નીચલી કોર્ટમાં બેઠેલાં નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે...
એક સરખી પેટર્ન પર દરગાહો નીચે મંદિર હોવાના વાત કોઈ હિંદુત્વવાદી ચગાવે પછી નીચલી કોર્ટમાં અરજી કરે અને કોર્ટ સર્વે કરવા કહે. - જજો દેશમાં આગ લગાડવા માગે છે, સપા નેતા.

રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ નીચે શિવમંદિર હોવાની વાતો ઉડી છે, તેને લઈને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે નીચલી કોર્ટમાં બેઠેલા જજોની માનસિકતાને ખૂલ્લી પાડતું નિવેદન કર્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે, આપણા વડાપ્રધાન પોતે ચદ્દર મોકલે છે. દેશ અને દુનિયાભરમાંથી લોકો ત્યાં જાય છે. તેને વિવાદોમાં મૂકવો એ ખૂબ જ ઘૃણાજનક અને હલકી માનસિકતાનું પ્રતીક છે.
કોર્ટે અજમેર શરીફ દરગાહને મંદિર જાહેર કરતી અરજી સ્વીકારીને દરગાહ પક્ષને નોટિસ જારી કરી છે. આ અંગે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું છે કે, "નીચલી કોર્ટમાં બેઠેલા નાના-નાના જજો દેશમાં આગ લગાડવા માંગે છે. ભાજપ દ્વારા સમર્થિત લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે, દેશને આગ લગાડવામાં આવે તો તેમને કોઈ ફરક પડતો નથી." રામ ગોપાલ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય છે.
મામલો શું છે?
હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેણે કોર્ટમાં અરજી કરી હતી, જેને સ્વીકારીને નીચલી કોર્ટે દરગાહ પક્ષને નોટિસ પાઠવી છે. જેની આગામી સુનાવણી 20મી ડિસેમ્બરે થશે. અજમેર શરીફ દરગાહના વડા નસરુદ્દીન ચિશ્તીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે આ એક નવો ટ્રેન્ડ છે. ગમે તે વ્યક્તિ ઉભો થઈને આવી જાય છે અને દરગાહ-મસ્જિદ મંદિર હોવાનો દાવો કરવા માંડે છે. ટ્રેન્ડ સમાજ અને દેશના હિતમાં નથી.
નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું- દરગાહ 850 વર્ષ જૂની છે
તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક શક્તિ બનવા જઈ રહ્યું છે અને અત્યારે પણ આપણે મંદિરો અને મસ્જિદો શોધી રહ્યા છીએ. જે વ્યાજબી નથી. જ્યાં સુધી અજમેર શરીફની દરગાહની વાત છે તો અહીંનો ઈતિહાસ છેલ્લા 100 થી 150 વર્ષનો નથી પણ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા ગરીબ નવાઝ 1195 માં અજમેર આવ્યા અને 1236 માં મૃત્યુ પામ્યા. ત્યારથી આજ સુધી દરગાહ અકબંધ છે. આ દરગાહ તમામ ધર્મોની આસ્થાનું કેન્દ્ર છે. આ દરગાહ 800 વર્ષથી રાજાઓ, રજવાડાઓ, મહારાજાઓ અને બ્રિટિશ રાજાઓ માટે પણ વાસ્તવિકતાનું કેન્દ્ર રહી છે.
અસદુદ્દીન ઓવૈસીએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "સુલ્તાન-એ-હિંદ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ભારતના મુસલમાનોના સૌથી મહત્વના ઓલિયા ઈકરામમાંથી એક છે. તેમની દરવાજે સદીઓથી લોકો આવી રહ્યાં છે અને આવતા રહેશે. અનેક રાજા મહારાજા અને બાદશાહો આવ્યા અને ગયા, પરંતુ ખ્વાજા અજમેરીની આસ્થા આજે પણ આબાદ છે. 1991નો ધર્મસ્થાનોનો કાયદો સ્પષ્ટ કહે છે કે, કોઈપણ ધર્મસ્થળની ધાર્મિક ઓળખ બદલી શકાતી નથી અને ન તો કોર્ટમાં આ કેસોની સુનાવણી થશે. એ અદાલતોની કાયદાકીય ફરજ છે કે, 1991 એક્ટને અમલમાં લાવે. એ ખૂબ જ અફસોસની વાત છે કે, હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવા માટે કાયદા અને બંધારણનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે."
આ પણ વાંચો: 21 વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય બોલો...