બિહારમાં એસસી, એસટી, ઓબીસીની 65 ટકા અનામતને હાઈકોર્ટે રદ કરી

બિહારમાં જેડીયુ-આરજેડી સરકારે દલિત, આદિવાસી, ઓબીસી અને ઈબીસી સમાજ માટે લાગુ કરેલી નવી 65 ટકા અનામતને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

બિહારમાં એસસી, એસટી, ઓબીસીની 65 ટકા અનામતને હાઈકોર્ટે રદ કરી
image credit - Google images

બિહારની નીતિશકુમાર-તેજસ્વી યાદવ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા બાદ રાજ્યમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. આ નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કરી દીધો છે.

બિહાર સરકારે જાતિ આધારિત ગણતરી કર્યા પછી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં એસસી, એસટી, ઇબીસી અને ઓબીસી વર્ગોની અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા સુધી કરી હતી. જેને પડકારતી અરજીઓ પટના હાઈકોર્ટમાં થઈ હતી. જેની સુનાવણી કરીને હાઈકોર્ટે નીતિશકુમાર સરકારના નિર્ણયને રદ કરવાનો આદેશ કર્યો છે. આ મામલાની અરજીઓ પર ૧૧ માર્ચે સુનાવણી કરવામાં આવી હતી અને નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ કેવી ચંદ્રનની બેન્ચે લાંબી સુનાવણી હાથ ધર્યા બાદ આ ચૂકાદો આપ્યો હતો.

રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ પીકે શાહીએ દલીલો કરતા કોર્ટને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે એસસી, એસટી, ઈબીસી અને ઓબીસી વર્ગોના પૂરતા પ્રતિનિધિત્વના અભાવે આ અનામત આપી છે. સરકારે આ અનામત તેમની વસ્તીના પ્રમાણમાં નથી આપી."

અરજીઓમાં રાજ્ય સરકાર દ્વારા ૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ પસાર કરાયેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, એસસી એસટી ઇબીસી અને અન્ય પછાત વર્ગોને ૬૫ ટકા અનામત આપવામાં આવી હતી, જ્યારે સરકારી સેવામાં સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ૩૫ ટકા જગ્યાઓ આપી શકાતી હતી.

આ પણ વાંચો: અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ

એડવોકેટ દિનુ કુમારે અગાઉની સુનાવણીમાં કોર્ટને કહ્યું હતું કે જનરલ કેટેગરીમાં EWS માટે ૧૦ ટકા અનામત રદ કરવી જોઈએ. કેમ કે તે, ભારતીય બંધારણની કલમ ૧૪ અને કલમ ૧૫(૬)ની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે જાતિ આધારિત ગણતરી બાદ અનામતનો આ નિર્ણય સરકારી નોકરીઓમાં પૂરતા પ્રતિનિધિત્વના આધારે નહીં પણ જાતિના પ્રમાણના આધારે લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સ્વાહાની કેસમાં અનામતની મર્યાદા પર ૫૦ ટકા અંકુશ લગાવ્યો હતો. જાતિ સર્વેક્ષણનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં જ્યારે 65 ટકા અનામત લાગુ કરવામાં આવી, એ પછી 10 ટકા અનામત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળતી હતી. એ મળીને બિહારમાં અનામતનો કુલ ક્વોટા 75 ટકા સુધી પહોંચી ગયો હતો. એ પછી યુથ ફોર ઈક્વાલિટી નામના સંગઠને તેને પટના હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હવે તેના પર સુનાવણી થયા બાદ ચૂકાદો આવ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે આ કાયદાને રદ કરી દીધો છે. હવે શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં એસસી, એસટી, ઈબીસી અને ઓબીસી વર્ગને 65 ટકા અનામત નહીં મળે. તેની જગ્યાએ જૂની 50 ટકા અનામતવાળી વ્યવસ્થા જ ચાલુ રહેશે. પણ EWS અનામત ચાલુ રહેશે.

અગાઉ બિહારની નીતિશકુમાર-તેજસ્વી યાદવ સરકારે જાતિ સર્વેક્ષણના તારણોના આધારે અનુસૂચિત જાતિનો ક્વોટા વધારીને 20 ટકા, અનુસૂચિત જનજાતિ માટે 2 ટકા, ઈબીસી માટે 25 ટકા અને ઓબીસી માટે 18 ટકા અનામત નક્કી કર્યો હતો.

આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.