તિહારમાં અગિયારમી મુલાકાત
એક્ટિવિસ્ટ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી ફરી એકવાર ટળી છે. ફેબ્રુઆરી 2020ના દિલ્હી હુલ્લડો પાછળના કથિત ષડયંત્ર હેઠળ UAPA મામલામાં ઉમર ખાલિદ 14 સપ્ટેમ્બર 2020થી કાચા કામના કેદી તરીકે જેલમાં છે. જેલમાં તેને ત્રણ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો છે. આજે ઉમર ખાલીદની મિત્ર અપેક્ષા પ્રિયદર્શિનીએ તિહાર જેલમાં ઉમરની મુલાકાત લીધા પછી તેનો લાગણીસભર અહેવાલ રજૂ કર્યો છે, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.
મારા માટે નવું વરસ ચાર દિવસ પછી આવ્યું. એક લાંબા અરસા પછી મારી મુલાકાત ઉમર સાથે ફરી એક વાર થઈ. Ph.D. થીસીસ લખવી અઘરી હોય છે અને ખૂબ બલિદાન માગે છે. આ વખતે સબમિશનના દબાણ હેઠળ હું ના મળી શકી એ મારા માટે એક બલિદાન સમું હતું. જોકે એની કોઈ ફરિયાદ ઉમરે તો વ્યક્ત પણ ના કરી.
તેના બદલે તેણે મને બારી આગળ ઝટ બોલાવી, જ્યાં આપણે કેદીઓ જોડે વસ્તુઓની અદલાબદલી કરી શકીએ, એમ કહીને जल्दी आओ, मुझे कुछ देना है. મેં બેગ ખોલીને જોઈ તો એમાં, ગ્લવ્સની એક જોડ સાથે એક પ્લમ કેક હતી. કહેવા લાગ્યો, सॉरी यार, तुम्हारे और Pow के लिए, Ph.D. सबमिशन की खुशी में...ગળે ડૂમો ભરાઈ આવ્યો, શું કહું?
જ્યારે મેં એને કહ્યું કે મારી થીસીસ મેં એને સમર્પિત કરી છે તો મજાકમાં કહે છે, लोग तो मुझे Ph.D. ऐसे डेडिकेट कर रहे हैं, जैसे मैं जा ही चुका हूं. इन द मेमरी ऑफ...મારે એને ઠપકો આપતા કહેવું પડ્યું કે બક્વાસ ના કરીશ, બસ આને તારા માટેના સ્નેહની નિશાની સમજ. એ હસીને બોલ્યો, 'હા બરાબર'.
હું જેટલી વાર એને પૂછવા માગું કે ભાઈ તું કેમ છે, એ તેટલી વાર સિફતથી વાતનો વળાંક મારી તરફ ફેરવી દે. હું કેમ છું, મારી લાઈફમાં નવું શું છે, મારા ઘરમાં શું ચાલે છે. મેં ફરી-ફરીને એને પૂછ્યું. ઉમર, કેમ છે તું? ખરેખર કેવું લાગે છે તને? એક નિસાસો નીકળી ગયો બોલતા બોલતા. જ્યારથી કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારથી તણાવ ખૂબ વધી ગયો છે. આખેઆખું વરસ ખોટી ભ્રમણાઓ સેવવામાં નીકળી ગયું. દરેક તારીખ પર હું વિચારતો કે બસ થોડી જ વારમાં બધું પતી જશે, મારી સુનાવણી થશે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થતાં વાર નહીં લાગે, પણ જ્યાં હતું ત્યાં જ બધું ઠપ. એમ લાગવા માંડ્યું જાણે કેસની સાથોસાથ સમય પણ અટકી ગયો છે!
જેલમાં સમયની વાટ જોવી એ કેવી અલગ અનુભૂતિ છે એ મને સમજાવતો હતો. “હું એક કેદીને મળ્યો જેને એક હપ્તા માટે બહાર જવાની છૂટ આપવામાં આવી હતી. મને એવું લાગ્યું કે આ ભાઈ બે દિવસમાં પાછો આવી ગયો. પૂછતા ખબર પડી કે ગેરસમજ મારાથી થઇ છે, જ્યારે એ ભાઈએ મને કહ્યું કે અમારી વાતચીતને નવ દિવસ થઈ ચૂક્યા હતા અને એ ભાઈ પરત આવ્યાને બે દિવસ. હું સ્તબ્ધ થઈ ગયો આ સમજીને, કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. બીજી વખતે હું બેઠા બેઠા વિચારતો હતો કે મારા નખ ત્રણ દિવસમાં આટલા લાંબા કેમ થઈ ગયા? ગણતરી કરતા ખબર પડી, ત્રણ દિવસ નહી, ત્રણ અઠવાડિયા નીકળી ગયા હતા! જેલમાં સમય જાણે ચપટો થઇ જાય છે: કશે જવા આવવાનું નહી, કોઈ તારીખ જોડે લેવાદેવા નહી, જિંદગી પાસેથી જાણે કોઈ અપેક્ષા જ નહી. આવી એકવિધતા યાદશક્તિ સાથે ચેડા કરે જ કરે” સાંભળતા હૃદય તો તૂટી ગયું પણ સાથે સંતોષ પણ હતો કે એ કમ સે કમ એના દિલની વાત મૂકી શક્યો.
