'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું
હૃદયની બિમારી ધરાવતા એક સફાઈકર્મીને કથિત હિંદુત્વવાદીઓએ જાતિગત અપશબ્દો કહીને પરાણે 'જયશ્રી રામ'ના નારા લગાવડાવી માર માર્યો હતો.
મોદી સરકારના સત્તામાં આવ્યા પછીથી ગૌરક્ષકો, કથિત હિંદુ સેનાઓ અને કહેવાતા હિંદુત્વવાદી તત્વોને જાણે દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને પછાત વર્ગના લોકો પર અત્યાચાર કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે. ગૌરક્ષાના નામે મનફાવે તે ગુંડાતત્વો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને કોઈને પણ રસ્તા વચ્ચે રોકીને માર મારે છે અને ખુદ પોલીસ તેમના સહકારમાં હોય તેવા અનેક ઉદાહરણો આપણે દેશભર અલગ અલગ રાજ્યોમાં થતા જોયા-જાણ્યાં છે. આવા તત્વો સફાઈકર્મીઓને તો ક્યાંથી માણસ પણ ગણે? ગટરમાં ઉતરીને સફાઈ કરવાની મનાઈ હોવા છતા સવર્ણ કોન્ટ્રાક્ટરો વાલ્મિકી સમાજના સફાઈકર્મીઓને આ અમાનવીય કામ કરવા મજબૂર કરે છે. આ સિવાય જો વાલ્મિકી સમાજની કોઈ વ્યક્તિ તેમનું કહ્યું ન માને તો માર મારવા સુધીની હદે જતા આ તત્વો રોકાતા નથી. ઘણીવાર તો કશાય કારણ વિના પણ તેમને માર મારવામાં આવે છે.
આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે, જ્યાં એક વાલ્મિકી સમાજના વડીલને કથિત હિંદુત્વવાદીઓના ટોળાએ ઘેરી લીધા હતા અને તેમને બળજબરીથી જયશ્રી રામના નારા લગાવવા માટે મજબૂર કરવા લાગ્યા હતા. આટલાથી તેમન સંતોષ ન થયો તો હનુમાન ચાલીસાના પાઠ કરવાનું કહેવામાં આવ્યું, જો કે વડીલ તેમ ન કરી શકતા ટોળાએ તેમને માર માર્યો હતો.
વડીલ ડરના માર્યા માંડ 'રામ રામ...' બોલી શક્યા
મામલો દેશની રાજધાની દિલ્હીનો છે. અહીં શહેરના વ્યસ્ત કરોલ બાગ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓના એક જૂથે કામ પર જઈ રહેલા એક 55 વર્ષીય સફાઈ કર્મચારીને ઘેરી લીધા હતા અને તેમને જયશ્રી રામ બોલવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે મજબૂર કર્યા હતા. ટોળાને જોઈને સફાઈકર્મી વડીલ ડરી ગયા હોવાથી તેમણે જયશ્રી રામના બદલે “રામ રામ” કહ્યું તો ટોળાએ તેમને પરાણે “જય શ્રી રામ” બોલવા દબાણ કર્યું. જ્યારે આટલાથી તેમને સંતોષ ન થયો ત્યારે તેમને ટોળા દ્વારા "હનુમાન ચાલીસા" નો પાઠ કરવાનું કહેવામાં આવ્યું, પણ તેઓ ન બોલી શક્યા તો ટોળાએ તેમને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા ભીમ આર્મીના જિલ્લા કન્વીનર હિમાંશુ વાલ્મિકી તરત સક્રીય થયા હતા અને વડીલને મળીને કાર્યવાહી શરૂ કરાવી હતી.
આ પણ વાંચો: સફાઈ કામદારોને ગટરમાં ઉતારનારા તત્વો સામે ફોજદારી કાર્યવાહી થશે
હિમાંશુ વાલ્મિકીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ થવાની બાકી છે, પણ તેને જોઈને કોઈપણ વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે, આ ઘટનાને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુત્વવાદી સંગઠનોએ અંજામ આપ્યો છે, કેમ કે આવી ઘટનાઓને મોટાભાગે તેમના દ્વારા જ અંજામ આપવામાં આવે છે. મોટાભાગની આવી ઘટનાઓ તેમના સંગઠન દ્વારા જ હાથ ધરવામાં આવે છે. આ ઘટના પછી પીડિત વડીલને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં તેમણે ફરિયાદ દાખલ કરાવી છે.
સફાઈકર્મી વડીલ હૃદયના દર્દી છે
આ મામલામાં વધુ એક જાણકારી એ મળી આવી છે કે, પીડિત સફાઈકર્મી વડીલ હૃદયની બિમારી ધરાવે છે. એવામાં હિંદુત્વવાદીઓના ટોળાએ કરેલા અણધાર્યા હુમલા અને વર્તનથી તેઓ ડઘાઈ ગયા હતા અને તેમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા પડ્યા હતા. આ મામલામાં હવે એફઆઈઆર નોંધાઈ ગઈ છે પણ હજુ સુધી તેની કોપી ફરિયાદી પક્ષને મળી નથી.
ઘટના સોશિયલ મીડિયા દ્વારા સામે આવી
હિમાંશુ વાલ્મિકીએ સમગ્ર મામલો X (ટ્વિટર) પર પોસ્ટ કર્યો હતો. તેમણે પીડિત સફાઈકર્મી વડીલનો એક વીડિયો પણ ઉતારીને શેર કર્યો છે, જેમાં સફાઈ કામદાર તેમની સાથે થયેલી નિર્દયતાનું વર્ણન કરતી વખતે રડી પડે છે. વીડિયોમાં પીડિત વડીલને કહેતા સાંભળી શકાય છે કે, "મુઝે કહા ભંગી હૈ તૂ!" (આ એક અપશબ્દો છે જેનો વારંવાર દલિત સમુદાયના સભ્યો સામે ઉપયોગ થાય છે.)
https://twitter.com/HimanshuValmi13/status/1784943360324850111
હિમાંશુ વાલ્મિકી કહે છે, 'આવી ઘટનાઓ મુખ્યત્વે ઉત્તરના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્યોમાં બને છે. આ રાજ્યોમાં મોટાભાગે હિંદુત્વવાદીઓની તરફેણ કરતી સરકારો છે અને તેઓ તેમને છાવરતી હોવાથી આ લોકો બેફામ બની ગયા છે. કાયદો અને વ્યવસ્થાનો કથિત સેનાના સભ્યો અને ગૌરક્ષકોને કોઈ ડર નથી. જેના કારણે નિર્દોષ લોકો તેમનો ભોગ બને છે. ચિંતાની વાત એ છે કે, દેશની રાજધાનીમાં આવું બન્યું છે અને તે કોઈ કાળે ચલાવી લેવાય તેમ નથી.
હિંમાશું આગળ કહે છે, "જે ધર્મના નામે અમારી સરકારી નોકરીઓ છીનવી લેવામાં આવી હતી અને અમને શિક્ષણથી વંચિત કરવામાં આવ્યા હતા, એ જ ધર્મનો ઉપયોગ હવે રસ્તાઓ પર લોકો પર હુમલો કરવા માટે કરવામાં આવી રહ્યો છે." આ મામલે મીડિયા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ કોઈ વાતચીત થઈ શકી નહોતી.
આ પણ વાંચો: ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