એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પરત ફર્યો

મોદી સરકારનો 400 પારનો નારો મતદારોએ ફગાવી દીધો છે. ભાજપ સાથી પક્ષોના સહયોગ વિના સરકાર રચી શકે તેમ નથી. ત્યારે ફરી ગઠબંધન યુગ પરત ફરી રહ્યો છે. 

એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પરત ફર્યો
image credit - Google images

લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર એકઝિટ પોલ ધ્વસ્ત થઈ ગયા છે. પરિણામો ૨૦૦૪ની જેમ એકઝિટ પોલથી ઉલટા નીકળ્યા છે અને એ સાથે જ એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. અબકી બાર 400 પારનો નારો આપનાર ભાજપ ૨૭૨ના આંકડાને સ્પર્શી શક્યું નથી, તે ૨૪0 સુધી સિમિત રહી ગયું. ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી છે.

તમિલનાડુ અને પંજાબમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શક્યું. ઓડિશા અને તેલંગાણાએ લાજ બચાવી લીધી. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ હવે નવી સરકારના કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. એકંદરે એનડીએ ગઠબંધન સત્તાની નજીક આવી ગયું છે પરંતુ સંપૂર્ણ બહુમતી સરકાર ન હોવાને કારણે ગઠબંધનની રમત ફરી શરૂ થઈ છે. ભાજપને સરકાર બનાવવા માટે ૩૩ બેઠકો ઓછી મળી છે. ગઠબંધન સરકારમાં તેણે એક દેશ, એક ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ છોડવા પડશે.

૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની ઇચ્છા પુરી થઈ. ૧૦ વર્ષ પછી એક પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. હવે કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે, જેમાં તેમને સોદા કરવાની તક મળશે. નરેન્દ્ર મોદીની છેલ્લી બે સરકારોમાં, પ્રાદેશિક પક્ષો સરકારનો ભાગ હતા, પરંતુ તેમને એવા મંત્રાલયો આપવામાં આવ્યા હતા જે ભાજપ ઇચ્છતો હતો. ભાજપને ૨૪૦ બેઠકો મળી છે જે બહુમતીના ૨૭૨ના આંક કરતાં ઘણી ઓછી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની મનમાની જનતા સહન કરી શકી ન હતી, જેના કારણે ભાજપ સંપૂર્ણ બહુમતીથી ૩૨ ડગલાં દૂર રહી. 

આ હાર માટે ઘણાં કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા. ટિકિટ કાપવાની ફોર્મ્યુલા અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તાત્કાલિક ટિકિટ આપવાનો નિર્ણય પણ ભાજપને નડ્યો. આ સિવાય 'અબ કી બાર, ૪૦૦ પાર"ના નારાએ મધ્યમ વર્ગને બૂથથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 

મોટાભાગની સીટો પર ભાજપના મુખ્ય મતદારોને પણ નરેન્દ્ર મોદી મોટી જીત માટે પૂરતા છે તેવો વિશ્વાસ હતો. પાંચ તબક્કાની ચૂંટણી પછી ઘણા વિસ્તારોમાં સાંસદ સામે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો.

ભારતની ૫૪૩ બેઠક વાળી લોકસભામાં બહુમતી મેળવવા માટે ૨૭૨ના આંકડાને પાર કરવો જરૂરી છે. જો કે, અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સહિત કોઈપણ પક્ષ આનાથી ઘણો પાછળ જોવા મળી રહ્યો છે. જો કે ભાજપના નેતૃત્વમાં એનડીએ આ આંકડો પાર કરી ગયો છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં એનડીએ ક્લીન સ્વીપ કરીને વિપક્ષ સામે એકતરફી જીત હાંસલ કરવાની તૈયારી કરી રહ્યું છે. લોકસભાની સાથે ઓડિશા વિધાનસભાની ૧૪૭ બેઠકો માટે પણ મતગણતરી થઈ હતી અને પહેલીવાર ત્યાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ બધી બાબતો વચ્ચે એટલું નક્કી છે કે, નરેન્દ્ર મોદી કદાચ વડાપ્રધાન બની પણ જશે તો પાંચ વર્ષ સુધી તેમણે સાથી પક્ષોના ઓશિયાળા રહેવું પડશે. વડાપ્રધાન કોઈના દબાણ હેઠળ કામ કરવા ટેવાયેલા નથી. ત્યારે તેમણે નીતિશકુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન જેવા સાથીઓ પર નિર્ભર રહેવું પડશે. તેમની ઈચ્છા-અનિચ્છાને માન આપવું પડશે. જો કે ઈતિહાસ ગવાહ છે કે ભારત જેવા લોકશાહી દેશમાં ગઠબંધન જેવી કાંખઘોડી સરકારોએ જ સારું કામ કર્યું છે. એ જોતા, ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે તેઓ બેફામ રીતે વર્તી નહીં શકે અને ફરી જોડાણ સરકારનો યુગ પરત ફરશે.

આ પણ વાંચો: ઈન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવનારા મુખ્ય પાંચ કારણ ક્યા છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.