પછી એ જેલની કોટડી વિશે બોલ્યો, કે એક ટાઈમ એવો હતો જ્યારે એની બધી ચીજવસ્તુ હમેશા અસ્તવ્યસ્ત અવસ્થામાં રહેતી હતી, પણ હવે એણે ચુસ્ત રીતે જગ્યાનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. "પહેલાં મને લાગતું કે હું અહીં બસ એક પ્રવાસી છું, શા માટે જગ્યાની આટલી દરકાર કરું, સમય વેડફું? પણ હવે એવું નથી લાગતું, દરરોજ મારી કોટડી સાફ કરું છું, જ્યાં ફાટ દેખાય ત્યાં છાપાઓ ઠાંસૂં છું, એવું લાગે છે જાણે ધીરે ધીરે ઠરીઠામ થઈ રહ્યો છું. કહેતા-કહેતા એ મંદમંદ હસતો હતો અને મારા મન પર જાણે ઘા થઈ રહ્યો હતો, શું સાંત્વન આપું તે સૂઝતું નહોતું.
આપણી ન્યાયી પ્રક્રિયા ગુનાહિત તો છે, સાવ મામૂલી પણ. 'એક ગુનેગાર થવા પાછળની અપીલ શું હશે તે સમજવાની કોશિશ કરું છું. રાજ્ય જ્યારે એક સમુદાયના લોકોને સતત ટાર્ગેટ કરે, ત્યારે સમાજની સામે પોતાનું પૌરુષત્વ સાબિત કરવાની અમુક માથાભારે લોકોની નેમ પણ હોય છે. હું જ્યારે આ લોકોને પૂછું છું, કે શા માટે આવા ગુનાઓ કરો છો? શું મળે છે આમ કરવાથી? તો કહે, सारी लड़ाई नाक की है. પોતાના સમાજમાં કદ ઊંચું રાખવા માટે. અને રાજ્યને તો આજ જોઈએ છે. આવા કૃત્યો કરવાથી રાજ્યના ચીલાચાલુ દ્વેષ અને નફરતના માળખામાં તેઓ વધારો કરે છે અને રાજ્યના પૂર્વગ્રહને મજબૂત કરે છે.'
સાંભળીને વિચારતી હતી કે આ કેવો માણસ છે જે આવા દમનકારી સંજોગોમાં પણ વિચારશક્તિ સાથે સમાધાન નથી કરી શકતો. મારો Ph.D. નો સંઘર્ષ ઉમર અને એના જેવા અનેક જેઓ ખોટી રીતે જેલમાં વરસો વિતાવી રહ્યા છે, તેમની સામે કોઈ વિસાતમાં નથી.
જ્યારે એના સડેલા જોક્સ, ગપસપ અને અમારી હસાહસથી મુલાકાતની અવધિ પૂરી થવા આવી, ત્યારે એના ચહેરાના હાવભાવ બદલાયા અને ગમગીની છવાઈ ગઈ. મારું અશાંત ચિત્ત એના મગજમાં શું ચાલી રહ્યું હશે તે સમજવા મથતું હતું. મારી સામાન્ય જિંદગી સડસડાટ વહી રહી છે અને એના માટે સમયની સોઈ પર જાણે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. દુનિયાની કઈ ન્યાય-પ્રણાલિકા એના ખોવાયલાં વર્ષો પાછાં મેળવી શકે? અને શા કારણથી? લોકોમાં સમાનતા, આત્મગૌરવ અને નિર્ભયતા કેળવવાની વાતો કરવા માટે? જેલમાંથી ઘર તરફ પગ વળ્યા ત્યારે મનોમન એક જ વિચાર આવતો હતો. આવનારા દિવસો કેટલા પણ જટિલ હોય, ઉમરને છોડાવવાની ચળવળમાં બિલકુલ ઓટ ન આવવી જોઈએ. રોજબરોજની ઝંઝટમાં એને ભૂલી જવું પોસાય એમ નથી. આપણે સૌએ સાતત્યથી, અવિરતપણે, અવાજ ઉઠાવતા રહેવું પડશે. કારણ એકમેકના પૂરક અને એકબીજાની હિંમત બનીને રહેવું આપણાં માટે, ઉમર માટે, અત્યંત જરૂરી છે. અને દુનિયાભરમાં એવી કોઈ દીવાલ બની નથી જે આપને સૌને એ કરતા અટકાવી શકે.
- અપેક્ષા પ્રિયદર્શિની (અનુવાદઃ વિસ્તાપ હોડીવાલા)
આ પણ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.