હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને જીવનું જોખમ
કોર્ટમાં હિંદુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી તત્વોએ કોર્ટમાં જ ફટકાર્યો હતો. હવે યુવકને જીવનું જોખમ લાગી રહ્યું છે.

ભોપાલમાં થોડા દિવસ પહેલા હિંદુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા એક મુસ્લિમ યુવકને હિંદુત્વવાદી સંગઠનના કાર્યકરોએ કોર્ટ પરિસરમાં લવ જેહાદનો આરોપ મૂકીને માર માર્યો હતો. હવે એ યુવકે પોતાના જીવને જોખમ હોવાનું કહીને પોલીસ રક્ષણ માંગ્યું છે.
મામલો શું છે
નરસિંહપુર જિલ્લાનો 28 વર્ષીય યુવક વ્યવસાયે JCB ઓપરેટર છે. તે 7 ફેબ્રુઆરીના રોજ તેની ગર્લફ્રેન્ડ સાથે ભોપાલ આવ્યો હતો. બંનેએ જિલ્લા કોર્ટમાં પોતાના લગ્ન નોંધાવવાનો નિર્ણય લીધો હતો. યુવકે આરોપ લગાવ્યો છે કે જે વકીલે તેમને લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું તેણે ગુપ્ત રીતે હિન્દુત્વવાદી સંગઠનોને ફોન પર જાણ કરી દીધી હતી. એ પછી 'સંસ્કૃતિ બચાવો મંચ' ના લોકો ત્યાં પહોંચ્યા અને યુવક પર 'લવ જેહાદ'નો આરોપ લગાવીને તેને માર માર્યો હતો.
આ ઘટના બાદ પોલીસે કહ્યું કે યુવક પર હુમલો કરનારાઓ સામે તેના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના બદલે પોલીસે હુમલો કરાયેલા યુવકની 'લવ જેહાદ'ના આરોપસર ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે યુવકની યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મુસ્લિમ યુવકે કહ્યું કે હુમલા પછી તે ઘરે પાછો ફર્યો નથી. તેનું કહેવંર છે કે તેને અને તેના પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. યુવકે કહ્યું, 'મારી મંગેતરે કોર્ટ મેરેજ માટે વકીલનો સંપર્ક કર્યો.' મેં ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા, પણ લગ્ન રજીસ્ટર થાય તે પહેલાં જ વકીલે કેટલાક લોકોને બોલાવ્યા અને તેમણે મારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. તેમણે મારા પર બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો, પરંતુ મારી મંગેતરે વારંવાર તેનો ઇનકાર કર્યો. વકીલે મારો ફોન પણ છીનવી લીધો. મને અપમાનિત કરવામાં આવ્યો, લૂંટવામાં આવ્યો અને અન્યાય કરવામાં આવ્યો.”
યુવકે વધુમાં કહ્યું, ‘જો એક પોલીસ અધિકારીએ મને એમપી નગર પોલીસ સ્ટેશન ન મોકલ્યો હોત તો મારી હત્યા થઈ જાત.’
જોકે, યુવકના વકીલે તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. એટલું જ નહીં, યુવતીએ પણ બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપોને નકારી કાઢ્યા છે. યુવકનું કહેવું છે કે આ આરોપો ખોટા છે. તે અને યુવતી બંને પુખ્ત વયના છે અને તેમની તેમની ઇચ્છાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: વર વિના 20 કન્યાઓના લગ્ન કરી દેવાયા, સર્ટિફિકેટ પણ મળ્યાં!