવાગ્રામ આશ્રમમાં નિવાસ કરવા પ્રેમાદેશ કર્યો. પણ કાયા એ હદે જર્જર થયેલી હતી કે તેમને જીવવું અકારું થઈ પડ્યું. એટલે ફરી આમરણ અનશનનો માર્ગ લીધો. આ વખતના સંથારાને ગાંધીજીનું પણ કમને સમર્થન મળ્યું હતું. ચોથી મે ૧૯૪૭થી તેમણે આહાર લેવો બંધ કર્યો અને અંતે ૨૪ જૂન ૧૯૪૭ના રોજ ૭૧ વરસની વયે તેઓ સેવાગ્રામમાં જ નિર્વાણ પામ્યા હતા.

ધર્માનંદ કોસંબી કોઈ કોરા ધાર્મિક નહોતા. જીવન અને ધર્મનો સંબંધ અને તે બે વચ્ચેની પ્રાથમિકતા અંગે તેઓ બહુ સ્પષ્ટ હતા. પાંડિત્યના ભાર વિનાના આ બૌદ્ધ વિદ્વાને આત્મચરિત્રના સમાપનમાં લખ્યું છે કે, “બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પોતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે? પહેલાં તો તેને શુધ્ધ અને ઘટતા આહારવિહાર મળે એવો બંદોબસ્ત થવો જોઈએ. ગંદી ચાલીઓમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનોમાં તેને વસાવવો જોઈએ. તો જ ધાર્મિકમાર્ગે તેનું વલણ થવું સંભવે છે.” ધાર્મિક ઉન્માદમાં રમમાણ ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓને કોસંબીની આ વાત સમજાશે? 
maheriyachandu@gmail.com  
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસુ છે.)
 

આ પણ વાંચોઃ વકીલ હોવા છતાં ડૉ. આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યાં?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.