જો ભાજપ ફરી સત્તામાં આવશે તો બંધારણ બદલી નાખશેઃ પ્રિયંકા ગાંધી
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે દલિત-આદિવાસી સમાજને લગતા મુદ્દાઓ પર વિગતે વાત કરી હતી.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટોચની નેતાગીરી ભલે તેને નકારવાનો ઢોંગ કરી રહી હોય, પરંતુ જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ચોક્કસ જ બંધારણને બદલી નાખશે અને લોકોને તેમનાથી બંધારણીય હકોથી વંચિત કરી નાખશે. પ્રિયંકાએ વલસાડ એસટી(અનુસૂચિત જનજાતિ) અનામત બેઠકના કોંગ્રેસના યુવા નેતા અનંત પટેલના સમર્થનમાં આયોજિત રેલીમાં સત્તાધારી ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રિયંકાએ કહ્યું, “શરૂઆતમાં તેઓ જે કરવા માગે છે તે હંમેશા નકારશે પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ તેનો અમલ કરશે. તેઓ સામાન્ય લોકોને કમજોર કરવા અને આપણા બંધારણમાં આપેલા અધિકારોથી આપણને વંચિત રાખવા બંધારણમાં ફેરફાર કરવા માંગે છે.'' વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે “તેઓ ચૂંટણી વખતે 'સુપરમેન'ની જેમ સ્ટેજ પર આવતા હતા તેમને "ઇન્ફ્લેશન મેન" તરીકે યાદ કરો.”
પ્રિયંકાએ કહ્યું, "ભાજપના નેતાઓ વડા પ્રધાનને એક શક્તિશાળી નેતા તરીકે રજૂ કરે છે અને (રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં) કહે છે કે તેઓ 'ચપટી વગાડીને યુદ્ધ રોકી દે છે', તો પછી તે ગરીબી વિશે કેમ વાત કરી શકતા નથી.
સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “એક તીર એક કમાન, આદિવાસીઓ એક સમાન. આદિવાસીઓની જ્યાં વધારે સંખ્યા છે એને અમે અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરીશું, જેથી તમને વધારે લાભ મળી શકે. તમે બધા જોઈ રહ્યા છો, તમારી જોડે અન્યાય થી રહ્યો છે, એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી'
તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, 'સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કંઈ થયું નહીં. ૧૦ વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબૂત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઈ રહ્યા છે, એવું કંઈ વાસ્તવમાં થયું નથી. છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. અમે ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે. ૪૫ વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. ચપટી વગાડતા યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી કેમ દૂર નથી કરી રહી સરકાર? પીએમ મોદી “મોંઘવારી મેન” છે. સરકાર મોટા મોટા દાવાઓ કરી રહી છે કે, અમે આ કરીશું પેલુ કરીશું પણ કંઈ થયું નથી. દેશમાં હાથરસ જેવા પણ કિસ્સા બન્યા. મોંઘવારી અને બેરોજગારીને દેશની સૌથી મોટી સમસ્યા છે. મોદી સરકારના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. આજે દરેક વસ્તુ પર જીએસટી લાદવામાં આવ્યો છે. ખેતીમાંથી કોઈ આવક નથી. ભાજપ સરકારે કરોડો લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. મોદી જનતાથી દૂર થઈ ગયા છે. એટલા માટે તે સામાન્ય માણસની સમસ્યાઓ વિશે વાત નથી કરી રહ્યાં”
આ પણ વાંચોઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી
મહિલાઓને 33 ટકા અનામત આપવા મુદ્દે પ્રિયંકાએ કહ્યું, મહિલાઓને અપાયેલી અનામત માત્ર નામની છે. તે હજુ ૫ – ૬ વર્ષ સુધી લાગુ જ નહી થાય. સરકારે ઉદ્યોગપતિના ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધાં પણ ગરીબો માટે શું કર્યું? કોઈ રોજગાર નથી મોંઘવારી ઓછી નથી થઈ રહી. આજથી ૫ વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ હશે, આ છે મોદી સરકારના કામો. મેડલ જીતનારી મહિલાઓ સાથે ચા પીનારા મોદીજી કેમ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી. દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે મિડીયા સાથે પણ મોદી સરકાર તાનાશાહી વર્તન કરી રહી છે. તેમને પર ભારે દબાણ છે. જો કશું પણ સરકારની વિરુદ્ધનું છપાય કે બતાવાય તો કાર્યવાહી કરાય છે. સરકાર દેશના આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. અનાજ અને રાશન આપવો અને ગરીબોએ મેળવવો તેમનો અધિકાર છે પણ આ રાશનથી તમારા દિકરાનું ભવિષ્ય નહી બંધાય.”
તેમણે કહ્યું કે, “મોદી કહે છે કે તેઓ એકલા ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે. પણ એવું નથી. હકીકતે તેઓ ખુદ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. અનેક ભ્રષ્ટ નેતાઓને તેમણે સજા કરવાને બદલે ભાજપમાં સમાવ્યા છે. તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા નથી, પરંતુ વિપક્ષી નેતાઓને ચૂપ કરવા માંગે છે.”
આ પણ વાંચોઃ કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો
પ્રિયંકા ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડવાના મોદીના દાવાઓને પોકળ ગણાવતા કહ્યું, “મોદીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા ભ્રષ્ટ લોકો પાસેથી કરોડો રૂપિયાનું દાન લીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એ વાત સામે આવી છે કે મોદી સરકાર દ્વારા કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને તે જ કંપનીઓ પાસેથી ભાજપે ડોનેશન લીધું હતું. તપાસ એજન્સીઓએ કંપનીઓ સામે કાર્યવાહી કરી, પછી ભાજપે એ જ કંપનીઓ પાસેથી ડોનેશન લીધું. આનાથી મોટો ભ્રષ્ટાચાર બીજો કોઈ હોઈ ન શકે. પાછા આ જ લોકો ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરે છે.”
તપાસ એજન્સીઓના દુરૂપયોગનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકાએ કહ્યું, “આજે બે મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચારના બહાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ઈડી, સીબીઆઇ અને આવકવેરા વિભાગ વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવી રહ્યા છે. એ જ વિપક્ષી નેતાઓ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે અચાનક ભ્રષ્ટાચારના કેસોની ફાઈલો અટકી જાય છે. મોદી જેમના પર હજારો કરોડના કૌભાંડનો આરોપ લગાવે છે તે નેતાઓ ભાજપમાં જોડાયા પછી ભ્રષ્ટાચારનો કેસ બંધ થઈ જાય છે. મોદીની કથની અને કરણી સાવ અલગ છે. તેમના પર વિશ્વાસ કરવા જેવો નથી. તેઓ મોંઘવારી અને બેરોજગારી અને યુવાનોને નોકરીના કરેલા વાયદાઓનો જવાબ ન આપવો પડે એટલે દર વખતે જુઠી વાતો ફેલાવ્યા કરે છે.”
આ પણ વાંચોઃ ફક્ત ડૉ. આંબેડકરના કારણે જજ બની શક્યો છું – જસ્ટિસ બી.આર. ગવઈ