હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે

લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દલિતોને ફરી હિંદુત્વ તરફ વાળવા માટે RSS ની પાંખ વિશ્વ હિંદુ પરિષદ(VHP) મોટું આયોજન કરી રહી છે.

હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે
image credit - Google images

લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) દરમિયાન યુપી, મહારાષ્ટ્ર, કોંગ્રેસ જેવા મોટા રાજ્યોમાં દલિતો(SC) બંધારણ બચાવવા મુદ્દે વિપક્ષો તરફ વળી ગયા હતા. જેના કારણે અબકી બાર 400 પારનો નારો આપનાર ભાજપ(BJP) પોતાના દમ પર બહુમતી પણ મેળવી શક્યો નહોતો. કેન્દ્રમાં હવે જેડીયુ(JDU) અને ટીડીપી(TDP)ની કાંખઘોડી પર ટકેલી એનડી(NDA)એ સરકાર છે અને તે કેટલો સમય ટકી રહેશે તેનો સંપૂર્ણ મદાર નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર નિર્ભર કરે છે. સંઘ પરિવારે(RSS) દલિતો, આદિવાસીઓ(SC-ST)ની અનામત(Reservation)ને ખાનગીકરણ(Privatization) લાગુ કરીને સાવ ખતમ કરી નાખી છે. લેટરલ એન્ટ્રી(Lateral entry) જેવા બારોબાર મળતિયાઓની સરકારના ટોચના પદો પર ભરતી કરવા જેવા કાવતરાઓ પણ એસસી, એસટી સમાજના લોકોને ઉચ્ચ હોદ્દા પર જતા રોકે છે. આ બધી બાબતોને લઈને દલિતો, આદિવાસીઓમાં ભારોભાર ગુસ્સો રહેલો છે ત્યારે હવે તેને કેવી રીતે ખાળવો અને ફરી તેમને કેવી રીતે હિંદુત્વના એજન્ડા હેઠળ લાવીને મતોમાં પરિવર્તિત કરવા તેને લઈને રાષ્ટ્રીસ સ્વયંસેવક સંઘ(RSS) પરિવારની શાખા વિશ્વ હિંદુ પરિષદ(VHP)ને ટાસ્ક સોંપવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચોઃ આંબેડકર તમે આવા ય હતા?

મળતી માહિતી પ્રમાણે સંઘ પરિવાર દલિતોને ટાર્ગેટ કરીને 15 દિવસનું ધર્મ સંમેલન યોજવા જઈ રહ્યો છે. જેમાં ગામડાઓ અને શહેરોની દલિત વસ્તીઓમાં વિશ્વ હિંદુ પરિષદ કાર્યક્રમો કરશે અને દલિતોને ફરી ભાજપ તરફી મતબેંકમાં ફેરવવા પ્રયત્ન કરશે.

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કાર્યક્રમમાં દલિતોના ઘરે જઈને ભોજન કરવું અને દલિતવાસમાં જઈને ધાર્મિક ઉપદેશ આપવા જેવા કાર્યક્રમો સામેલ છે. તેના માટે વિશ્વ હિંદુ પરિષદ તેમની સાથે જોડાયેલા સાધુ-સંતોની મદદ લઈ રહ્યું છે.

વિશ્વ હિંદુ પરિષદ(VHP) ના અધ્યક્ષ આલોકકુમારે ઈન્ડિયન એક્સપ્રેસ(Indian Express)ને જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમ દિવાળીના 15 દિવસ પહેલા શરૂ થશે. એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થશે. અમે ધાર્મિક નેતાઓ, સાધુસંતોને શહેરો અને ગામડાઓમાં દલિતવાસમાં જઈને પદયાત્રા કરવા માટે વિનંતી કરી છે. એ દરમિયાન સંતો દલિતો સાથે ભોજન કરશે અને ધાર્મિક ઉપદેશ આપશે. આ બધું સમાજમાં ધાર્મિક જાગૃતિ માટે કરવામાં આવી રહ્યું છે. અમે સમયાંતરે આવું કરતા રહીએ છીએ. વિચાર એવો છે કે, સત્સંગનો કાર્યક્રમ યોજાય ત્યારે લોકો તેમાં આવે તેના કરતા સત્સંગ સામેથી લોકો પાસે જાય."

આ પણ વાંચોઃ આંબેડકર અને આરએસએસ બે વિરોધી ધ્રુવ હોવા છતાં સંઘ કેમ બાબાસાહેબના વખાણ કરે છે?

વિશ્વ હિંદુ પરિષદનો આ કાર્યક્રમ આભડછેટ ખતમ કરીને હિંદુઓને એક કરવાની સંઘ પરિવારની કથિત દીર્ધકાલિન પરિયોજનાનો એક ભાગ હોવાનું કહેવાય છે, પરંતુ જે રીતે લોકસભા ચૂંટણીમાં દલિતોનો એક મોટો વર્ગ ભાજપ તરફથી ખસકીને વિપક્ષો તરફ જતો રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા આ કાર્યક્રમનું રાજકીય મહત્વ છે.

