ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?
સ્કૂલના આચાર્યે બાળકોની માતાને કહ્યું - હું એવા બાળકોને નહીં ભણાવું જે મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી કુમળી વયના બાળકો ભારે આઘાતમાં છે.

Amroha Non Veg Controversy : ઉત્તર પ્રદેશના અમરોહા(Amroha)માં એક મુસ્લિમ પરિવારના ત્રણ બાળકોને ખાનગી શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. બાળકો પર આરોપ હતો કે તેઓ તેમના ટિફિન બોક્સમાં નોન-વેજ ફૂડ લાવ્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે જિલ્લાના ડીએમને કડક આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે ડીએમ ત્રણેય બાળકોનો પ્રવેશ અન્ય કોઈ CBSE સંલગ્ન શાળામાં થાય તેવી વ્યવસ્થા કરે.
ડીએમએ બે અઠવાડિયામાં કોર્ટના આદેશ પર કાર્યવાહી કર્યા બાદ એફિડેવિટ દાખલ કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. કોર્ટે કહ્યું છે કે જો બાળકોને આપેલા સમયની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે તો ડીએમને કોર્ટમાં હાજર રહેવું પડશે.
મામલો શું હતો?
બાળકોની માતાએ સપ્ટેમ્બર મહિનામાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી આરોપ લગાવ્યો હતો કે આચાર્યએ તેમના બાળકોને ટિફિનમાં નોનવેજ લાવવા જેવા અયોગ્ય કારણોસર શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેમણે કહ્યું કે આ કારણે તેઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહી ગયા છે. અરજદારે એવી પણ માગણી કરી છે કે રાજ્ય સરકારે બાળકોને તેમના શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ ત્રણ મુસ્લિમ બાળકોને ચપ્પલથી મારી પરાણે 'જય શ્રી રામ' બોલાવડાવ્યું
અરજી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના ભયાનક છે. આ બાળકોના મનોવિજ્ઞાનને અસર કરે છે. અને શક્ય છે કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી ન શકે.
17 ડિસેમ્બરે જસ્ટિસ સિદ્ધાર્થ અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે ખબરઅંતર.કોમ એ વીડિયોને સમર્થન નથી આપતું. આ વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સિપાલે બાળકોની માતાને કહ્યું હતું કે તેઓ એવા બાળકોને ભણાવશે નહીં જેઓ પાછળથી મંદિરોનો નાશ કરે. ત્યારે બાળકોની માતાએ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલમાં અવારનવાર હિંદુ-મુસ્લિમની ચર્ચા થતી હતી. પ્રિન્સિપાલ કથિત રીતે અન્ય બાળકોને મુસ્લિમ બાળક વિશે દૂષિત વાતો કહે છે.
આ પણ વાંચોઃ હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?