ગુજરાત હાઈકોર્ટે TOI, ઈન્ડિયન એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કરને ફટકાર લગાવી

ગુજરાત હાઈકોર્ટે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરને લઘુમતી સમાજ સંબંધિત એક ખોટા સમાચારને લઈને માફી માંગવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે TOI, ઈન્ડિયન એક્સપ્રેસ, દિવ્ય ભાસ્કરને ફટકાર લગાવી
image credit - Google images

ગુજરાત હાઇકોર્ટે સોમવારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI), ઇન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કર દ્વારા કોર્ટની કાર્યવાહીના ખોટા રિપોર્ટિંગ બદલ પ્રકાશિત કરવામાં આવેલી માફીને ફગાવી દીધી છે.  ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે 22 ઓગસ્ટે કોર્ટે નિર્દેશ આપ્યા હતા તે મુજબ 23 ઑગસ્ટના રોજ આ ત્રણેય અખબારો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માફી બોલ્ડ અક્ષરોમાં નહોતી, કે તેને પ્રાથમિકતા પણ નહોતી અપાઈ.

મુખ્ય ન્યાયાધીશે અખબારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલને પૂછ્યું, "તમે આ માફીને બોલ્ડ અક્ષરોમાં કેમ પ્રકાશિત ન કરી?"

વકીલે સ્પષ્ટતા કરી કે માફી કાળા અને બોલ્ડ અક્ષરોમાં છાપવામાં આવી છે.

તેના પર મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો, "કોઈ આને વાંચી શકે તેમ પણ નથી." તેમણે માફીનામું જે સાઈઝમાં છાપવામાં આવ્યું હતું તેને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "તમારે આખી હેડલાઈન આપવી જોઈતી હતી કે જેથી લોકોને ખબર પડે કે તમે માફી શેના માટે માંગી રહ્યાં છો. આમાં માફી શેના સંદર્ભમાં છે તે કોને સમજાશે? તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે તમે ખોટા રિપોર્ટિંગ બદલ માફી માંગી રહ્યાં છો. આ વાત લોકો સામે આવવી જોઈએ. એટલું જ નહીં એ માફીની સાથે તે રિપોર્ટ પણ હોવો જોઈએ."

આ પણ વાંચો: ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!

હાઈકોર્ટે 13 ઓગસ્ટના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરના પ્રાદેશિક એડિટરોને નોટિસ જારી કરીને સહાય મેળવતી લઘુમતી સંસ્થાઓના અધિકારો સાથે સંબંધિત મામલામાં કોર્ટની કાર્યવાહીનું "ખોટું અને વિકૃત વર્ણન" કરવા બદલ સ્પષ્ટતા માંગી હતી. આ ત્રણેય સમાચારપત્રોએ બાદમાં કોર્ટ સમક્ષ રજૂ કરેલા તેમના સોગંદનામામાં માફી માંગી હતી, પરંતુ કોર્ટને તેનાથી સંતોષ થયો નહોતો.

ત્યારબાદ કોર્ટે 22 ઓગસ્ટે આ મીડિયા ગ્રુપોને પોતપોતાના સમાચારપત્રોમાં માફી એ રીતે પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો, જેથી વાચકોને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે કે, કોર્ટના અવલોકનના રિપોર્ટમાં રિપોર્ટર અને એડિટર ખોટા હતા. ત્યાબાર 23મી ઓગસ્ટે પણ આવું જ કરવામાં આવ્યું હતું. જોકે, સોમવારે જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે બેન્ચે કહ્યું કે પ્રકાશિત કરવામાં આવેલી માફી બહુ નાની છે.

ચીફ જસ્ટિસે કહ્યું, “આ મજાક નથી. તમે કોર્ટની પ્રતિષ્ઠા અને કાર્યવાહી સાથે રમી રહ્યા છો. તમે આવું ન કરી શકો. સમાચારપત્રોમાં જે રીતે કોર્ટની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવામાં આવે છે તેની સામે અમને સખત વાંધો છે."

આ પણ વાંચો: પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ

વકીલે આ મામલે કોર્ટ પાસે નવેસરથી વધુ એક માફીનામું પ્રકાશિત કરવાની તક આપવા વિનંતી કરવામાં આવતા ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે, માફીનામું સમાચારની સાથે મોટા અક્ષરોમાં, હોવા જોઈએ અને તેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ હોવો જોઈએ કે તે એડિટરો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

એ પછી કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, "હવે પછી માફીનામું પહેલા પાના પર અને મોટી જગ્યા પર પ્રકાશિત થવું જોઈએ. એટલું જ નહીં, આ માફી સિવાય પેજ પર બીજું કંઈ ન હોવું જોઈએ."

દિવ્ય ભાસ્કર તરફથી હાજર રહેલા વકીલે સ્પષ્ટતા કરી હતી કે રિપોર્ટરે બાર અને બેન્ચ વચ્ચેના સંવાદનું ખોટું અર્થઘટન કર્યું હશે. તેના પર કોર્ટે કહ્યું કે "રિપોર્ટર સામાન્ય માણસ નથી. જો તે આટલું પણ સમજતા ન હોય તો તેમને કોર્ટનું રિપોર્ટિંગ કરતા અટકાવવા જોઈએ, એટલે કે તેમના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ."

આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે, "કોર્ટ દ્વારા લેવામાં આવેલા સમયની ભરપાઈ કોણ કરશે?" ત્યારબાદ વકીલે કોર્ટની માફી માંગી અને કોર્ટના નિર્દેશોને પુરા કરવા માટે સહમતિ વ્યક્ત કરી હતી.

આ કેસમાં ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વતી વરિષ્ઠ વકીલ દેવાંગ નાણાવટી હાજર થયા હતા, જ્યારે ઈન્ડિયન એક્સપ્રેસ વતી વકીલ એસપી મજુમદાર અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વતી ગરિમા મલ્હોત્રા હાજર થયા હતા. જ્યારે દિવ્ય ભાસ્કર વતી વકીલ મૌલિક જી નાણાવટી હાજર થયા હતા.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.