ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી WPLની સૌથી મોંઘી ખેલાડી બની

ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી એક દીકરીએ વુમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી બનીને અનેક યુવતીઓને પ્રેરણા પુરી પાડી છે.

ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરી WPLની સૌથી મોંઘી ખેલાડી બની

ધારાવીનું નામ પડે એટલે મોટાભાગના લોકોના માનસપટ પર ઝૂપડપટ્ટી, સાંકડી ગલીઓ, ગંદા રસ્તા અને ભીડભાડ જેવા દ્રશ્યો તરવરવા માંડતા હોય છે. પણ અહીં રહેતી એક દીકરીએ આ તમામ માન્યતાઓનો છેદ ઉડાડી દીધો છે.

ધારાવીની ઝૂંપડીમાં રહેતી સિમરન શેખ વુમન પ્રીમિયર લીગ(WPL) 2025ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. સિમરનને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.9 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે. મુંબઈના ઓલરાઉન્ડરને સાઈન કરવા ગુજરાતે આ જોરદાર દાવ લગાવ્યો હતો. યુપી વોરિયર્સ ટીમનો ભાગ રહી ચૂકેલી સિમરન ઓકશનમાં હવે સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.

સિમરન ધારાવીની ગલીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમીને આગળ વધી છે. તેણે 15 વર્ષની ઉંમરથી જ તેની ક્રિકેટ રમવાની સફર શરૂ કરી દીધી હતી. પહેલા તે યુનાઈટેડ ક્લબમાં જોડાઈ હતી. તેને વિમેન્સ પ્રીમિયર લીગમાં 9 મેચનો અનુભવ છે. દિલ્હી કેપિટલ્સ અને જાયન્ટ્સ વચ્ચે સિમરનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ભારે સ્પર્ધા થઇ હતી. કેપિટલ્સે રૂ. 1.80 કરોડની બિડ કરી હતી, પરંતુ એ પછી ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.90 કરોડની બિડ સાથે તેનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

સિમરનના પિતા વાયરમેન છે અને તેના પરિવારમાં  ચાર બહેનો તથા ત્રણ ભાઈઓનો સમાવેશ થાય છે. સિમરનના માતા-પિતાએ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. સ્થાનિક ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા બાદ સિમરને મુંબઈની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અને બાદમાં મહિલા પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની નજર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર છે. સિમરનની આ સફળતાને અનેક લોકોએ બિરદાવી છે. તેના સંઘર્ષમાંથી બીજી યુવતીઓ પણ પ્રેરણા મેળવશે.

આ પણ વાંચો: shailaja paik : ઝૂંપડપટ્ટીથી જિનિયસ ગ્રાન્ટ સુધી પહોંચનાર પ્રથમ દલિત મહિલા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.