અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...

એક ગામમાં અનામત સીટ પર ચૂંટાયેલા સરપંચને માથાભારે તત્વો ધમકી આપે છે કે, 'અનામતને કારણે તું ભલે સરપંચ બની ગયો, પણ સરપંચપદું તો અમે જ ચલાવીશું."

અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...
image credit - Google images

દેશમાં એકબાજુ મોદી સરકારની ત્રીજી ટર્મ માટે શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી હતી. એ જ દિવસે દેશના આદિવાસીઓ મહાન ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ પર તેમન યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા. તો ત્રીજી તરફ એક આદિવાસી સરપંચને તેમની માથાભારે તત્વો હેરાન કરીને અપહરણ કરી જવાની ધમકી આપતા હતા. બે દિવસ પહેલા એક વાલ્મિકી સમાજના સરપંચને જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. એ પછી તેમણે ગામ છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહેવું પડ્યું હતું. આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં એક આદિવાસી સમાજની અનામત સીટ પર ચૂંટાઈને આવેલા સરપંચનું અપહરણ કરી, માર મારી, ધાક-ધમકી આપી જાતિવાદી તત્વોએ તેમને પોતાની મરજી પ્રમાણે કામ કરવા દાટી મારી છે. સરપંચે જો કે, આ મામલે માથાભારે તત્વોનો સામનો કર્યો છે અને તેમની સામે પોલીસ, કલેક્ટર સહિતના અધિકારીઓને ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. છતાં માથાભારે તત્વો કોઈને ગાંઠતા નથી. જાતિવાદી તત્વોએ આદિવાસી વ્યક્તિ સરપંચ બન્યા ત્યારથી તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે સતત મથી રહ્યાં છે. અગાઉ પણ તેમણે સરપંચને ધાક-ધમકી આપીને તેમની ઈચ્છા મુજબ કામ કરવા ધમકી આપી હતી.

આદિવાસી સરપંચને માથાભારે તત્વોની હેરાનગતિ

મામલો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ગીલા રોપા ગામનો છે. અહીં માથાભારે જાતિવાદી તત્વોએ ગામના આદિવાસી સરપંચ સાથે મારામારી કરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે અનુસૂચિત જનજાતિ સમાજની અનામત સીટ હતી. જેના પર સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા આદિવાસી યુવકને ગામના માથાભારે તત્વો પોતાના તાબા હેઠળ કામ કરવા માટે મજબૂર કરવા માંગતા હતા, આ લોકો ઈચ્છતા હતા કે પંચાયતનો વહીવટ તેમની મરજી પ્રમાણે ચાલવો જોઈએ. પણ આદિવાસી સરપંચે ઈનકાર કરી દેતા તેઓ તેને હેરાન કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ આદિવાસી સરપંચ કામ નથી કરતા તેવો આરોપ લગાવીને તેમના પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. એ પછી માથાભારે તત્વોએ સ્થાનિક નેતાની મદદથી જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરીને આદિવાસી સરપંચ દ્વારા ગામમાં શરૂ કરવામાં આવેલા વિવિધ વિકાસ કામોને અટકાવી દીધા હતા. માથાભારે તત્વો આદિવાસી સરપંચના ઘરે આવીને તેમને ધમકીઓ આપે છે કે, 'અનામતના કારણે ભલે સરપંચપદે તું ચૂંટાઈને આવ્યો હોય, પરંતુ સરપંચપદું તો અમે જ ચલાવીશું, અને એ પ્રમાણે જ કામ થશે.'

ત્રણ મહિના પહેલા પણ માર માર્યો હતો

ગીલા રોપા ગ્રામ પંચાયતના આદિવાસી સરપંચ પહાડસિંહ કહે છે, "ગામના સુનીલ કટારિયા અને અજબસિંહ કટારિયા મને ધમકીઓ આપે છે કે, સરપંચ ભલે તું હોય, પણ સરપંચપદું તો અમે જ ચલાવીશું અને તારે અમે કહીએ તે પ્રમાણે જ કામ કરવું પડશે. પણ હું તેમને તાબે થયો નહોતો. એટલે તેમણે ત્રણ મહિના પહેલા પહેલીવાર મારા પર હુમલો કર્યો હતો અને મને માર માર્યો હતો. હવે સ્થાનિક નેતાઓની મદદથી તેમણે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરીને ગામના વિકાસ બધાં જ કામોને અટકાવી દીધા છે."

પહાડ સિંહ કહે છે, "આ લોકો મને મારા ઘરે આવીને ધમકાવે છે, ડરાવે છે અને કહે છે કે, અનામતને કારણે ભલે તું સરપંચ બની ગયો હો, પણ કામ તો અમારી મરજી પ્રમાણે જ થશે, સરપંચપદું તો અમારું જ ચાલશે."

હવે પહાડ સિંહે જિલ્લા કલેક્ટર, ડીડીઓને લેખિત અરજી કરીને સરપંચપદું છીનવી લેનારા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ગામમાં બાળ લગ્ન થશે તો સરપંચ અને પંચાયતના સભ્યો જવાબદાર ગણાશે

હાડ સિંહ આગળ કહે છે, "પહેલીવાર 29 ફેબ્રુઆરી 2024ના રોજ સુનીલ કટારિયા અને રાજપાલ કટારિયાને બહાદુરપુરથી મારું અપહરણ કર્યું હતું અને મારી સાથે મારામારી કરી હતી. બાદમાં મારા પરિવારજનોએ મને છોડાવ્યો હતો. આ મામલે મેં 1 માર્ચના રોજ બહાદુરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલામાં સમાધાન કરવા માટે પણ માથાભારે તત્વો સતત મને ધમકી આપતા રહે છે."

બહાદુરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરવિંદ સિંહ કછવાહ કહે છે કે, "સરપંચ પહાડ સિંહની ફરિયાદના આધારે પહેલા જ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓ વિરુદ્ધ મારામારી, ગાળાગાળી કરવી અને ધમકી આપવાની સાથે એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ લોકો હાલ જામીન પર બહાર છે. જો હજુ પણ તેઓ ધમકી આપી રહ્યાં છે, તો અમે નિયમાનુસાર કાર્યવાહી કરીશું."

આદિવાસીઓ પર અત્યાચાર મામલે મધ્યપ્રદેશ પહેલા ક્રમે

હજુ ગઈકાલે જ ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ ગઈ. અપેક્ષા એવી હોય કે આઝાદીના 75 વર્ષ પછી તો આદિવાસી સમાજ પર હુમલાઓ, મારામારી ઘટે અને તેમને તેમના બંધારણીય હકો મુજબ જીવન જીવવાનો હક મળે. પણ એવું થઈ રહ્યું નથી. દેશભરમાં આજે પણ આદિવાસી સમાજ પર અત્યાચારોનો સિલસિલો યથાવત છે અને તેમાં મધ્યપ્રદેશ પહેલા નંબરે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ મુજબ વર્ષ 2022માં આદિવાસીઓ પર અત્યાચારની 2979 ઘટનાઓ સામે આવી હતી. જે ગત વર્ષના ગુનાઓની સરખામણીએ 13 ટકા વધુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મધ્યપ્રદેશ આદિવાસીઓ પર અત્યાચારો મામલે ટોચ પર રહેલું છે. બીજા ક્રમે 2521 મામલાઓ સાથે રાજસ્થાન બીજા અને 742 ઘટનાઓ સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો: માથાભારે સરપંચે મધરાતે દલિત મહિલાના ઘરમાં ઘૂસીને હાથ ભાંગી નાખ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.