વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા

અસામાજિક તત્વો અહીં ગેબનશા પીર ચાર રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની વિશાળ પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા.

વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા

સુરેન્દ્રનગરના વઢવાણમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વો અહીં ગેબનશા પીર ચાર રસ્તા પાસે આવેલી ડૉ. આંબેડકરની વિશાળ પ્રતિમાના ચશ્મા ચોરી ગયા હતા. એટલું જ નહીં પ્રતિમાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઈને બહુજન સમાજના સામાજિક કાર્યકરોએ વઢવાણ પોલીસમાં એફઆઈઆર કરતા પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે પાંચ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

મામલો શું છે?

સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા ગેબનશા પીરની દરગાહ પાસે આવેલા બ્રીજના ક્રોસિંગ પર બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમા આવેલી છે. સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ આજે પણ દલિત સમાજનો ગઢ ગણાય છે, અહીં રાજકીય અને સામાજિક મોરચે દલિત સમાજ અને તેના આગેવાનોની મજબૂત પકડ છે અને તેનું મોટું ઉદાહરણ બાબાસાહેબની પ્રતિમા છે. વઢવાણ સુરેન્દ્રનગરથી લખતર અને અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર બાબાસાહેબની ભવ્ય પ્રતિમા સમગ્ર વઢવાણ-સુરેન્દ્રનગરના દલિત બહુજન સમાજના સ્વાભિમાનનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે કોઈ અસામાજિક વ્યક્તિ ગેબનશા પીર ક્રોસિંગ પર આવેલી બાબાસાહેબની પ્રતિમાના સર્કલની અંદર ઘૂસી ગયો હતો અને પ્રતિમાના ચશ્મા કાઢી લીધા હતા, એટલું જ નહીં તેના કપાળ અને મોંના ભાગે પણ નુકસાન કર્યું હતું. આ ઘટનાની જાણ વઢવાણના બહુજન સમાજના યુવાનોને થતા તેમણે સ્થાનિક પોલીસનું આ મામલે ધ્યાન દોરીને એફઆઈઆર નોંધાવી જવાબદારોને પકડીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજનો વીડિયો વાયરલ

ગેબનશા પીરની દરગાહ પાસેની બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરતી અને નુકસાન કરતી ઘટનાનો સમગ્ર વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ મોં પર હાથરૂમાલ બાંધીને પ્રતિમા સાથે ચેડાં કરતો દેખાય છે. આ શખ્સે કેસરી રંગનું પેન્ટ અને ચેક્સ શર્ટ પહેર્યો છે. 

વઢવાણના યુવા એક્ટિવિસ્ટ ગૌતમ મકવાણા ખબરઅંતર.કોમને જણાવે છે કે, “પ્રતિમા સાથે ચેડાં કરનારી વ્યક્તિએ મોં પર રૂમાલ બાંધેલો છે એ જ બતાવે છે કે તેને અહીં સીસીટીવી લાગેલા હોવાનો ખ્યાલ છે. આ જાણીજોઈને સામાજિક માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર હોય તેવું સ્પષ્ટ વર્તાય છે. બાકી આજ સુધી કોઈએ બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવાની પણ હિંમત કરી નથી. વર્ષોથી આ પ્રતિમા વઢવાણ-સુરેન્દ્રનગરના દલિતોના સ્વાભિમાન અને આત્મસન્માનનું પ્રતિક રહી છે. ત્યારે આ રીતે કોઈ અસામાજિક તત્વો ધોળાં દિવસે પ્રતિમાના ચશ્મા ઉતારી જાય અને પ્રતિમાને નુકસાન પહોંચાડે તે કોઈ કાળે સાંખી લેવાય તેમ નથી. આ મામલે અમે સ્થાનિક પોલીસને જાણ કરી છે અને તેમણે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.”

લોકસભા ચૂંટણીનો માહોલ હોઈ રાજકીય ષડયંત્રની પણ આશંકા

વઢવાણના સ્થાનિક બહુજન સમાજના આગેવાનો આ ઘટનાને રાજકીય કાવતરાની નજરે પણ જોઈ રહ્યાં છે. અન્ય એક યુવા કર્મશીલ બાબુભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે “હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરીને બહુજન સમાજને ઉશ્કેરવાનું આ કાવતરું પણ હોઈ શકે છે. વઢવાણ વર્ષોથી બહુજન સમાજનો ગઢ રહ્યો છે.  હાલ રાજકીય પક્ષો અહીં વિકાસના નામે મત માંગી શકે તેમ નથી, કેમ કે અનેક પ્રાથમિક સુવિધાઓનો પણ અહીં અભાવ જોવા મળે છે, રોજગારીના પ્રશ્નો યથાવત છે, શિક્ષિત બેરોજગારોની સંખ્યા બહુ મોટી છે. દલિત, ઓબીસી સમાજની વસ્તી બહુ મોટી છે પણ તેમના યુવાનોની સરકારી નોકરીઓ વર્તમાન સરકારે સાવ ખતમ કરી નાખી છે. દલિત, ઓબીસીના સેંકડો યુવાનો અહીં રાતદિવસ જોયા વિના ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, પણ વારંવાર પેપર ફૂટતા હોઈ તેમનું મનોબળ તળિયે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષનો એકેય નેતા દલિત-ઓબીસીની વસ્તી વચ્ચે જઈને પોતાને મત આપવાની વિનંતી કરી શકે તેમ નથી. એ સ્થિતિમાં બાબાસાહેબની પ્રતિમાના અચાનક ચશ્મા ચોરાઈ જવા એ કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે. અગાઉ અનેક ઘટનાઓમાં થયું છે તેમ શક્ય છે આરોપી અચાનક મળી આવે અને પછી નેતાજી પોતાને દલિતોના હામી તરીકે પ્રોજેક્ટ કરવા આવી પહોંચે. આ થીયરીને પણ અમે નકારતા નથી.”

આખી ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી?

વઢવાણના પ્રકાશભાઈ જોષી નામના દલિત એક્ટિવિસ્ટ દરરોજ ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા માટે જાય છે. ગઈકાલે સાંજે પણ તેઓ નિત્યક્રમ મુજબ આ ક્રિયા માટે પ્રતિમાએ ગયા હતા. જ્યાં તેમણે જોયું કે બાબાસાહેબના ચશ્મા કોઈ ચોરી ગયું છે. આથી તેમણે બાજુમાં આવેલી એક દુકાન બહાર લાગેલા સીસીટીવી ચેક કરાવ્યા હતા જેમાં એક શખ્સ બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ઉતારતો દેખાયો હતો. સાથે જ તે પ્રતિમાના કપાળ સહિતના ભાગને પણ નુકસાન પહોંચાડતો દેખાયો હતો. આથી તરત તેમણે પુરાવાઓ સાથે વઢવાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે 5 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

પ્રકાશભાઈ જોષીના જણાવ્યા પ્રમાણે, આ કોઈ રાજકીય ષડયંત્ર હોય તેવું સ્પષ્ટ વર્તાય છે. હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બહુજન સમાજને બાબાસાહેબના નામે ઉશ્કેરીને રાજકીય ફાયદો લેવા કોઈને હાથો બનાવાયા હોય તેમ લાગે છે. અમે કોઈ બહુજન સમાજનો રાજકીય લાભ ન ઉઠાવી જાય તે અંગે પણ સતર્ક છીએ.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.