દો દિન કી ઈસ બચ્ચી કે બાપ કો ઢૂંઢો, હમેં ન્યાય દો યા ઝહર દે દો...

સવર્ણ યુવક દલિત યુવતીને કુંવારી માતા બનાવી તરછોડીને જતો રહ્યો. યુવતી 2 દિવસની બાળકીને લઈને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી.

દો દિન કી ઈસ બચ્ચી કે બાપ કો ઢૂંઢો, હમેં ન્યાય દો યા ઝહર દે દો...
image credit - Google images

બેટી બચાવો, બેટી પઢાઓના સરકારી સ્લોગન વચ્ચે કડવી વાસ્તવિકતા એ છે કે, મહિલાઓ, યુવતીઓ પર અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. ખાસ કરીને મામલો જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજની મહિલાઓનો હોય અને આરોપીઓ કથિત ઉચ્ચ જાતિના હોય ત્યારે કાયદો જાતિવાદી સવર્ણોની તરફેણમાં કામ કરવા લાગે છે. આવા હજારો ઉદાહરણોની દેશની કોર્ટ કચેરીઓ અને પોલીસ સ્ટેશનો ભર્યા પડ્યાં છે અને તેમાં વધુ એક કરૂણ કિસ્સો ઉમેરાયો છે, જેમાં એક યુવકે લગ્નના બહાને દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે ગર્ભવતી બની જતાં તેને ત્યજી દીધી હતી. યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દોઢ મહિના પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તાજેતરમાં તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે અને કુંવારી માતા આ યુવતી પોતાની બે દિવસની દીકરીને લઈને ન્યાય માંગવા સરકારી કચેરીએ પહોંચી ગઈ ત્યારે સૌ કોઈની આંખો પહોળી થઈ ગઈ અને આરોપીઓ તથા સરકારી તંત્ર પર ફિટકાર વરસાવવા લાગ્યા.

ફરિયાદ નોંધાવવા છતાં પોલીસ કાર્યવાહી નથી કરતી
મામલો જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીમાં એક યુવકે એક દલિત યુવતીને લગ્નના બહાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન યુવતી ગર્ભવતી બની જતાં યુવક તેને છોડીને ભાગી ગયો હતો. યુવતીએ દોઢ મહિના પહેલા હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટ દાખલ કર્યાને દોઢ મહિના પછી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. બુધવારે યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. કુંવારી માતા તેની બે દિવસની પુત્રી સાથે કેસની તપાસ કરી રહેલા નવાબગંજ સીઓની ઓફિસે પહોંચી અને ન્યાયનો પોકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ "તું નીચી જાતિની છે, હવે લગ્ન નથી કરવા" રાજકોટમાં 6 વર્ષ લિવ ઈનમાં રહ્યાં બાદ અંકિત અગ્રાવતે પોત પ્રકાશ્યું, 

યુવક પ્રેમજાળમાં ફસાવી તરછોડીને જતો રહ્યો
હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક દલિત છોકરી તેની માતા અને નાની બહેન સાથે હરિયાણાના સોનીપત જિલ્લામાં એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતી હતી. પરિવાર સોનીપતમાં એક રૂમમાં ભાડેથી રહેતો હતો. ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢાંકણી ગામનો વિપિન પણ તેની સાથે આ જ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે પણ એ જ મકાનમાં ભાડા પર રહેતો હતો. દરમિયાન યુવકે દલિત યુવતીને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પછી યુવતી તેના ગામ પાછી આવી અને યુવક પણ તેના ગામ પાછો ગયો. અહીં પણ યુવક પીડિતાના ગામ તેને મળવા જતો હતો. 

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. આરોપ છે કે જ્યારે યુવતીએ તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું તો તે સતત વાત ટાળતો રહ્યો હતો અને બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. લગભગ દોઢ મહિના પહેલા યુવતીની ફરિયાદના આધારે આરોપી વિપિન વિરુદ્ધ હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં SC-ST અને બળાત્કારની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. મામલો SC-ST એક્ટ સાથે સંબંધિત હોવાથી તપાસ સીઓ નવાબગંજ હર્ષ મોદીને સોંપવામાં આવી હતી.

નિષ્ઠુર પોલીસના પેટનું પાણી પણ હલતું નથી
યુવતીનો આરોપ છે કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ બુધવારે નવાબગંજ સીએચસીમાં યુવતીએ પુત્રીને જન્મ આપ્યો હતો. શુક્રવારે અપરિણીત માતા બનેલી આ દલિત યુવતી તેની બે દિવસની પુત્રીને ખોળામાં લઈને સીઓ હર્ષ મોદીની ઓફિસે પહોંચી હતી અને રડતા રડતા ન્યાયની ગુહાર લગાવી હતી. આ ઘટનાને બે દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.