દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો, પરિવારે કહ્યું- હત્યા કરાઈ

મહિલાની ફરિયાદ બાદ યુવકની અટકાયત કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર તેની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે.

દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો, પરિવારે કહ્યું- હત્યા કરાઈ
image credit - Google images

મધ્યપ્રદેશમાં એક દલિત છોકરાએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અહીંના દેવાસ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના બાદ ભીમ આર્મી અને યુવકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી એસપી સહિત પોલીસ દળોને બોલાવવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ પર યુવકની હત્યા અને ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ પોલીસ પર લાંચ માંગવાનો પણ આરોપ છે. એક મહિલાની ફરિયાદના આધારે પોલીસે દલિત યુવકને પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો. એસપીએ આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ યાદવે ટ્વીટ કરીને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા અને તપાસની માંગ કરી છે.

મામલો શું છે?

દેવાસના સતવાસ પોલીસ સ્ટેશનમાં માલાગાંવના રહેવાસી 35 વર્ષના દલિત યુવક મુકેશે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. માહિતી મળતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ મુકેશ પરના કેસમાં હળવી કલમો લગાવવા અને કલમો ઘટાડવાના બદલામાં લાંચ માંગી રહી હતી. પોલીસ સ્ટેશનમાં મુકેશ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. મુકેશની આત્મહત્યાથી રોષે ભરાયેલા તેના પરિવારજનોએ ભીમ આર્મી સાથે મળીને પોલીસ સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં જ દેવાસના પોલીસ અધિક્ષક સાતવાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.

દલિત યુવકની હત્યા પર રાજકારણ શરૂ

બીજી તરફ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસના નેતા અરુણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, રક્ષકો જ ભક્ષકો બની ગયા છે. તેમણે ડીજીપીને પોલીસ સ્ટેશનના પીઆઈ અન્ય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની અને મામલાની તપાસ કરવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને એસપીએ તપાસના આદેશ આપ્યા છે.

મૃતક મુકેશના પરિવારજનોએ પોલીસકર્મીઓ પર હત્યા બાદ ગુપ્ત રીતે પોસ્ટમોર્ટમ કરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પરિવારને જાણ કર્યા વિના પોલીસે મુકેશના મૃતદેહને સતવાસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યો અને બહારથી તાળું મારી દીધું હતું.

પોલીસનું શું કહેવું છે?

મુકેશની આત્મહત્યાને લઈને એસપી પુનીત ગેહલોતનું કહેવું છે કે સ્ટેશન ઈન્ચાર્જ નિવેદન વાંચી રહ્યા હતા એ દરમિયાન મુકેશે ગળામાં બાંધેલા રૂમાલને ગ્રીલ સાથે બાંધીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટાફે તેને જોતાની સાથે જ ફાંસો ખોલ્યો હતો અને તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એસપી પુનીત ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, 35 વર્ષીય મુકેશે પોલીસ કસ્ટડી દરમિયાન પોતાના જ ગમછાથી ફંદો બનાવી તેની સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. 26 ડિસેમ્બરે એક મહિલાએ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લવાયો હતો. શનિવારે સાંજે 6 વાગ્યે પોલીસ જ્યારે તેની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તેણે ગમછાથી ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો: રાત્રે પોલીસે દલિત યુવકને જેલમાં પૂર્યો, સવારે તેનો મૃતદેહ લટકતો હતો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.