વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?

શિડ્યૂઅલ કાસ્ટ ફેડરેશનથી લઈને BSP અને આઝાદ સમાજ પાર્ટી સુધીના દલિત રાજકીય પક્ષો અને આંદોલનકારીઓએ શા માટે વાદળી રંગ અપનાવ્યો તેની કહાની રસપ્રદ છે.

વાદળી રંગ કેવી રીતે દલિત આંદોલન-દલિત રાજનીતિનું પ્રતિક બન્યો?
image credit - Google images

અમિત શાહે (Amit Shah) ડો.આંબેડકર (Dr. Ambedkar) અંગે આપેલા વિવાદિત નિવેદનને લઈને સંસદથી લઈને દેશભરમાં મામલો ગરમાયેલો છે ત્યારે ફરી એકવાર ડો.આંબેડકર અને તેમની સાથે જોડાયેલી તમામ બાબતો નવેસરથી ચર્ચામાં આવી રહી છે. આવો જ એક ચર્ચાનો વિષય ડો.આંબેડકર સાથે જોડાયેલો વાદળી રંગ (blue colour) છે. ગઈકાલે તમામ વિપક્ષો ડો.આંબેડકરનું અપમાન કરવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે વિરોધ કરવા વાદળી રંગના ડ્રેસમાં સંસદ પહોંચ્યા ત્યારે વાદળી રંગ ફરીથી ચર્ચામાં આવી ગયો. તેમના ડ્રેસના રંગમાં આ ફેરફાર દલિત ઓળખ (Dalit identity), દલિત રાજકારણ (Dalit politics) અને દલિત આંદોલન (Dalit movement) ના સમર્થનમાં કરવામાં આવ્યો હતો. આ બધાં વચ્ચે એક સવાલ ફરી ઉઠ્યો છે કે, વાદળી રંગ ક્યારે અને કેવી રીતે દલિત રાજનીતિ અને દલિત આંદોલનની ઓળખ બની ગયો?

આ મામલે ઘણી માન્યતાઓ, સિદ્ધાંતો અને વાતો છે પરંતુ તેની શરૂઆત બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના સમયથી જોડાયેલી છે. નિવૃત્ત IPS અધિકારી અને દલિત સામાજિક કાર્યકર એસઆર દારાપુરીને ટાંકીને ઈન્ડિયા ટુડેએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે, 1942માં ડૉ.આંબેડકર દ્વારા બનાવવામાં આવેલ શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Scheduled Caste Federation of India) નો ધ્વજ વાદળી હતો જેની વચ્ચે સફેદ અશોક ચક્ર બનેલું હતું. બાદમાં 1956 માં, જ્યારે આ પાર્ટીનું વિસર્જન કરવામાં આવ્યું અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (Republican Party of India) ની સ્થાપના કરવામાં આવી, ત્યારે તેનો ધ્વજ પણ વાદળી રાખવામાં આવ્યો હતો.

આગળ જતા જ્યારે રામદાસ અઠાવલેએ રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાથી અલગ થઈને રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ની રચના કરી, ત્યારે તેમણે એ જ ધ્વજ (વાદળી ધ્વજ પર સફેદ અશોક ચક્ર) રાખ્યો. અત્યારે પણ આઠવલેની પાર્ટીનો ઝંડો એ જ છે જે ડૉ.આંબેડકરે રાખ્યો હતો. 

દારાપુરીની દલીલ એવી છે કે ડૉ. આંબેડકર ખુલ્લા વિચારોવાળા વ્યક્તિત્વ હતા અને સમાનતા, બંધુત્વના સમર્થક હતા. તેથી આકાશની જેમ સ્વચ્છ અને વિશાળતાને દર્શાવવા માટે બાબા સાહેબે તેમના ધ્વજનો રંગ વાદળી રાખ્યો હતો, જે તેમના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ હતું.

બીજી દલીલ એ છે કે વાદળી રંગ આકાશનો રંગ છે, જે સમાનતાનું પ્રતીક છે. વાદળી આકાશ હેઠળ દરેક વ્યક્તિ સમાન હોવાથી આ રંગનો ઉપયોગ સમાનતાના પ્રતીક તરીકે પણ થવા લાગ્યો.

જો કે, દલિત ચળવળની ઓળખ વાદળી રંગ કેવી રીતે બન્યો તે અંગે કોઈ સ્થાપિત તથ્ય નથી, પરંતુ દલિત ચિંતક અને લેખક કાંચા ઈલૈયા કહે છે કે વાદળી રંગ દલિત ઓળખનો પ્રતિક બનવા પાછળ ભાઈચારો, સમાનતા અને સંઘર્ષનો જ તર્ક હશે.

2016 માં, જ્યારે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની હત્યાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકોએ વાદળી ઝંડા અને વાદળી પોસ્ટરો-બેનરો સાથે વિરોધ કર્યો હતો. 2018માં પણ જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર અધિનિયમ 1989 (એટ્રોસિટી એક્ટ) ને નબળો પાડ્યો, ત્યારે દલિતોએ દેશવ્યાપી વિરોધ અને બંધનું આહ્વાન કર્યું હતું. એ દરમિયાન પણ આંદોલનકારીઓના હાથમાં વાદળી રંગના ઝંડા, બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા.

આ સિવાય 40 વર્ષ પહેલા જ્યારે માન્યવર કાંશીરામ સાહેબે 1984માં બહુજન સમાજ પાર્ટી(BSP)ની સ્થાપના કરી ત્યારે તેમના ઝંડાનો રંગ પણ વાદળી હતો. આજે પણ બસપાના ઝંડાનો રંગ વાદળી છે, તેના પર સફેદ હાથી છે.

તાજેતરમાં જ યુપીના નગીનાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયેલા ચંદ્રશેખર આઝાદની આગેવાની હેઠળની આઝાદ સમાજ પાર્ટીનો ધ્વજ પણ વાદળી રંગનો છે, જેની મધ્યમાં સફેદ પટ્ટી છે. ચંદ્રશેખર પણ હંમેશા તેના ગળામાં વાદળી રંગનો ગમછો પહેરે છે. તેમની ભીમ આર્મી જ્યારે પણ આંદોલન કરે છે ત્યારે તેના કાર્યકરોના હાથમાં પણ વાદળી ઝંડો અને પોસ્ટરો-બેનરો હોય છે. આમ ડો.આંબેડકરે જે વાદળી રંગનો ઝંડો ઉપાડ્યો હતો તે આજે માન્યવરથી લઈને ચંદ્રશેખર આઝાદ સુધી દલિત આંદોલન અને દલિત રાજનીતિનો પ્રતિક બની ગયો છે.

આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.