કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ

કલ્પના સોરેનનું નામ હાલ રાજકીય ગલિયારામાં ચર્ચામાં છે. ફક્ત આદિવાસી જ નહીં પરંતુ તમામ મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેલા કલ્પના સોરેન વિશે અહીં વિસ્તારથી જાણીએ.

કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ

ભારતના રાજકારણમાં આદિવાસી સમાજનો મજબૂત ચહેરો રહેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનની રાજકારણમાં એન્ટ્રી થવા જઈ રહી છે. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન જેલમાં હોવાથી તેમના પત્ની કલ્પના સોરેન હવે પક્ષની કમાન સંભાળીને ચૂંટણીના રાજકીય મેદાનમાં ઉતરી ગયા છે. ગાંડેય વિધાનસભા સીટથી થનારી પેટાચૂંટણીમાં ઝારખંડ મક્તિ મોર્ચાએ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. કલ્પના સોરેન આમ તો ચૂંટણી રેલીમાં જોવા મળતા જ હતા, પણ તેઓ ખુદ ચૂંટણીમાં ઊભા રહેશે કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ રહેતી હતી. હવે ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે. આ સીટ પર ૨૦ મેના રોજ મતદાન થશે.

જેએમએમે કહ્યું કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને ગાંડેય વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૪માં ઝારખંડ મુક્તિ મોર્ચાના ઉમેદવારની છેલ્લી યાદી જાહેર કરવામાં આવે છે. જમશેદપુર લોકસભા વિસ્તારથી સમીર મોહન્તી ચૂંટણી લડશે. તો ગાંડેય વિધાનસભા સીટથી કલ્પના સોરેનને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. નામની જાહેરાત પહેલાથી જ કલ્પના સોરેને ગાંડેય સીટ પર પોતાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ સીટ ઝારખંડ ગિરિડીહ જિલ્લામાં આવે છે. તાજેતરના દિવસોમાં કલ્પનાએ જેએમએમના કાર્યકર્તા સંમેલનને પણ સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો:મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?

હેમંત સોરેનની ધરપકડ પહેલા જ કલ્પના સોરેનના નામની ચર્ચા ઝારખંડના રાજકારણમાં થવા લાગી હતી. જ્યારે હંમેત સોરેનની ઈડી ધરપકડ કરશે તેવી શક્યતા જણાતી હતી ત્યારે તેમણે પાર્ટી નેતાઓની એક બેઠક પોતાના નિવાસસ્થાને બોલાવી હતી. આ બેઠકમાં કલ્પના સોરેન પણ જોડાયા હતા. આ બેઠકમાં તેમની તસ્વીર વાયરલ થઈ હતી. એ વખતે જ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જો હેમંત સોરેનને ઈડી જેલમાં ધકેલી દેશે તો કલ્પના સોરેન રાજકારણમાં એન્ટ્રી કરશે. અને તે સાચું પડ્યું છે ત્યારે કલ્પના સોરેન વિશે જાણવું જરૂરી બની જાય છે. અત્યાર સુધી રાજનીતિથી દૂર રહેલા કલ્પના સોરેન આદિવાસી સમાજની એવી સેંકડો મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ ભણીગણીને જિંદગીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા માંગે છે. અહીં કલ્પના સોરેન વિશે વધુ જાણીએ.

કોણ છે કલ્પના સોરેન?

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન કોઈ રાજકીય પૃષ્ઠભૂમિમાંથી નથી આવતા. તેઓ મૂળે ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર વિસ્તારના છે, જ્યાંથી વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો પણ સંબંધ છે, જેઓ બલહદાના તેંતલા ગામના રહેવાસી છે. આ ગામ રાયરંગપુર તાલુકામાં આવેલું છે. કલ્પના સોરેન બહુભાષી છે અને સ્થાનિક સંથાલી, ઉડિયા ઉપરાંત હિંદી અને અંગ્રેજી ભાષા પર પણ જબરજસ્ત પકડ ધરાવે છે.

આ પણ વાંચો:મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?

કલ્પના સોરેનનો જન્મ 1976માં રાંચીમાં થયો હતો. તેમના પિતાનો પોતાનો વ્યવસાય છે અને માતા ગૃહિણી છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006માં હેમંત સોરેન સાથે થયા હતા. હાલ તેમના બે સંતાનો છે, જેમના મ નિખિલ અને અંશ છે જેઓ પ્રચાર માધ્યમોથી દૂર રહેવાનું પસંદ કરે છે. કલ્પના સોરેને બિઝનેસ અને ચેરિટીના કામ સાથે જોડાયેલી છે.

ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અમ્પા મુર્મૂના પહેલા સંતાન કલ્પના સોરેનનું શરૂઆતનું શિક્ષણ બારીપદાની કેન્દ્રિય વિદ્યાલયમાં થયું છે. એ પછી તેમણે ભુવનેશ્વરની એક કોલેજમાંથી બીટેકનું શિક્ષણ મેળવ્યું હતું. બિઝનેસ મેનેજમેન્ટમાં રસ હોવાને કારણે તેમણે એમબીએની ડિગ્રી પણ મેળવી. આદિવાસી બહુમતી ધરાવતા ઝારખંડમાં કલ્પના સોરેનની છબિ આદિવાસી સમાજની મહિલાઓની પ્રગતિ તરીકે જોવામાં આવે છે. અહીં તેમની ઓળખ એક બિઝનેસ વુમન અને સમાજસેવિકા તરીકેની છે. તેઓ રાંચીમાં એક પ્લે સ્કૂલની સંચાલિકા તરીકે કામ કરે છે અને એક ખાનગી કંપનીના ડિરેક્ટર પણ છે. સાથે જ તેઓ પ્રાકૃતિક ખેતીમાં પણ રસ ધરાવે છે અને તેના માટે સક્રિય રીતે કામ પણ કરે છે.

આ પણ વાંચો:AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં

તેઓ મહિલા અને બાળ સશક્તિકરણના કાર્યક્રમોમાં પણ નિયમિત રીતે સામેલ થાય છે. જો કે અન્ય મુખ્યમંત્રીઓની પત્નીઓની જેમ તેમણે કદી પક્ષના કામોમાં હસ્તક્ષેપ નથી કર્યો. તેઓ મોટાભાગનો સમય પોતાની સ્કૂલના કામોમાં અને ઘરે વિતાવતા આવ્યા છે. પરીક્ષાના સમયે તેઓ સ્કૂલના આદિવાસી બાળકોને પાસ થવાની ટિપ્સ આપતા હોય તેવા કેટલાક વીડિયોમાં જોવા મળે છે જે લોકોને ગમ્યાં છે. તેઓ ઝારખંડના હસ્તશિલ્પ અને તેની સાથે જોડાયેલા કારીગરોના વિકાસ, આદિવાસી કળા-પેઈન્ટિંગ અને પર્યટનમાં તેમનો ઘણો રસ છે. તેઓ પોતાની સ્કૂલમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ પણ ચલાવે છે. આવા જ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા.

કેટલી સંપત્તિની ધરાવે છે

માયનેતા.કોમ પર વર્ષ 2019માં રજૂ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામા મુજબ કલ્પના સોરેન પાસે અલગ અલગ બેંકોમાં તેમના બેંક ખાતાઓમાં 2.55 લાખ રૂપિયા છે. તેમના પોસ્ટ ઓફિસ ખાતામાં 6.79 હજાર રૂપિયા છે. સાથે એલઆઈસી અને આઈસીઆઈસીઆઈ બેંકની 24 લાખ રૂપિયાની પોલિસી પણ છે. તેમના નામે એક મારૂતિ સિયાઝ કાર પણ છે. આ સિવાય 24.85 લાખની કિંમતના 655 ગ્રામ સોનાના ઘરેણાં છે. અંદાજે 9 લાખ રૂપિયાથી વધુનું 20 કિલો ચાંદી છે. કલ્પના સોરેનના નામે 3 કોમર્શીયલ બિલ્ડીંગ પણ છે. એફિડેવિટમાં તેમની કુલ સંપત્તિ 4 કરોડ 87 લાખ રૂપિયા બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો:દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?

કલ્પના સોરેન ઝારખંડના પહેલા મહિલા મુખ્યમંત્રી બનશે?

વર્ષ 2020માં એક ઈન્ટરવ્યૂમાં કલ્પના સોરેને કહ્યું હતું કે, “હું રાજનીતિ વિશે તો કશું કહી નથી શકતી પણ જો પક્ષ મારા માટે કોઈ કામગીરી નક્કી કરે છે તો હું પાછી નહીં પડું. હેમંતજી સાથે મારે કદી રાજકીય મુદ્દાઓ પર ચર્ચા નથી થતી. તેઓ એક આઈકોન છે અને ઝારખંડના વિકાસ માટે કામ કરી રહ્યાં છે. એટલે અમારા નેતા તો તેઓ જ છે.”

કહેવાય છે કે કલ્પનાનું પોતાનું ફ્રેન્ડ સર્કલ છે. તેમને પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો ગમે છે. પરંતુ જો હેમંત સોરેન તેમને પોતાના અનુગામી તરીકે નિયુક્ત કરે છે તો કલ્પનાના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે.

પરંતુ કલ્પનાને સીએમ બનાવવા માટે હેમંત સોરેનને તેમના પિતા શિબુ સોરેનના આશીર્વાદ લેવા પડશે. પિતાની સંમતિની સાથે તેને પરિવારની સંમતિની પણ જરૂર પડશે. જો કલ્પના ઝારખંડના સીએમ બને છે તો તેઓ રાજ્યના પહેલા આદિવાસી મહિલા મુખ્યમંત્રી બની જશે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નહીં હોય. દેશમાં આજે પણ જ્યાં દલિત-આદિવાસી સમાજના ભલભલાં મોટા નેતાઓને પણ સવર્ણ નેતાઓ મુખ્યમંત્રી તો દૂર કેબિનેટ મંત્રી પણ બનાવવા રાજી નથી થતાં, ત્યાં એક આદિવાસી સમાજની એક મહિલા મુખ્યમંત્રી બને તે કેટલી મોટી વાત કહેવાય? હાલમાં તેમના મોટા ભાભી સીતા સોરેન અને નાના ભાઈ બસંત સોરેન પણ ધારાસભ્ય છે. કહેવાય છે કે હેમંત સોરેને તેમની ધરપકડની શક્યતાઓને ધ્યાને રાખીને પહેલેથી જ પિતા શિબુ સોરેનને કલ્પનાને આગળ કરવા માટે મનાવી લીધા હતા. હવે જ્યારે કલ્પના સોરેન વિધિવત વિધાનસભાની પેટાચૂંટણી લડવા જઈ રહ્યાં છે ત્યારે તેઓ ઝારખંડના પહેલા મહિલા મુખ્યમંત્રી બને તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચો:હિંમત હોય તો કૌભાંડના પુરાવા આપો, હું રાજનીતિ છોડી દઈશ; ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનનો ખૂલ્લો પડકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Duda bhai nanji bhai
    Duda bhai nanji bhai
    Namo bidhay. Nari sakti jinda baj
    6 months ago