હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?
નાનપણથી સાથે ભણતા મુસ્લિમ યુવક-હિંદુ યુવતીએ વિદેશમાં લગ્ન કર્યા હતા. તેમનું રિસેપ્શન ભારતમાં રાખ્યું હતું, પણ કાર્યક્રમનું કાર્ડ વાયરલ થતા જ હિંદુત્વવાદીઓ એક્ટિવ થઈ ગયા.
સત્તાપક્ષ દ્વારા સામાન્ય માણસમાં ભરવામાં આવેલું કોમવાદી ઝેર હવે કઈ હદે વકરી રહ્યું ગયું છે તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકે પોતાની મરજીથી વિદેશમાં રહેતા હોવાથી લગ્ન કર્યા હતા. જેનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. પણ તેનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. આખરે પરિવારજનોએ રિસેપ્શન રદ કરી દેવું પડ્યું હતું.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીં અલીગઢ જિલ્લામાં એક હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન પછીનો આશીર્વાદ સમારોહ રદ કરી દેવો પડ્યો. બન્યું હતું એવું કે, સમારંભનું ડિજિટલ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો. કાર્ડમાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતા જ હિંદુત્વવાદી સંગઠનોના કથિત કાર્યકરો તેનો વિરોધ કરવા મેદાનમાં આવી ગયા હતા.
આ પણ વાંચોઃ મુસ્લિમ ડોક્ટરને મંદિર સામેનું ઘર વેચતા આખી કોલોની વિરોધમાં ઉતરી
પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એક હિંદુ વેપારી પરિવારની એક છોકરીએ માર્ચ મહિનામાં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. બંને વિદેશમાં સાથે રહે છે અને ત્યાં કામ કરે છે. બંનેના પરિવારે લગ્ન બાદ સગાસંબંધીઓ માટે આશીર્વાદ રિસેપ્શન રાખ્યું હતું. યુવતીના પક્ષે 21મી ડિસેમ્બરે હોટલમાં એક કાર્યક્રમ યોજીને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરૂ કર્યું હતું. જ્યારે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું અને છોકરીની સાથે મુસ્લિમ છોકરાનું નામ જોવા મળ્યું, ત્યારે વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો તેના વિરોધમાં ઉતરી પડ્યા હતા. કાર્ડની સાથે વિરોધ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.
સીધી ચેતવણી આપવામાં આવી હતી કે શહેરમાં આવા જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. સંગઠનના લોકોએ કાર્યક્રમના સ્થળ પર પહોંચીને વિરોધ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતી બંને બાળપણથી સાથે ભણ્યા હતા અને તેમના લાંબા સમયના સંબંધો બાદ હવે મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો. પણ હિંદુત્વાદી સંગઠનો આ મામલે તેમનો વિરોધ કરવા ઉતરી પડ્યા છે.
આ મામલે હિન્દુત્વવાદી સંગઠનના તમામ કાર્યકરોએ જવાહર પાર્કથી રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ પહોંચીને એડીએમ સિટીને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર કચેરીમાં મેમોરેન્ડમ આપતાં પૂર્વ મેયર શકુંતલા ભારતીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈપણ ભોગે થવો જોઈએ નહીં.
આ પણ વાંચોઃ દુકાનનું નામ હિંદુ હોવાથી ભાજપ નેતાએ મુસ્લિમ માલિકને ધમકાવી તોડફોડ કરી
એડીએમ સિટી અમિત કુમાર ભટ્ટે કહ્યું કે હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. દરેક પરિસ્થિતિ પર નજર રાખીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
શુક્રવારે છોકરીના પરિવારે તેમના પરિચિતોને ઈ-કાર્ડ મોકલવાનું શરૂ કર્યું. જે બપોર સુધીમાં વાયરલ થયું હતું. સીઓ બીજા સંજીવ તોમરના જણાવ્યા અનુસાર, ગુરુવારથી આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે. એ વાત સાચી છે કે હવે ઈવેન્ટ મોકૂફ રાખવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મળી છે. તેમ છતાં કાળજી લેવામાં આવી રહી છે. વિરોધ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત ચાલી રહી છે.
હિંદુત્વવાદી સંગઠનોની લુખ્ખી દાદાગીરીને કારણે હવે પરિવારે કાર્યક્રમ રદ કરી દીધો છે. તેમણે એક મેસેજ જારી કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, "અમને તમને જણાવતા ખેદ થાય છે કે જીટી રોડ હોટેલ ખાતે 21મી ડિસેમ્બર 2024ના રોજ અમારો કાર્યક્રમ અગમ્ય કારણોસર રદ કરવામાં આવ્યો છે. આપને પડેલી અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચોઃ ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું