ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું

દેશની સૌથી વધુ લોકસભા સીટો ધરાવતા ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપને ધોબીપછાડ મળી છે. શા માટે આવું થયું, જાણો આ રિપોર્ટમાં.

ક્ષત્રિય આંદોલન ભાજપને ગુજરાતમાં નહીં ઉત્તરપ્રદેશમાં નડ્યું
image credit - Google images

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના સપના પર પાણી ફેરવવાનું કામ સમાજવાદી પાર્ટીએ કર્યું છે. અંતિમ પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે દેશભરમાં ભાજપને સૌથી મોટું નુકસાન અહીં થયું છે. ૪૦૦ પાર જવાનું સપનું તો તૂટ્યું જ પરંતુ સાથે સાથે પોતાના દમ પર સરકાર બનાવવામાં પણ ભાજપ લથડિયા ખાઈ ગયું છે. ભાજપને ૨૪0 પર અટકી ગયો છે, જયારે એનડીએને ૨૯3 બેઠકો મળે તેવી સંભાવના છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ યુપીમાં ભાજપ ૩૩ સીટો પર અને સમાજવાદી પાર્ટી ૩૬ બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ પણ ૭ બેઠકો પર આગળ છે. સ્પષ્ટ છે કે ઈન્ડિયા ગઠબંધન એનડીએને માત આપતું જોવા મળી રહ્યું છે. જેનો મોટો શ્રેય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને જાય છે. જે રીતે સપાએ લડાઈ લડી તેનું પરિણામ છે કે કોંગ્રેસને પણ યુપીમાં લાભ થતો જોવા મળ્યો. ચાલો જોઈએ કે ભાજપને કયા કારણો નુકસાન કરી ગયા? 

માયાવતી અને બીએસપી ફેક્ટર

પહેલી નજરે કોઈ આ બાબતને સ્વીકારે તેમ નથી. બીએસપીને વિપક્ષ ભાજપની બી ટીમ કહીને ટાર્ગેટ કરતો રહ્યો છે પરંતુ કહાની કંઈક અલગ જ હતી. પશ્ચિમથી પૂર્વ સુધી માયાવતીએ એવા ઉમેદવારો ઊભા રાખ્યા કે જે એનડીએના ઉમેદવારોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. પશ્ચિમ યુપીમાં મેરઠમાં દેવવ્રત ત્યાગી, મુઝફ્ફરનગરમાં દારા સિંહ પ્રજાપતિ, ખીરી સીટથી બીએસપીના પંજાબી ઉમેદવાર વગેરે ભાજપને સીધું નુકસાન પહોંચાડ્યું હતું. આ રીતે પૂર્વ યુપીમાં ઘોસીમાં બીએસપીએ જે ઉમેદવાર મૂક્યો તે સીધો ઈશારો હતો કે પાર્ટીએ એનડીએનું કામ ખરાબ કરવાનું નક્કી કરી લીધું છે.

આ પણ વાંચો: ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી

ઘોસી સીટ પર બાલકૃષ્ણ ચૌહાણે એનડીએની ૨ વર્ષની તૈયારી પર પાણી ફેરવી દીધું. ભાજપ સ્થાનિક નોનિયા નેતા દારાસિંહ ચૌહાણને સમાજવાદી પાર્ટીમાંથી એટલા માટે લાવ્યા હતા કારણ કે તેનો સીધો લાભ ઘોસી અને આજુબાજુની સીટો પર મળી શકે. પણ જ્યારે બીએસપીએ એક નોનિયા જાતિના ઉમેદવાર બાલકૃષ્ણ ચૌહાણને ઉભો કર્યો તો સ્પષ્ટ છે કે નુકસાન એનડીએને થવાનું હતું.  એ જ રીતે ચંદોલીમાં બીએસપી ઉમેદવાર સતેન્દ્ર કુમાર મૌર્યા ભાજપ ઉમેદવાર મહેન્દ્રનાથ પાંડે માટે જોખમ બની ગયા. બહુજન સમાજ પાર્ટીના મનીષ ત્રિપાઠીએ મિર્ઝાપુરમાં અનુપ્રિયા પટેલને ત્રિકોણીય જંગમાં ફસાવી દીધા. અહીં પણ ભાજપના કોર વોટર બ્રાહ્મણ બીએસપી સાથે ગયા. આ ત્રણેય બેઠકો પર બીએસપીના ઉમેદવાર સ્ટોરી લખાઈ ત્યાં સુધી ૪૦ થી ૬૦ હજાર મત મળતા જોવા મળી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવારો ગણ્યા ગાંઠ્‌યા મતથી પાછળ છે. સમગ્ર દેશમાં ૨ ડઝન એવી સીટો છે જ્યાં ભાજપ ઉમેદવારોના મત બીએસપી ઉમેદવારોના કારણે ઘટ્યાં હોય. 

અખિલેશ યાદવે જનરલ સીટ પર દલિત ઉમેદવાર ઉતાર્યા

અત્યાર સુધી દલિત અનામત સીટ પર જ રાજકીય પક્ષો દલિત સમાજના નેતાઓને ચૂંટણી આપતા હતા. એ સિવાય તેમને કોઈ સીટ પર મુખ્યધારાના પક્ષોમાંથી ટિકિટ નહોતી મળતી. પણ અખિલેશ યાદવે અહીં જનરલ સીટ પર દલિત ઉમેદવારને ટિકિટ આપી હતી. એ પણ અયોધ્યા અર્થાત ફૈઝાબાદની સીટ પરથી. ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવની એ વાત બદલ ખુબ ટીકા થઈ કે તેઓ વારંવાર ઉમેદવારો બદલી રહ્યા છે. પરંતુ તેમની પ્રશંસા કરવી પડે કે તેમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા તે સ્થાનિક ગણિત પ્રમાણે સારા હતા. આ કારણે તેઓ ભાજપના ઉમેદવારોને ટક્કર આપતા જોવા મળ્યાં છે. ફૈઝાબાદમાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે જંગી લીડથી જીત મેળવી છે. એક એસસી ઉમેદવારને ફૈઝાબાદમાં ઊભા રાખવાનું સાહસ દેખાડવું એ અખિલેશની સૂઝબૂજ દેખાડે છે. એ જ રીતે મેરઠમાં ટીવીના રામ અરુણ ગોવિલ ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં પણ એક એસસી ઉમેદવારને ઊભા રાખ્યા. તેમના પર ઘણું દબાણ હતું કે મેરઠ જેવી સીટ પર કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખવામાં આવે. મેરઠમાં અનેકવાર મુસ્લિમ ઉમેદવાર સાંસદ બન્યા છે. એ જ રીતે ઘોસી લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પ્રવક્તા રાજીવ રાયને ટિકિટ આપી. તો મિર્ઝાપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર એસ બિંદ છે જેમનો મુંબઈમા વેપાર છે. આવા અનેક ઉદાહરણ છે. 

ક્ષત્રિયોની નારાજગી ગુજરાતમાં નહીં યુપીમાં નડી

યુપીમાં ક્ષત્રિયોની નારાજગી પણ ભાજપને ભારે પડી. પહેલા ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિયો પર કોમેન્ટનો મુદ્દો બન્યો. જેની આંચ યુપી સુધી મહેસૂસ થઈ. આ બધાં વચ્ચે ગાઝિયાબાદથી જનરલ વી.કે. સિંહની ટિકિટ કાપવાનો મુદ્દો પણ ચર્ચાયો. એટલે કે કોઈને કોઈ રીતે ભાજપને ટાર્ગેટ કરવો એ સ્પષ્ટ હતું. ચૂપચાપ રીતે એક એવી અફવા પણ ફેલાવવામાં આવી કે જો ભાજપને ૪૦૦ સીટ મળશે તો યુપીના સીએમ યોગી આદિત્યનાથને હટાવવામાં આવશે. આ વાતને લઈને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર પણ કર્યા. પશ્ચિમ યુપીમાં સતત અનેક જિલ્લાઓમાં રાજપૂતોને સંમેલન કરીને કસમો ખવડાવવામાં આવી કે કોઈ પણ હાલતમાં ભાજપને મત આપવાના નથી. જો ઠીકથી કોશિશ કરવામાં આવી હોત તો આવા સંમેલનો રોકી શકાયા હોત. સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવથી લઈને બસપા પ્રમુખ માયાવતી સુધી લોકોએ ક્ષત્રિયો સામે નારાજગીના મુદ્દાને ચૂંટણીમાં ઉછાળ્યો હતો. મુઝફ્ફરનગરમાં ક્ષત્રિયોની નારાજગીનો મુદ્દો ખુબ ચર્ચાયો. મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન હતા જે હારી ગયા છે. જે દેખાડે છે કે રાજપૂતોની નારાજગી ભારે પડી. પ્રતાપગઢમાં રાજા ભૈયા રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે જોવા મળ્યા હતા. પણ પછી તેમની નારાજગીએ પણ નુકસાન પહોંચાડ્યું.

પેપર લીક અને બેરોજગારીથી કંટાળી યુવાનોએ દાઝ કાઢી

ગામડાના લોકો માટે જે બાબતને લઈને સૌ સમાજમાં ચિંતા જોવા મળે છે, તે છે સરકારી નોકરીઓની તૈયારી. પછી ભલે તે ઊંચી જાતિના હોય કે પછાત કે અનુસૂચિત જાતિના. તમામ ઘરોમાં સરકારી નોકરીઓની પરીક્ષાની તૈયારી કરનારા યુવાઓ છે. જેમાં છોકરાઓ અને છોકરીઓ બંને સામેલ છે. યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દા પર યુવાઓ પહેલીવાર ભાજપને  હરાવવા માટે જ મત આપ્યા હતા. યોગી આદિત્યનાથની બીજી સરકાર આવતા આવતા પરીક્ષા માફિયાઓ એવા તો બેફામ બની ગયા કે લગભગ દરેક મોટી ભરતી પરીક્ષાના પેપર પહેલા ભય રહેતો કે પેપર ફૂટી જશે. અદ્દલ આવી જ સ્થિતિ ગુજરાતમાં છે, પણ અહીં કોઈ યુવાનો આવી હિંમત કરતા નથી. તેમની કરિયર સાથે રમત રમાઈ રહી હોવા છતાં કોણ આંખે થાય એ બીકે કોઈ આગળ આવતું નથી. પણ કારમી ગરીબીમાં જીવતા યુપીના લોકો માટે સરકારી નોકરી એકમાત્ર સપનું છે જેના થકી તેઓ તેમાંથી બહાર આવી શકે છે. પણ ભાજપની સરકારે સરકારી નોકરીઓ પર જ બ્રેક મારી દીધી. જેના કારણે લાખો યુવાનોનું સરકારી નોકરી મેળવીને ગરીબીમાંથી પોતે અને પરિવારને બહાર કાઢવાનું સપનું રોળાઈ ગયું. જેનો જવાબ તેમણે ભાજપને યુપીમાં અડધી સીટો પર હરાવીને આપ્યો.

બંધારણ બદલવાની મંશા નડી ગઈ

ભાજપને દેશભરમાં સૌથી મોટો કોઈ મુદ્દો નડ્યો હોય તો તે બંધારણ બદલી નાખવાની તેમના નેતાઓની લવારી હતી. આરએસએસની વિચારધારા પર ચાલતા ભાજપના એજન્ડામાં વર્ષોથી બંધારણ બદલી નાખવાની મંશા રહેલી છે જ. પણ આ ચૂંટણીમાં તે પહેલીવાર ખુલીને સામે આવી. જેના કારણે બંધારણમાં વિશ્વાસ ધરાવતો દરેક સમાજ ભાજપની વિરુદ્ધ થઈ ગયો. ભાજપ 400થી વધુ સીટો જીતશે તો દેશનું બંધારણ બદલી નાખશે તે ભયની અસર દરેક રાજ્યોમાં વત્તાઓછા અંશે થઈ. પણ સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશમાં દેખાઈ. જ્યાં દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ સમાજે ભાજપના નેતાઓની આ ઈચ્છા પર પાણી ફેરવી દીધું હતું.

આ પણ વાંચો: ખેડાના ઠાસરામાં રૂપાલાના વિરોધમાં દલિત સમાજે આવેદનપત્ર આપ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.