ગણેશ જાડેજા સામે કેસ કરનાર પરિવાર સામે GUJCTOC નો શું અર્થ છે?

ગણેશ જાડેજા પર થયેલા એટ્રોસિટીના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી તેના બીજા જ દિવસે આ કેસના ફરિયાદી પરિવાર પર ગુજસીટોક લગાવાતા મામલો શંકાસ્પદ બન્યો છે.

ગણેશ જાડેજા સામે કેસ કરનાર પરિવાર સામે GUJCTOC નો શું અર્થ છે?
image credit - Google images

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજાએ જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી, માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી, ગોંધી રાખ્યો હતો. આ કેસમાં પરમ દિવસે જ 4500થી ચાર્જશીટ દાખલ થઈ છે અને એના બીજા જ દિવસે આ કેસના ફરિયાદીઓ સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) નો ગુનો દાખલ કરીને અટકાયત કરતા આખો મામલો શંકાસ્પદ બની ગયો છે.

ગોંડલના ગણેશ જાડેજા સહિતનાઓ સામે ફરિયાદ કરનાર અનુસૂચિત જાતિ સમાજના યુવક સંજય સોલંકી, તેના પિતા રાજુ સોલંકી સહિત તેમના પરિવારના અન્ય ત્રણ યુવકો સામે જૂનાગઢ પોલીસ દ્વારા ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. જૂનાગઢના સ્થાનિકો અને દલિત સમાજના આગેવાનો પોલીસની આ કાર્યવાહીને ગણેશ ગોંડલના કેસ સાથે જોડીને જોઈ રહ્યાં છે. 

જૂનાગઢના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોઈ સામાન્ય કાર્યવાહી નથી. આમાં ચોક્કસપણે ગણેશ ગોંડલ કેસના તાર જોડાયેલા છે. જૂનાગઢ પોલીસ ભલે આને રાજુ સોલંકી અને તેના પરિવારના ગુનાઈત ભૂતકાળ પરની રેગ્યુલર કાર્યવાહીમાં ખપાવતી હોય પરંતુ આ કાર્યવાહી ગણેશ ગોંડલના કેસમાં 'ઉપરથી' આવેલા દબાણને આધારે કરવામાં આવ્યાની આશંકા નિવારી શકાતી નથી.

જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના એક સામાજિક અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "રાજુ સોલંકી અને તેના પરિવારના 5 સભ્યો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે જે સમય પસંદ કર્યો છે તે શંકાના દાયરામાં આવે છે. આ પરિવારે ગણેશ જાડેજા જેવા વગદાર, માથાભારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ગણેશના પિતા જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય છે અને તેના માતા હાલ ગોંડલના વર્તમાન ધારાસભ્ય છે. જયરાજસિંહની આ પંથકમાં ભારે ધાક છે અને પોલીસ બેડામાં પણ તેની અસર સ્પષ્ટ વર્તાઈ આવે છે. સત્તાપક્ષમાં છેક ઉપર સુધી તેમની પહોંચ છે.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો

એ સ્થિતિમાં તેમના ઈશારે આ પરિવારને ટાર્ગેટ કરાયો હોય તેવી આશંકા નકારી શકાતી નથી. આ શંકા એટલા માટે જાય છે, કેમ કે ગણેશના કેસમાં એકબાજુ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે, એના બીજા જ દિવસે ફરિયાદીના પરિવારના એક, બે નહીં પરંતુ 5 સભ્યો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. પોલીસનું કહેવું છે કે, તેમના પર મારામારી, પોલીસ પર હુમલો, ચોરી, લૂંટ, જુગાર સહિતના ગુના દાખલ થયેલા છે અને આ મામલે એલસીબીએ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા દરખાસ્ત કરી હતી. જેને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ ભલે પોતાની રીતે ગમે તેવા ખુલાસા કરે પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસને પણ આખો ખેલ સમજાય તેવો છે કે, ગણેશ ગોંડલના કેસમાં ચાર્જશીટ દાખલ થવી અને બીજી તરફ આ પરિવાર પર ગુજસીટોક લાગવો એ કોઈ સંયોગ નથી.?

હાલ એલસીબીના પી.આઈ.એ ગણેશ ગોંડલ કેસના પીડિત સંજય સોલંકી અને તેના પિતા, ભાઈ, કાકા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે પાંચેય સામે ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યક્તિ હત્યાના પ્રયાસના ગુનામાં ઓલરેડી જેલમાં છે. 

સંજય ઉર્ફે ચંદુ  સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ કરી ગોંડલ પંથકમાં લઈ જઈ ખુની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસે સંજયની ફરિયાદના આધારે ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સ સામે અપહરણ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગઈકાલે પોલીસે આ કેસમાં ૪૫૦૦થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરી હતી અને તેના બીજા જ દિવસે આ કાર્યવાહી કરતા આખો મામલો શંકાના દાયરામાં આવી ગયો છે. જૂનાગઢના સ્થાનિક દલિતો પોલીસની આ કાર્યવાહીને સ્પષ્ટપણે ફરિયાદી પક્ષ પર દબાણ ઉભું કરવાના દ્રષ્ટિકોણથી જોઈ રહી છે.

પોલીસે સંજયના પિતા રાજુ સોલંકી, તેમના બે દીકરા દેવ અને સંજય સોલંકી તથા ભાણેજ યોગેશ બગડાની ધરપકડ કરી છે, જ્યારે રાજુ સોલંકીના ભાઈ જયેશ સોલંકી હાલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં છે. આ તમામ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આજે તમામને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસ ભલે તેને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાની એક રૂટિન કાર્યવાહીમાં ખપાવવા મથતી હોય, પણ સમજદારને ઈશારો કાફી હોય છે.

આ પણ વાંચો: ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.