દેશના ટોપ 10 અતિ કૂપોષિત જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લા
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ પોલ ખોલી. દેશના ગુજરાતના ડાંગ, દાહોદ, નર્મદા, પંચમહાલ અને તાપી એમ પાંચ આદિવાસી જિલ્લાઓ અતિ કૂપોષિત પ્રથમ 10 જિલ્લાઓમાં સામેલ.
ગુજરાત કોંગ્રેસે કૂપોષણને લઈને કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓને ટાંકીને ગુજરાત મોડેલની આબરૂની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૪ પછી મોદી સરકારે કોંગ્રેસની મધ્યાહન ભોજન યોજનાનંત નામ બદલીને પીએમ પોષણ યોજના કર્યું પણ રાજયમાં કુપોષિત બાળકોની વધતી સંખ્યા ઉપર કોઈ નક્કર કામન કર્યું એટલે તેમાં સતત વધારો થયો છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, આજે વિશ્વમાં કુપોષણનો સામનો કરી રહેલા ૮૨ કરોડ લોકોમાંથી ૨૨ કરોડ લોકો ભારતમાં છે. ભારતમાં ૩૩ લાખ બાળકો કુપોષિત છે તેમાં અડધાથી વધુ અતિ ગંભીર કુપોષિત છે, જેમાં ડબલ એન્જિન ધરાવતું ગુજરાત ટોચ પર છે.
૨૦૧૮ મા અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત ૧૪ આદિજાતી જિલ્લાઓમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાને અનાજ આપવાની અને દૂધ સંજીવની યોજના અંતર્ગત શાળાના બાળકોને દૂધ આપવાની યોજના શરૂ કરી પરંતુ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.જે સ્પષ્ટ કરે છે આ યોજનાઓ માત્ર કાગળ ઉપર ચાલે છે અને જનતા સામે માત્ર ડ્રામા થઈ રહ્યો છે.
કોંગ્રેસે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતના સૌથી કુપોષિત જિલ્લાઓના એક સર્વે મુજબ દેશમાં કુલ અતિકુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતના ૫ જિલ્લાઓ ડાંગ ૫૩.૧% ટકા અને દાહોદ ૫૩% સહિત, નર્મદા, પંચમહાલ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે સુપોષિત ટોપ ૧૦ જિલ્લાઓમાં ગુજરાતનો એકપણ જિલ્લો સામેલ નથી. આ આદિવાસી જિલ્લાઓમાં સરકારે કરેલા કામોનો કરુણતા ભરેલો વહીવટી હિસાબ છે. માર્ચ ૨૦૨૨માં મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં રજૂ કરે નેશનલ ફેમિલી હેલ્થના સર્વે કહે છે ગુજરાત ૩૯.૭ ટકા બાળકોમાં સૌથી વધુ કુપોષિત છે, એ રીતે કુપોષણ મામલે ગુજરાત દેશભરમાં સૌથી ઉપર આવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે માંગ કરી છે કે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારનાં જિલ્લાઓમાં કુપોષણથી થતા “સિકલ સેલ એનિમીયા” રોગથી પિડીત દર્દીઓ સૌથી વધુ સંખ્યા છે પણ તે વધી પણ રહી છે. આ રોગ સામે લડવા માટે રાજ્ય કે કેન્દ્રની સરકારે આજ દિવસ સુધી કોઇ નક્કર કાર્યક્રમ કે યોજના શરૂ કરી નથી. ”સિકલ સેલ એનિમીયા” ખતરનાક રોગ છે, દેશના યુવાધનને નાશ કરનારો છે, ઘણીવાર તે બાળકને ગર્ભમાંથી પણ મળે છે. આ રોગથી પ્રભાવીત વિસ્તાર અને લોકો માટે નિયમિત લોક જાગૃતિ-નિદાન અને તેના ખોરાક ઉપર રાજ્ય સરકારે સતત નિરિક્ષણ કરીને લાબાગાળાની યોજના તૈયાર કરી તેને વહેલી તકે કાર્યાંન્વિત કરવામા આવે અને ગમે તેમ કરીને આ રોગ પર કાબૂ મેળવવામાં આવે.
આ પણ વાંચો: વર્ષે 617 કરોડ ખર્ચ્યા પછી પણ બાળકોને પોષણ મળશે ખરું?