IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો
આઈઆઈટી જેવી પ્રખ્યાત સંસ્થાઓમાં પણ હવે રામનું રાજકારણ ઘૂસી ગયું છે.બોમ્બેમાં એક નાટકમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને કથિત રીતે રામ-સીતાના અપમાન બદલ લાખોનો દંડ થયો.
રામના નામે પથરા તરે એવી કહેવતને રાજકારણીઓએ ગંભીરતાથી લઈ લીધી હોય તેમ રામના નામે કોઈને પણ દંડવાનું પણ ચાલું થઈ ગયું છે. જાતિવાદી તત્વોએ 'જયશ્રી રામ'ના નામે દલિતો, મુસ્લિમો પર હુમલાઓ કર્યાના અનેક દાખલાઓ છે. ત્યારે હવે રામના નામે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પણ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેએ ગત ૩૧ માર્ચે ઇન્સ્ટિટ્યૂટના પર્ફોર્મિંગ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન ‘રાહોવન’ નામનું નાટક ભજવવા બદલ સંસ્થાના ૮ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકાર્યો છે. નાટક રામાયણનું અનુકરણ હોવાનું માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આ નાટક સામે ઔપચારિક રીતે ફરિયાદ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે તે હિંદુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં હિંદુ માન્યતાઓ અને દેવી-દેવતાઓના અપમાનજનક સંદર્ભો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, નાટકમાં રામ-સીતા સહિત મુખ્ય પાત્રોની મજાક ઉડાવવામાં આવી હતી અને “નારીવાદને પ્રોત્સાહન”ની આડમાં સાંસ્કૃતિક મૂલ્યોની પણ હાંસી ઉડાવવામાં આવી હતી. ફરિયાદોને કારણે ૮ મેના રોજ, આઈઆઈટી બોમ્બેની શિસ્ત સમિતિની બેઠક મળી હતી. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ ગત ૪ જૂને નાટકમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ પર દંડની જાહેરાત કરવામાં આવી હતી.
આઈઆઈટી બોમ્બેએ ચારેય વિદ્યાર્થીઓને રૂપિયા 1.2 લાખનો દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલ દંડની રકમ લગભગ એક સેમેસ્ટરની ટ્યુશન ફીની સમકક્ષ રકમ છે. આ ચાર વિદ્યાર્થીઓ સિવાય અન્ય ચાર વિદ્યાર્થીઓને રૂપિયા ૪૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ પૈકી સિનિયર વિદ્યાર્થીઓને આપવામાં આવતા સંસ્થાના જીમખાના પુરસ્કારો પર પ્રતિબંધ સહિત વધારાના નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે અને જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ
આગામી ૨૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ ડીન ઑફ સ્ટુડન્ટ અફેર્સની ઑફિસમાં વિદ્યાર્થીઓને ફટકારવામાં આવેલા દંડનું મૂલ્યાકન કરવામાં આવશે કરવામાં આવશે. સંસ્થાએ એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ દંડનું કોઈપણ ઉલ્લંઘન વધુ પ્રતિબંધોમાં પરિણમશે.
અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર આ વિવાદે ત્યારે વેગ પકડ્યો જ્યારે ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે 8 એપ્રિલે નાટકની નિંદા કરી હતી અને તેને ભગવાન રામ અને રામાયણનો ઉપહાસ ગણાવ્યું હતું. આ ગ્રુપે નાટકના પ્રદર્શનમાંથી કેટલીક વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે, નાટક ભજવનારા વિદ્યાર્થીઓએ રામાયણના પાત્રોનો ઉપહાસ કરવા માટે એજ્યુકેશન ફ્રિડમનો દુરૂપયોગ કર્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો કથિત રીતે વિદ્યાર્થીઓને રામાયણના પાત્રો અને પ્લોટ સેટિંગ્સથી પ્રેરિત નાટક રજૂ કરતા બતાવે છે. એક વીડિયોમાં એક વિદ્યાર્થી કથિત રીતે સીતાની ભૂમિકા ભજવી રહ્યો છે, તેમાં “અપહરણકર્તાઓ” અને તેમને જ્યાં લઈ જવામાં આવ્યા હતા તેની પ્રશંસા કરે છે.
અહેવાલ અનુસાર, ‘આઈઆઈટી બી ફોર ઈન્ડિયા’ જૂથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે. “અમે આઇઆઇટી બોમ્બે પ્રશાસન દ્વારા રામાયણને અપમાનજનક રીતે દર્શાવતા નાટક ‘રાહોવન’માં સામેલ લોકો સામે લેવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ. કેમ્પસમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં કોઈ ધર્મની મજાક ઉડાડવી ના જોઈએ.”
આ પણ વાંચો: 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું