Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શામી, પ્રણવ ધનવાડે જેવા બહુજન ક્રિકેટરોને પ્રતિભા છતાં મળતી અત્યંત મર્યાદિત તકોની ચર્ચા સતત થતી રહે છે, ત્યારે એક એવા દલિત ક્રિકેટરની વાત કરીએ જેણે આભડછેટ વેઠીને પણ દેશનું નાક બચાવેલું.

Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું
Photo By Google Images

19મી નવેમ્બરે અમદાવાદમાં ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ, જેમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડ્યો. એ દરમિયાન મોહમ્મદ શામી, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બહુજન ક્રિકેટરોની પ્રતિભાની વારંવાર કરવામાં આવતી અવગણના અને બહુજન સમાજમાંથી આવતા હોવાને કારણે ઘટી જતી તકો વિશેની ચર્ચા આજેય શમી નથી ત્યારે અહીં ભારતના પ્રથમ દલિત ક્રિકેટર પલવંકર બાલુની વાત યાદ આવ્યા ન રહે.


પલવંકર બાલુ(Palwankar Baloo) ઉર્ફે પી. બાલુ(P. Baloo) એક એવા ભારતીય ક્રિકેટર (Indian Cricketer) હતા જેણે 140 વર્ષ પહેલાં ક્રિકેટની દુનિયામાં એવો દબદબો જમાવેલો કે રાજાઓ અને સમૃદ્ધ પારસીઓ તેમની સાથે ક્રિકેટ રમવા માટે મજબૂર થઈ ગયા હતા. ક્રિકેટના અંગ્રેજ ખેરખાં પણ જેમની બોલિંગ સામે ચક્કર ખાઈ જતા એવા આ ખેલાડીને ડો. ભીમરાવ આંબેડકર પણ પોતાના હીરો માનતા હતા.

1911ના વર્ષે ભારતમાં પ્રથમ વખત એક ક્રિકેટ ટીમની રચના કરવામાં આવી જેમાં તમામ હિંદુ અને પારસી ખેલાડીઓ હતા. આ ટીમે ઈંગ્લેન્ડ જઈને ત્યાંની વિવિધ ક્રિકેટ ટીમો સામે મેચ રમવાની હતી. પટિયાલાના નવા આવેલા રાજા ભૂપેન્દ્ર સિંહને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. આ ટીમ લંડન પહોંચી હતી. ત્યાંનું હવામાન અને પરિસ્થિતિ અલગ હતી. ભારતીય ટીમને ત્યાં એડજસ્ટ થવા માટે સારી રણનીતિની જરૂર હતી. પરંતુ ટીમનો કેપ્ટન તેના પાંચ નોકર અને સેક્રેટરી કે. કે. મિસ્ત્રી સાથે દરરોજ ફરવા જતો હતો. મિસ્ત્રી તે સમયે ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન હતા. રાજા સાહેબ પ્રવાસમાં વ્યસ્ત હતા, તો આવી પરિસ્થિતિમાં વ્યૂહરચના બનાવવાની ક્યાં હતી? કેપ્ટન દ્વારા ટીમ પર ધ્યાન ન આપવાને કારણે ટીમ હિંદુઓ અને પારસીઓના જૂથોમાં વહેંચાઈ ગઈ. અને પછી આ ટીમ વિભાજિત થઈ ગઈ. જ્યારે મેચો યોજાઈ ત્યારે ભારતીય બેટ્સમેનો અંગ્રેજ બોલિંગ સામે પત્તાના મહેલની માફક ખડી ગયા હતા. ઈંગ્લિશ કાઉન્ટી ટીમો સાથે કુલ 14 મેચો રમાઈ હતી. જેમાં ભારતની ટીમ માત્ર બે જ જીતી શકી હતી.

પરંતુ આ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી હતો જે આ સમયગાળા દરમિયાન ઘણો પ્રભાવશાળી હતો. તે એકમાત્ર એવો બોલર હતો જ્યારે તે સ્પિન બોલિંગ કરવા માટે આવતો ત્યારે ઈંગ્લિશ ટીમ તેનો સામનો કરી શકતી ન હતી. એના હાથમાંથી તીરની માફક દડા છૂટતા. તીર પણ એવા કે બેટ્સમેન સમજી શકતા નહિ કે તે હવામાં કઈ તરફ વળશે. આખા પ્રવાસમાં તેણે એકલાએ 114 વિકેટ લીધી હતી. પણ એકલો ખેલાડી શું કરી શકે, તેથી ટીમ હારી ગઈ.

તે સમયે સમગ્ર બ્રિટિશ ક્રિકેટ જગત તેની બોલિંગનું ચાહક બની ગયું હતું. કોણ હતો આ બોલર? આ તે બોલર હતો જેને તેની ટીમના સભ્યોએ ક્યારેય સ્પર્શ પણ કર્યો ન હતો, એક 'અસ્પૃશ્ય' તેના માટે મેદાનમાં પાણી લઈ જતો હતો. તેણે ચા પણ આખી ટીમથી અલગ બેસીને માટીના વાસણમાં પીવી પડતી. તેનું નામ હતું- 'પલવંકર બાલુ'.


અહીં આપણે જાણીશું કે કેવી રીતે આ દલિત બોલરે 140 વર્ષ પહેલા ક્રિકેટની દુનિયામાં એવી છાપ ઉભી કરી કે તેને રાજાઓ અને શ્રીમંત પારસીઓ સાથે ક્રિકેટ રમવા દેવાની ફરજ પડી. આ ખેલાડીને ડો. ભીમરાવ આંબેડકર પોતાના હીરો માનતા હતા. તેમનો જન્મ 19 માર્ચ 1876ના રોજ બોમ્બેમાં થયો હતો. 

ક્રિકેટ વિશ્વમાં પ્રવેશ કઈ રીતે થયો?
1877માં પ્રથમ બે દિવસીય મેચ પારસીઓ અને બ્રિટિશ ક્લબ - બોમ્બે જીમખાના વચ્ચે યોજાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. આ પછી પારસી, બ્રિટિશ અને હિંદુ ક્રિકેટ ક્લબો વચ્ચે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટો થવા લાગી.

તે જ સમયે મુંબઈથી લગભગ 150 કિલોમીટર દૂર પૂનામાં, છ વર્ષનો છોકરો, પલવંકર બાલુ, અંગ્રેજ સૈનિકોને ક્રિકેટ રમતા જોઈને મોટો થઈ રહ્યો હતો. તેના પિતા અહીં હથિયારોના કારખાનામાં કામ કરતા હતા. બાલુ આખો દિવસ અંગ્રેજ અધિકારીઓની મેચ જોતો. તે મેદાનની બહાર બેસીને તેની નજીક આવેલા બોલને ઉપાડી લેતો અને પાછો મેદાનમાં ફેંકી દેતો. તેને ઘણો આનંદ થતો. જે બેટ અને બોલને અંગ્રેજ અધિકારીઓ નકામા ગણીને કચરામાં ફેંકી દેતા, બાલુ એને ઉપાડી લાવતો અને પોતાના નાના ભાઈ શિવરામ સાથે ઘરે ક્રિકેટ રમતો.

જ્યારે બંને ભાઈઓ મોટા થયા, ત્યારે તેમના પિતાએ પરિવારની આવક વધારવા માટે તેમનો અભ્યાસ બંધ કરાવી દીધો. બાલુની પહેલી નોકરી પારસીઓ દ્વારા ચલાવવામાં આવતી ક્રિકેટ ક્લબમાં હતી. અહીં તે પીચની સફાઈ અને સમારકામનું કામ કરતો હતો. કેટલીકવાર તે નેટ્સમાં પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને બોલિંગ પણ કરાવતો. અહીં તેને દર મહિને ત્રણ રૂપિયા મળતા હતા.

વર્ષ 1892માં પલવંકર બાલુએ પારસી ક્રિકેટ ક્લબ છોડી દીધી. બ્રિટિશ પૂના ક્રિકેટ ક્લબમાં નોકરી મળી. પૂના ક્લબમાં તેમનો પગાર મહિને 4 રૂપિયા હતો. અહીં તેનું કામ પીચને રિપેર કરવાનું, તેને માર્ક કરવાનું અને પ્રેક્ટિસ માટે નેટ ઊભી કરવાનું હતું. તે જ સમયે, એક દિવસ ક્લબમાં કોઈ બોલર હાજર ન હતો અને બ્રિટિશ બેટ્સમેન ટ્રોસને પ્રેક્ટિસ કરવી હતી. તેણે મેદાનની બહાર ઊભેલા બાલુને બોલાવીને બોલિંગ કરવા કહ્યું. બાલુએ તેને છ બોલ નાખ્યા, જેમાંથી ટ્રોસને બેટ વડે ત્રણ બોલને સ્પર્શ કરવામાં મુશ્કેલી પડી અને બે પર તેના સ્ટમ્પ ઉખડી ગયા. તે બેટ વડે માત્ર એક જ બોલને યોગ્ય રીતે ફટકારવામાં સફળ રહ્યો હતો. બીજા દિવસે આખી અંગ્રેજી ટીમના હોઠ પર પલવંકર બાલુનું નામ હતું. હવે તે નિયમિત નેટ બોલર તરીકે ઓળખાવા લાગ્યો હતો. તે ખેલાડીઓને કલાકો સુધી પ્રેક્ટિસ કરાવતો. આ સમય દરમિયાન બાલુએ પ્રખ્યાત બ્રિટિશ સ્પિન બોલર બાર્ટનને પોતાના ગુરુ બનાવ્યા અને તેમની પાસેથી બોલિંગની યુક્તિઓ શીખી.

જ્યારે સૌથી મોટા ખેલાડીએ કહ્યું કે “જો મને આઉટ કરીશ તો તને પૈસા મળશે”
આ સમય દરમિયાન ભારતના પ્રખ્યાત ઇંગ્લિશ બેટ્સમેન જેજી ગ્રેગ પૂના પહોંચ્યા. ઘણી સદીઓ તેમના નામે હતી. તેણે બાલુનું નામ સાંભળ્યું હતું. તેણે બાલુને કહ્યું કે જ્યારે પણ તે તેને નેટ પ્રેક્ટિસમાં આઉટ કરશે ત્યારે તેને આઠ આના મળશે. જો બાલુ અઠવાડિયામાં એક વાર પણ ગ્રેગને આઉટ કરતો ત્યારે એનો પગાર ડબલ થઈ જતો.

બાલુએ પૂના ક્લબમાં નેટ્સમાં કલાકો સુધી બોલિંગ કરી, પરંતુ અંગ્રેજોએ તેને ક્યારેય બેટ પકડવા દીધું નહીં. કારણ કે ઈંગ્લેન્ડની જેમ ભારતમાં પણ માત્ર ચુનંદા વર્ગના લોકો જ બેટિંગ કરતા હતા. જ્યારે બાલુ દલિત હતો. જો કે, પ્રખ્યાત બેટ્સમેનોની સામે સેંકડો કલાકો સુધી બોલિંગ કર્યા પછી, તેનો બોલ જબરદસ્ત રીતે ઉછળવા લાગ્યો અને તેની સ્પિન બોલિંગને એક અલગ ધાર મળી.

તેમના પૂર્વજોની જેમ પલવંકર બાલુ પણ પૂનાના ચામડાના કારખાનામાં કામ કરવા આવ્યા હતા. પરંતુ તેમની શાનદાર બોલિંગને કારણે શહેરમાં તેમની ચર્ચા થવા લાગી હતી. તે સમયે પૂનામાં જ એક હિંદુ ક્લબ હતી, જે શહેરમાં યુરોપિયનો સામે મેચ રમતી હતી. બાલુની ચર્ચા આ ક્લબ સુધી પણ પહોંચી હતી. તે સમયે આ ક્લબને એક સારા બોલરની જરૂર હતી, જે યુરોપિયનો એટલે કે બ્રિટિશ બેટ્સમેનોની વિકેટો ઉખાડી શકે. આવી સ્થિતિમાં હિન્દુ ક્લબની નજર પલવંકર બાલુ પર પડી. પરંતુ બાલુ દલિત હતો અને હિન્દુ ક્લબની ટીમમાં ઉચ્ચ જાતિના લોકો હતા. હવે પ્રશ્ન એ હતો કે આવી સ્થિતિમાં દલિત સાથે કેવી રીતે રમવું? અને આ પ્રશ્ન પર હિન્દુ ક્રિકેટ ક્લબ બે જૂથોમાં વહેંચાઈ ગઈ.

ઈતિહાસકાર રામચંદ્ર ગુહા લખે છે-
હિંદુ ક્લબના કેટલાક તેલુગુ સભ્યો બાલુને ટીમમાં સામેલ કરવાની તરફેણમાં હતા, જ્યારે કેટલાક સ્થાનિક મરાઠી ભાષી બ્રાહ્મણો તેની સખત વિરુદ્ધમાં હતા. આવી સ્થિતિમાં બ્રિટિશ કેમ્પના જેજી ગ્રેગ આ લડાઈમાં કૂદી પડ્યા. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે લોકો મૂર્ખ છે જે બાલુને ટીમમાં સામેલ કરવા નથી માંગતા.

આ અંગેના સમાચાર દરરોજ અખબારોમાં પ્રસિદ્ધ થતા હતા. થોડા જ સમયમાં આ મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો. આખરે પલવંકર બાલુનો આગામી ઉનાળામાં યોજાનારી ટુર્નામેન્ટ માટે હિન્દુ ક્લબની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાલુ સાથે કેવો વહેવાર થતો?
બાલુને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સાથે ખૂબ જ અન્યાય કરવામાં આવી રહ્યો હતો. મેદાન પર તો તમામ ખેલાડીઓ એ જ બોલને સ્પર્શતા હતા જેને બાલુ સ્પર્શ કરતા, પરંતુ મેદાનની બહાર ઉચ્ચ જાતિના ખેલાડીઓ તેમને સ્પર્શ ન કરવાના ધાર્મિક રિવાજોનું પાલન કરતા હતા. ટી બ્રેક દરમિયાન બાલુને પેવેલિયનની બહાર માટીના વાસણમાં ચા પીરસવામાં આવતી હતી, જ્યારે બાકીના ખેલાડીઓ પેવેલિયનમાં બેસીને ચિનાઈ માટીના કપમાં ચાનો આનંદ માણતા હતા. બાલુને જમીન પર હાથ અને મોઢું ધોવાનું હોય તો એક અસ્પૃશ્ય નોકર કીટલીમાં પાણી લઈને એક ખૂણામાં હાથ અને મોઢું ધોઈ આપતો. બાલુએ ભોજન પણ અલગ ટેબલ પર અલગ પ્લેટમાં કરવું પડતું.

