આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા
હિંદુત્વવાદી ટોળાંએ બર્બરતાની હદ વટાવી. બંને મહિલાઓ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકી મોં પર કેક લગાડી માર માર્યો.

હિંદુત્વવાદીઓ જ્યારથી સત્તામાં મજબૂત થયા છે ત્યારથી દેશભરમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર કટ્ટર તત્વોના ટોળાં દ્વારા કાયદો હાથમાં લઈને હુમલા કરવાની, ન્યાય તોળવા બેસી જવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટોળાંએ બે આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધીને માર મારી બળજબરીથી જયશ્રી રામ ના નારા લગાવવા મજબૂર કરી હતી. આખી ઘટના ક્રિસમસના દિવસે બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો સામે આવ્યો છે.
ક્રિસમસના બીજા દિવસની ઘટના
ક્રિસમસના બીજા દિવસે એટલે કે 26મી ડિસેમ્બરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે મહિલાઓ ઝાડ સાથે બાંધેલી હાલતમાં જોવા મળી રહી છે. તેમની આસપાસ ટોળું જમા થઈ ગયું છે અને તે બંને મહિલાઓને પરાણે જયશ્રી રામ બોલવા માટે મજબૂર કરી રહ્યું છે. મોત ભાળી ગયેલી બંને મહિલાઓ ભયની મારી પરાણે જયશ્રી રામ બોલી રહી છે. બંનેમાંથી એક મહિલાના મોં પર ટોળાંએ કેક લગાવી દીધો હતો. બંનેની ઉંમર 40 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
મહિલાઓ પર બળજબરીથી ધર્માંતરણનો આક્ષેપ
ટોળાંનો દાવો છે કે બંને મહિલાઓ ધર્માંતરણની ઉજવણી કરવા માટે થઈને કેક લાવી હતી. બંને મહિલાઓ પૈકી એકનું નામ સુભાસિની સિંહ અને બીજીનું સુકાંતિ સિંહ હોવાનું સામે આવ્યું છે. ટોળાંથી ઘેરાયેલી આ બંને આદિવાસી મહિલાઓની પાછળ જ ઈસુ ખ્રિસ્તનો ફોટો દેખાઈ રહ્યો છે. આરોપ છે કે ટોળાંએ બંનેને નિર્દયતાથી માર માર્યો હતો. મામલો ઓડિશાના બાલાસોર જિલ્લાના આદિવાસી ગામ છનખાનપુરનો છે. આ મહિલાઓ પર ગામના જ એક વ્યક્તિનું બળજબરીથી હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ છે.
વીડિયોમાં ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓની સાથે સફેદ શર્ટ પહેરેલ એક વ્યક્તિ પણ જોવા મળી રહી છે. તે કહે છે, "આ બંને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરવા માટે જવાબદાર છે."
કપાળ પર તિલક લગાવેલી આ વ્યક્તિ પાછળથી "ભારત માતા કી જય" અને "જય શ્રી રામ" ના નારા લગાવે છે. બંને મહિલાઓ તેની સામે લાચાર નજરે જોતી રહે છે.
એ પછી પેલી વ્યક્તિ કહે છે, “જુઓ, આ કેવી રીતે ધર્માંતરણ કરાવી રહી છે. જ્યારે આપણે આપણા ધર્મ માટે પૂરા દિલથી કામ કરીએ છીએ, ધર્મ માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ. ત્યારે આવા લોકો સમાજને બગાડે છે. જો તમે તમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના જોતા હોવ તો અમને જણાવો, અમે તમારો સંપર્ક કરીશું. જો આજે આપણે આવી બાબતો પર ધ્યાન નહીં આપીએ તો આપણી આવનારી પેઢીઓ બગડી જશે. બાંગ્લાદેશમાં શું થયું તે તમે જોઈ રહ્યા છો! તેથી, તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમે આવા કોઈ કાવતરાખોરોને જાણો છો, તો તેમને પકડો અને અમને જણાવો.”
એ પછી બંને મહિલાઓને "જય શ્રી રામ" બોલવા માટે અને હવે પછી તેઓ ધર્મ પરિવર્તન નહીં કરાવે તેમ બોલવા માટે મજબૂર કરવામાં આવે છે. એ પછી એક મહિલા ત્યાં આવે છે અને બેમાંથી એક મહિલાને માર મારે છે.
પોલીસે બંને મહિલાઓ સામે ફરિયાદ નોંધી?
આ ઘટનાના અન્ય એક વીડિયોમાં પોલીસ ઝાડ સાથે બાંધેલી આ બંને મહિલાઓને ખોલી રહી છે. બાલાસોર પોલીસના એસપી રાજ પ્રસાદે કહ્યું છે કે આ કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં બંને મહિલાઓ સહિત એ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે, જેનું કથિત રીતે ધર્મ પરિવર્તન કરવાનું હતું. બીજી એફઆઈઆર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ ટોળાં સામે નોંધવામાં આવી છે. આ રીતે આ કેસમાં કુલ સાત લોકો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.
આ પણ વાંચો: 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું