ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, આદિવાસી સમાજે કર્યું દબદબાભેર સ્વાગત
નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસના જેલવાસ બાદ આખરે શરતી જામીન પર બહાર આવ્યા છે. શું છે આખો મામલો અને કઈ શરતો હેઠળ તેમને જામીન મળ્યાં છે, વાંચો વિસ્તારથી.

Chaitar Vasava: યુવા આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમુક્ત થયા છે. જેલ બહાર તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને તેમનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ આજે ચૈતર વસાવા ગાંધીનગર ખાતે વિધાનસભામાં બજેટ સત્રમાં હાજરી આપશે. કોર્ટે ચૈતર વસાવાને નર્મદા, ભરુચની હદમાં ન રહેવાની શરતે જામીન આપ્યા છે. શરતી જામીન હોવાથી ચૈતર વસાવા ગાંધીનગરમાં સેક્ટર 7માં જ રહેશે. જો કે તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપી શકશે.
આ તરફ જેલમાંથી બહાર આવતા જ ચૈતર વસાવાએ કહ્યું હતું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. હું મારા આદિવાસી સમાજ માટે બોલું છું એટલે રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર રચીને મને ફસાવી રહી છે.
ચૈતર વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકારો માટે અમે લડતા રહીશું. જો જરૂર પડશે તો વિધાનસભા પણ લડીશું અને ભરૂચ લોકસભા બેઠક પરથી પણ લડીશું અને જીતીશું.
ચૈતર વસાવા પર શેનો કેસ છે?
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો જે તંત્રના ધ્યાને આવતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વન વિભાગે ચૈતર વસાવા સામે પણ ફરિયાદ નોંધી હતી. તેમના પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે વન વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવાને વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.
હાલ આ કેસમાં જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એન. આર. જોશીની કોર્ટે ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા છે. જે અંતર્ગત આ કેસની ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે નર્મદા અને ભરૂચ જિલ્લાની હદ બહાર રહેવું પડશે અને રૂ. 1 લાખ ભરવા પડશે.
આ પણ વાંચો : દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.