કૂતરાથી બચવા ભાગી રહેલા દલિત યુવકને સવર્ણોએ ચોર સમજી બાંધીને માર્યો
ગુજરાતમાં મજૂરી કરતો યુવક વતન પહોંચ્યો હતો. મોડી રાત્રે કૂતરા પાછળ પડતા તે દોડ્યો, સવર્ણોએ તેને ચોર સમજી, ઝાડ સાથે બાંધીને માર્યો.
- યુવક ગુજરાતમાં મજૂરી કરતો હતો, રજા હોવાથી ઘરે જઈ રહ્યો હતો
- સાધન ન મળતા રાતે 2 વાગ્યે પગપાળા જઈ રહ્યો હતો
- કૂતરાં પાછળ પડતા યુવક તેનાથી બચવા ભાગ્યો
- ગામના સવર્ણોએ તેને ચોર સમજી ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો
- યુવકના પિતા તેને શોધવા નીકળ્યા ત્યારે ઘાયલ થયેલો મળી આવ્યો
દલિતો, આદિવાસીઓ પર દરરોજ અત્યાચાર, હિંસા, સહિતની અનેક ઘટનાઓ બને છે. તેમાંથી આંગળીના વેઢા પણ વધી પડે તેટલી ઘટનાઓ માંડ પોલીસ ચોપડે નોંધાય છે. એમાંથી પણ મીડિયામાં તેની નોંધ લેવાતી હોય તેવી ઘટનાઓનો આંકડો તો એકાદ-બે માંડ હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે ખબરઅંતર.કોમનો પ્રયત્ન છે કે, મહત્તમ ઘટનાઓને સમાજ સુધી પહોંચાડી શકીએ.
મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની ઘટના
આ ઘટના મધ્યપ્રદેશના રતલામની છે. અહીંના એક ગામનો દલિત મજૂર ગુજરાતમાં મજૂરીકામ માટે આવ્યો હતો. કામ દરમિયાન રજા હોવાથી તે મધ્યપ્રદેશના પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યે તેને ગામડે જવા માટે કોઈ વાહન ન મળતા તે ચાલીને જઈ રહ્યો હતો. એ દરમિયાન શેરીના કૂતરાં તેની પાછળ પડ્યાં. જેનાથી બચવા મજૂર યુવક ભાગ્યો. હોબાળો થતા સ્થાનિકો જાગી ગયા અને તેને ચોર સમજીને પકડી લીધો અને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. હાલ ઘાયલ મજૂર યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું
ઘટના રતલામ જિલ્લાના તાલ પોલીસ સ્ટેશનના ટૂંગણી ગામની છે. જ્યાં એક દલિત યુવકને ચોર સમજીને તેને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
યુવક ગુજરાતમાં મજૂરીકામ કરે છે
મળતી માહિતી મુજબ, મજૂર યુવકનું નામ શ્રવણ ચંદ્રવંશી છે અને તે ગુજરાતમાં મજૂરી કામ કરે છે. તે 16 સપ્ટેમ્બરની રાત્રે ગુજરાતથી પોતાના વતન તાલ પહોંચ્યો હતો. ત્યાંથી પોતાના ગામ ટૂંગણી પહોંચવા માટે તેને કોઈ સાધન ન મળતા તે પગપાળા ઘરે જઈ રહ્યો હતો.
રાત્રે લગભગ 2 વાગે ટૂંગણી ગામમાં ભસતા કૂતરા તેની પાછળ પડ્યા. બચવા માટે તે નવી વસ્તી તરફ ભાગ્યો અને કેટલાક લોકોએ તેને ચોર સમજીને પકડી લીધો. તેણે કહ્યું કે તે ચોર નથી, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. તેની સાથે ગાળાગાળી કર્યા બાદ લોકોએ તેને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો.
યુવકના પિતા દવાખાને લઈ ગયા
તેના પિતાએ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી કે તેમને રાત્રે બાતમી મળી હતી કે કેટલાક લોકો તેમના પુત્ર શ્રવણને લીમડાના ઝાડ સાથે બાંધીને માર મારી રહ્યા છે. જ્યારે તે તેના સંબંધી સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં તો તેમણે જોયું કે શ્રવણ ઘાયલ હાલતમાં પડ્યો હતો.
તેને તાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, બાદમાં ત્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. પિતાએ જણાવ્યું કે તેમના પુત્ર શ્રવણને બે દિવસ પછી મેડિકલ કોલેજમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેની ઘરે સારવાર ચાલી રહી છે.
લાકડીઓ, મુક્કા મારી યુવકને ઈજા પહોંચાડી
પોલીસના જણાવ્યા અનુસાર યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે શ્રવણ ચંદ્રવંશીને આરોપીઓ દશરથસિંહ ઈશ્વરસિંહ, ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ, બબલુ ઈશ્વરસિંહ સિસોદિયા અને બાબુલાલ નાનુરામ હાડા (તમામ ટૂંગણીના રહેવાસી છે) એ ચોરીની આશંકાએ તેને ઝાડ સાથે બાંધી રાખી લાકડીઓ અને મુક્કા વડે માર માર્યો હતો.
આ મામલે BNS ની કલમ 126(2), 296, 115(2), 351(2), 3(5) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)દ, 3(1)ઘ, 3(2) VA અંતર્ગત આરોપી સામે ફરિયાદ નોંધાયેલ છે અને ચારેયની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rameshbhai Makwanaઆવા સમાચારો થકી દલિત સમાજમાં જાગૃતિ અને સંગઠિત થવાની ભાવના જાગૃત થાય.
-
Kantibhai Rathodમજબૂતી સાથે યુવા પેઢી અને યુવાનોએ લડત આપવી પડશે