મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ માનવીય ગરિમા સાથે જોડાયેલો મુદ્દો છે અને આ કુપ્રથાને ખતમ કરવા માટે જે કરવું પડે તે કરીશું.

મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું : સુપ્રીમ કોર્ટ
image credit - Google images

સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે કહ્યું કે તે ગટર અને સેપ્ટિક ટેંકની હાથથી સફાઈ કરવાની (manual scavenging) કુપ્રથાને ખતમ કરવા માટે 'કોઈપણ હદ સુધી' જશે. આ માનવીય ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો છે.
ધ હિંદુના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અરવિંદ કુમારની વિશેષ બેન્ચે કેન્દ્ર સરકારને સંબોધતા કહ્યું, 'આ મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેને એમ જ છોડી નહીં દઈએ. અમે ઓક્ટોબર 2023 ના અમારા નિર્ણયનું પાલન સુનિશ્ચિત કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું, પછી ભલે ગમે તે થાય. કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ 20 ઓક્ટોબર, 2023ના તેના નિર્ણયનો ઉલ્લેખ કરી રહી હતી, જેમાં તેણે કેન્દ્ર અને રાજ્યોને દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને સફાઈની ખતરનાક પદ્ધતિઓને દૂર કરવા માટે પગલાં લેવા માટે સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ 'અમાનવીય' કામો હજુ પણ સતત ચાલુ છે, જેના કારણે ઘણીવાર કામદારો શ્વાસ રુંધાવાને કારણે મૃત્યુ પામે છે.

કોર્ટે કહ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013ના એક દાયકા પછી પણ જો સમાજનો એક મોટો વર્ગ જીવન જીવવા માટે ગટરોમાં ઉતરવા માટે મજબૂર છે અને તેમાં ફસાઈને મૃત્યુ પામે છે, તો નાગરિકો વચ્ચે ભાઈચારા, સમાનતા અને સન્માનના દાવાઓ માત્ર ભ્રમ બની ગયા છે.

આ પણ વાંચોઃ ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત

કોર્ટે કહ્યું હતું કે, 'આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ વસ્તીના આ મોટા હિસ્સાનો ઋણી છે, જે અદૃશ્ય, વણસાંભળ્યા અને મૂક બનેલા છે અને આ અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા છે. અગાઉ કોર્ટે ગટર સફાઈમાં મોતને ભેટલા લોકો માટેનું વળતર રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરી દીધું હતું.

આ નિર્ણયના એક વર્ષ કરતાં વધુ સમય બાદ બુધવારે કોર્ટની વિશેષ બેન્ચે ટિપ્પણી કરી હતી કે રાજ્યોએ ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશોને લાગુ કરવામાં કોઈ કસર છોડી નથી. જો કે, જસ્ટિસ ધુલિયાએ કહ્યું, 'પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ નાબૂદીની વાત છે, તે ક્યાંય થયું નથી, એક પણ નગરપાલિકામાં પણ નહીં...અમને એક એવી મોડેલ નગરપાલિકા બતાવો જ્યાં આ ખતરનાક સફાઈ ન થતી હોય.

કેસના એમિકસ ક્યુરી વરિષ્ઠ એડવોકેટ કે. પરમેશ્વરાએ જણાવ્યું હતું કે ગટર સફાઈ દરમિયાન થતા મોતને અટકાવવાના પુરાવા દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ત્રણ ચુકાદાઓમાં જોવા મળે છે, જેમાં પીડિતોના પરિવારોને વધારા મુજબનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરમેશ્વરે કહ્યું, 'અમારે પુરાવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, તેનું ઉદાહરણ દેશની રાજધાનીમાં જ હાજર છે.'

કોર્ટે પૂછ્યું કે સરકારની નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) યોજના છે, જે અંતર્ગત કોઈપણ સફાઈ કર્મીને ગટર અને સેપ્ટિક ટેંકની અંદર ઉતરીને સફાઈ નથી કરવી પડતી તેવી સ્પષ્ટ જોગવાઈ છે, તેમ છતાં આ કુપ્રથા કેવી રીતે ચાલુ રહે છે?

આ પણ વાંચોઃ હવે સવર્ણો પણ ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરવા લાગ્યા?

કોર્ટે સામાજિક ન્યાય મંત્રાલયને આગામી બે અઠવાડિયામાં રાજ્યો સાથે બેઠક યોજવા અને ઓક્ટોબર 2023ના નિર્ણયના અમલ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સરકારને અમલીકરણમાં રહેલી ખામીઓને દૂર કરવા કહ્યું છે અને જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને અવમાનના પગલાંનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌપ્રથમ વખત 1993માં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એ પછી, 2013 માં કાયદો બનાવીને તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો કે, આજે પણ આ કુપ્રથા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે.

મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013 હેઠળ, કોઈપણ વ્યક્તિને ગટરમાં મોકલવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ સફાઈ કામદારને ગટરની અંદર મોકલવામાં આવે છે, તો તેના માટે 27 પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે. જો કે, આ નિયમોના સતત ઉલ્લંઘનને કારણે ગટરની સફાઈ કરતી વખતે અનેક સફાઈકર્મીઓના મોત થાય છે. અહીં એ કહેવું જરૂરી છે કે, અનામત વ્યવસ્થાનો વિરોધ કરતા લોકોને આ કામમાં આટલા વર્ષે પણ 100 ટકા દલિત-વાલ્મિકી સમાજના લોકોની અનામત જરાય ખટકતી નથી. દલિતોમાં પેટાવર્ગીકરણ કરવાની તરફેણ કરનારા તત્વોને આ અમાનવીય કામમાં ઈશ્વરી તત્વના દર્શન થાય છે તેનાથી શરમજનક બીજું શું હોય?

આ પણ વાંચોઃ 15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.