રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી
ગુજરાતના રાજકારણમાં પાંચમા પક્ષ તરીકે બાપની એન્ટ્રી થઈ રહી છે. શું છે બાપ અને તે શા માટે ગુજરાતના બહુજન સમાજ માટે અગત્યનો પક્ષ છે તે સમજવા જેવું છે.
ગુજરાતમાં અત્યાર સુધી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ મોટાભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાતી આવી છે. અત્યાર સુધીનો રાજકીય ઈતિહાસ કહે છે કે, જ્યારે પણ ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે ત્યારે ભાજપને તેનો ફાયદો થયો છે અને કોંગ્રેસનું ધોવાણ થયું છે. વર્ષ 2012માં કેશુભાઈની જીપીપીએ ત્રિકોણીય જંગ કર્યો હતો. એ પછી ગયા વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસના મતો તોડ્યા હતા. મતોના વહેંચાઈ જવાથી સત્તાધારી પક્ષને ફાયદો થતો હોય છે. પણ તેનાથી દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના પોતાના પ્રશ્નોને વાચા મળે તેવા પોતાના રાજકીય પક્ષની આશા ફળીભૂત થતી નથી. તેઓ કથિત સવર્ણોના રાજકીય એજન્ડા પર ચાલતા પક્ષો પર જ નિર્ભર રહી જાય છે. પણ હવે લાગે છે તેમાં પરિવર્તન થઈ રહ્યું છે. કેમ કે, હવે આદિવાસી સમાજના પક્ષ તરીકે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પહેલા જ ધડાકે ચાર સીટો સાથે ખાતું ખોલાવનાર બાપ પક્ષની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ જોવા મળી રહ્યો હતો. પરંતું હવે પાંચમો પક્ષ મેદાનમાં આવ્યો છે. ભારત આદિવાસી પાર્ટી(BAP) ઉર્ફે બાપે દાદરા નગર હવેલી પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. ગુજરાતના પડોશી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર હાલ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અહીં સૌ પ્રથમ ફોર્મ બાપ પક્ષના ઉમેદવાર દિપકભાઈ કુરાડાએ ભર્યું હતું. આમ દાદરા નગર હવેલીના રસ્તે ગુજરાતના રાજકારણમાં હવે BAPની એન્ટ્રી થઈ ગઈ છે. જોવાનું એ રહેશે કે છોટુભાઈ વસાવાની બીટીપીની જેમ તે પોતાનો રસ્તો કંડારી શકે છે કે કેમ. હાલ દાદરા નગરહવેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે. તો કોંગ્રેસે આ બેઠક પર અજીત મહાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોની ચર્ચા હતી. એવામાં બાપ પક્ષના ઉમેદવારે ફોર્મ ભરતા રાજનીતિમાં અચાનક ગરમાવો આવી ગયો છે. આજે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બાપ પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડા એ સ્થાનિક મુદ્દાઓને લઈ લોકો નું સમર્થન માગ્યું હતું
ભારત આદિવાસી પાર્ટીનો રસપ્રદ ઈતિહાસ
ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે. તેણે ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી જ વખત ચૂંટણી લડતી હોવા છતાં રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક બેઠક જીતી હતી. તેનું ચૂંટણીચિહ્ન હોકી સ્ટીક અને દડો છે. દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાની બીટીપી(ભારતીય ટ્રાઈબલ પાર્ટી)માં ભાગલા પડ્યા બાદ કેટલાક આદિવાસી નેતાઓએ નવા રાજકીય સંગઠનનો પાયો નાંખ્યો. 2023ની વિધાનસભાની ચૂંટણીમાં તેમાંથી BAP ની સ્થાપના કરવામાં આવી હતી અને તેણે ન માત્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો પરંતુ પહેલા જ ધડાકે ચાર વિધાનસભા બેઠકો પણ જીતી હતી. સાવ નવાસવા પક્ષ માટે બહુ મોટી અપેક્ષા જગાવે તેવા પરિણામો હતા. ખાસ કરીને આદિવાસી સમાજની ખતમ થઈ રહેલી રાજનીતિ માટે આ સંજીવની સમાન હતું. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતોમાં ભાજપ અને કોંગ્રેસે બીટીપીના ગઢમાં ગાબડાં પાડ્યા બાદ આદિવાસી સમાજનું નેતૃત્વ ખતમ થવાની અણીએ હતું. છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા આજે ભાજપ સાથે છે અને એક સમયે છોટુદાદા સાથે રહેલા ચૈતર વસાવા આજે ભરૂચ લોકસભા બેઠક પરથી આપના ઉમેદવાર છે. આ બધાં સમીકરણોને કારણે આદિવાસી મતોમાં ભાગલા પડ્યાં હતા. જેનો સીધો ફાયદો મનુવાદી પક્ષોને થયો હતો. હવે બાપના સ્વરૂપે ફરી એકવાર આદિવાસી સમાજના પોતાના પક્ષની આશા ફળીભૂત થતી નજરે પડી રહી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના હજારો આદિવાસી કાર્યકરો આજે બાપના સભ્ય છે અને તેની તરફ આશાભરી મીટ માંડી રહ્યાં છે. બાપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહનલાલ રોતે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. 2024ની ચૂંટણીમાં ગુજરાતની પ્રથમ એવી બેઠક બની હતી, જેમાં ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે જંગ જામ્યો હતો. પરંતુ તેમાં AIMIM અને છોટુ વસાવાના પક્ષે પણ મેદાનમાં ઝંપલાવ્યુ હતું. પરંતું ભારત આદિવાસી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતની ચૂંટણીમાં પાંચમા પક્ષની એન્ટ્રી થઈ છે. હવે સૌની નજર તેના પર્ફોર્મન્સ પર છે. જો કે, આદિવાસી સમાજ માટે પરિણામ જે પણ આવે, બાપની એન્ટ્રીથી તેમના પોતાના રાજકીય પક્ષનું સપનું જીવતું રહે તે મહત્વનું છે.
BAP એ વિધાનસભાની કઈ સીટો જીતી હતી?
BAP એ રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડી હતી. બાપને પહેલી જ ચૂંટણીમાં 4 સીટો મળી છે, જે કોઈ નાનસૂની સફળતા નથી. રાજસ્થાનમાં પાર્ટીએ ચૌરાસી, આસપુર અને ધારિયાવાડ સીટો પર જીત મેળવી છે. જ્યારે મધ્યપ્રદેશની સલાણા બેઠક પર જીતનો ઝંડો લહેરાવીને તેણે વિધાનસભામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી દીધી છે. BAP ને ચૂંટણી પંચે હોકી અને દડાનું ચૂંટણી ચિહ્ન આપ્યું હતું અને આ ચિહ્ને ખરેખર વિરોધીઓને તેમની સફળતાથી દડાની જેમ ફરતા કરી દીધાં છે. ચાર સીટો પર જીત મેળવ્યા બાદ BAP ના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવાએ પક્ષના વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા લખ્યું હતું કે, “ભારતીય આદિવાસી પાર્ટી(BAP) ના ત્રણ ભીલ આદિવાસી યુવાનો વિજેતા થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં એક સીટ પર જીત મળી છે. જય આદિવાસી, જય જોહાર. શુભેચ્છાઓ.”
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.