મનુવાદની ચરમસીમાઃ 10 મહિનામાં એક જ દલિત પરિવારના 3 લોકોની હત્યા

પહેલા યુવતીના ભાઈની હત્યા થઈ, પછી એ કેસના સાક્ષી તેના કાકાને મોતને ઘાટ ઉતારી દીધાં. પછી ખુદ પીડિતાનું શંકાસ્પદ મોત થયું. વાંચો શું છે આખો મામલો.

મનુવાદની ચરમસીમાઃ 10 મહિનામાં એક જ દલિત પરિવારના 3 લોકોની હત્યા
all image credit - Google images

કોઈ એક પરિવારમાં ફક્ત 10 મહિનાના ટૂંકા સમયગાળામાં ત્રણ ત્રણ લોકોની હત્યા થઈ જાય તો તેને શું કહેશો? પહેલા એ દલિત યુવતીનું જાતીય શોષણ થયું. એ પછી જ્યારે તેના ભાઈએ જાતિવાદીઓ સામે અવાજ ઉઠાવ્યો તો તેની હત્યા કરી દેવાઈ. તેના કાકા આ હત્યા કેસમાં સાક્ષી હતા તો તેમની પણ આ મહિનાની 25મી તારીખે હત્યા કરી દેવામાં આવી હતી. અને જ્યારે પીડિતા તેના કાકાનો મૃતદેહ લેવા માટે એમ્બ્યૂલન્સમાં ગઈ તો તેનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાક્રમને લઈને દેશભરના દલિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને હત્યા ગણાવી રહ્યાં છે.

મામલો છેલ્લાં કેટલાક દિવસથી દેશભરમાં ચર્ચામાં રહેલા મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો છે. અહીં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સમાજનો ઘૃણાસ્પદ ચહેરો ઉજાગર કરી દીધો છે. આ આખો ઘટનાક્રમ ઓગસ્ટ 2023માં શરૂ થયો હતો જ્યારે 18 વર્ષીય દલિત યુવક નીતિન અહિરવારને જાતિવાદી ગુંડાઓએ માર માર્યો હતો. કારણ કે તેણે તેની બહેનની જાતીય સતામણીનો વિરોધ કર્યો હતો. આ મામલામાં કથિત ઉચ્ચ જાતિના ગુંડાઓ તેના પર સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી

પોતાના ભાઈની હત્યા બાદ પીડિતા અંજનાએ આ મામલામાં એફઆઈઆર નોંધાવી હતી. લાલુની હત્યાના ત્રણ સાક્ષીઓ હતા. કાકા રાજેન્દ્ર, બીજી અંજના પોતે અને ત્રીજી તેની માતા. ત્યારથી જાતિવાદી ગુંડાઓ તેમના નિવેદન બદલવા માટે પરિવાર પર દબાણ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર ન્યાય માટે લડી રહ્યો હતો. આ કેસમાં એક પછી એક ત્રણ લોકોના મોત થયા છે.

100 કરોડના ખર્ચે રવિદાસજીનું મંદિર બનશે પણ દલિત અત્યાચાર પર ચૂપ

ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે આ ઘટના બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરમાં 11.21 એકર જમીનમાં 101 કરોડ રૂપિયાના ખર્ચે સતગુરુ રવિદાસજીના મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. પણ આ જ સાગર જિલ્લામાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર બાબતે કોઈ એક હરફ સુદ્ધાં ઉચ્ચારતા નથી. આ ઘટના બની ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હતા. આ કેસમાં પીડિતા દ્વારા શરૂઆતથી અંકિત ઠાકુરના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી ન હતી. આરોપ છે કે તેને રાજકીય ઓંથ મળેલી છે. અંજના આ મામલે વધુ આક્રમક હતી. કારણ કે તે એક શિક્ષિત છોકરી હતી જે પોતાના અધિકારોને લઈને જાગૃત હતી.

પીડિત પરિવારને સહાય મળી, ન્યાય ક્યારે?

આ ઘટના બાદ જ્યારે હોબાળો થયો ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઈકાલે 29 મેના રોજ પીડિત પરિવારને તેમના ગામ બડોદિયા નોનાગિર પહોંચ્યા હતા અને પોલીસ ચોકી ખોલવાનું આશ્વાસન આપ્યું. સાથે જ મૃતક રાજેન્દ્ર અહિરવારના પરિવારને રૂ. 8 લાખ 25 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જો કે આ મામલે ભાજપ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને ટાંકીને સમાચાર આવ્યા છે કે, પીડિત પરિવારના સભ્યોનો આરોપ છે કે વહીવટીતંત્ર દ્વારા તેમને આપવામાં આવેલી સુરક્ષા અને લગાવવામાં આવેલા કેમેરા તાજેતરમાં હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં એક જ પરિવારના બે સભ્યોની હત્યા અને અંજનાનું શંકાસ્પદ થતા મોત અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક જ દલિત પરિવારના ત્રણ લોકો 10 મહિના ટૂંકા ગાળામાં શંકાસ્પદ સ્થિતિમાં મોતને ભેટ્યાં તેને લઈને હાલ સમગ્ર મધ્યપ્રદેશમાં હોબાળો મચી ગયો છે.

આ પણ વાંચો: દલિતોને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ જતા અત્યાર સુધીમાં આટલી હત્યાઓ થઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.