ભલે બાલુને ટીમમાં પછાત બતાવવામાં આવે, પરંતુ તે રમતમાં સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉંચો હતો. તેની બોલિંગથી અંગ્રેજો ધ્રૂજતા હતા. એકવાર તેમની ટીમ બ્રિટિશ જીમખાના ક્લબ સામે મેચ રમવા સતારા પહોંચી. અંગ્રેજોએ એવી પીચ બનાવવા માટે ખાસ આદેશો આપ્યા હતા કે પલવંકર બાલુને કોઈ મદદ ન મળે. પરંતુ જ્યારે બાલુએ બોલિંગ કરી, ત્યારે અંગ્રેજ બેટ્સમેનોની કમર તૂટી ગઈ અને તેઓ બાલુના કારણે જ મેચ હારી ગયા. આ અસ્પૃશ્ય બોલરે મેચમાં સાત વિકેટ ઝડપી હતી. પછી તેને હાથી પર બેસાડી આખા સતારામાં ફેરવવામાં આવ્યો. એક સન્માન સમારોહ યોજાયો જેમાં મહાદેવ ગોવિંદ રાનડેએ તેમને હાર પહેરાવ્યો. આ સમય દરમિયાન, રાનડેએ હિંદુ ક્લબના બ્રાહ્મણ ખેલાડીઓને સમજાવ્યું કે એમણે પલવંકર બાલુ સાથે રમવા ઉપરાંત, તેની સાથે ખાવુંપીવું પણ જોઈએ. થોડા દિવસો પછી બાલ ગંગાધર તિલકે પણ એક જાહેર કાર્યક્રમમાં બાલુનું સન્માન કર્યું.

બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં 114 વિકેટ લીધી હતી. કહેવાય છે કે જો ફિલ્ડિંગ સારી હોત તો તે 150 વિકેટ મેળવી શક્યો હોત. તેણે 114 વિકેટ લઈને બનાવેલો રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી, 1946માં વિનુ માંકડ એકમાત્ર એવા ભારતીય બોલર હતા જે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જો કે તે પણ બાલુના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.

15 સપ્ટેમ્બર 1911ના રોજ જ્યારે પલવંકર બાલુ ઈંગ્લેન્ડથી પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ઘણા દિવસો સુધી તેમના માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ક્રિકેટના મેદાનમાં તેમના અસાધારણ પ્રદર્શનથી, બાલુ અસંખ્ય અસ્પૃશ્યોના હીરો અને પ્રેરણા બના ગયા હતા. તેમાંથી એક 20 વર્ષના ભીમરાવ આંબેડકર હતા. એવું કહેવાય છે કે પલવંકર બાલુને ઈંગ્લેન્ડથી પરત ફરતા એક સન્માન સમારોહમાં સન્માનપત્ર આપવામાં આવેલું, એ સન્માનપત્રના લેખક ડો. આંબેડકર હતા.

આંબેડકર સામે ચૂંટણી પણ લડી
ભેદભાવના કારણે બાલુને વારંવાર કેપ્ટનશિપથી દૂર રાખવામાં આવ્યા હતા. પાછળથી તેમના અન્ય ત્રણ ભાઈઓ પણ હિન્દુ ટીમ માટે રમ્યા. પરિવર્તનના પવન વચ્ચે તેમના એક ભાઈ વિઠ્ઠલને 1920માં હિન્દુ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા. બાદમાં બાલુએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો. આ સમયગાળા દરમિયાન તેઓ ભીમરાવ આંબેડકરની નજીક રહ્યા. પરંતુ 1932માં તેમણે વંચિત વર્ગો માટે અલગ મતવિસ્તારની આંબેડકરની માંગનો વિરોધ કર્યો. બાદમાં બાલુએ પૂના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. આનાથી ચૂંટણીનો માર્ગ ખુલ્યો. 1933માં તેઓ આંબેડકર સામે ચૂંટણી પણ લડ્યા હતા. જોકે એમાં તેઓ હારી ગયા હતા.

આગળ વાંચોઃ Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.