વિશ્વ હિંદુ પરિષદ તેની 60મી જન્મજયંતિ નિમિત્તે કૃષ્ણ જન્માષ્ટમી પર પણ ઉજવણીનું  આયોજન કરશે. 24 ઓગસ્ટથી, VHP દેશભરના લગભગ 9,000 બ્લોકમાં આ સંદર્ભે ધાર્મિક પરિષદોનું આયોજન કરશે. આલોકકુમારના કહેવા પ્રમાણે તેમાં મહિલાઓ અને દલિતો સહિત સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી હશે.

મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત અમુક હિંદી ભાષી રાજ્યોમાં જોવા મળેલા પરિવર્તને ભાજપની ચૂંટણીલક્ષી શક્યતાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે પાર્ટી 272ની સામાન્ય બહુમતીથી 32 સીટ દૂર રહી ગઈ હતી. ભાજપને સૌથી મોટો ઝટકો ઉત્તરપ્રદેશમાં લાગ્યો હતો. જ્યાં જાન્યુઆરીમાં રામમંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી પણ પાર્ટી ન માત્ર અયોધ્યા(ફૈઝાબાદ) સીટ સમાજવાદી પાર્ટી સામે હારી ગઈ, પરંતુ 62 સીટોની અગાઉની પોતાની સંખ્યાથી પણ પાછળ રહી ગઈ. 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે તેને યુપીમાં માત્ર 33 સીટો મળી હતી.

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરના આ સવાલોનો આરએસએસ પાસે કોઈ જવાબ છે?

ચૂંટણીમાં દલિતોમાં જોવા મળેલા પરિવર્તનની શરૂઆત ભાજપના કેટલાક નેતાઓના નિવેદનોથી થઈ હતી. આ નેતાઓએ પોતાના પ્રચાર ભાષણોમાં એવો સંકેત આપ્યો હતો કે, જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર 400 સીટોથી આગળ નીકળી ગઈ, તો હિંદુ રાષ્ટ્રની સુવિધા માટે બંધારણને બદલી નાખવામાં આવશે. તેને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને તરત ચૂંટણી હથિયાર બનાવી લીધું હતું. તેણે દલિત સમાજના મસીહા ડો. આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણને બચાવવાના મુદ્દા પર એક અભિયાન ચલાવ્યું હતું અને તેમાં તેને સફળતા મળી હતી.

ભાજપ અને આરએસએસનું ગણિત એવું હતું કે, દલિત મતો બીએસપી સાથે જ રહેશે અને એ રીતે જ્યારે દલિત મતો એક બાજુ કપાઈ જશે તો ભાજપનો રસ્તો સરળ થઈ જશે. પરંતુ દલિત મતદારોએ સંઘ-ભાજપ કરતા વધુ સમજદારી બતાવી. તેમણે યુપીમાં આ વખતે બીએસપીને મત આપવાને બદલે જીતી શકે તેવી શક્યતા ધરાવતી સપા અને કોંગ્રેસને મત આપ્યા. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીને અને કર્ણાટકમાં કોંગ્રેસને મત આપ્યા. ભાજપને તેની જરાય અપેક્ષા નહોતી.

આ પણ વાંચોઃ શશી થરુરનું પુસ્તક 'Ambedkar: A Life' - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ

એટલે હવે ધર્મ સંમેલનો દ્વારા દલિતોને પટાવવાની ચાલ રમવાની શરૂ કરવામાં આવી છે. જો કે કેન્દ્ર સરકાર જે રીતે લેટરલ એન્ટ્રી દ્વારા એસસી, એસટીના અધિકારો છીનવી રહી છે, સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ આપેલા ચૂકાદાઓનો વિરોધ નથી કરી રહી, તે બધું દલિતો-આદિવાસીઓ જોઈ સમજી રહ્યાં છે. વધુમાં દલિત યુવાનોમાં બહુજન મહાપુરુષોના વિચારોનો વધતો જતો પ્રભાવ પણ હિંદુત્વના રાજકારણને હવે ફાવવા દે તેમ લાગતું નથી. એ જોતા વિશ્વ હિંદુ પરિષદ દલિતોના ઘરે જઈને ભોજન કરે, તેની સાથે ધર્મની વાતો કરી, સંઘ પરિવારની રાજકીય પાંખને મત આપવા મજબૂર કરી શકે તેવી શક્યતા બહુ ઓછી છે.

આ પણ વાંચોઃ જાણો ભારતનું બંધારણ આપણને ક્યા મૂળભૂત અધિકારો આપે છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.