‘અમે તમારી કાસ્ટને ભજિયા નથી આપતા’ કહી દલિત દંપતિને ગાળો ભાંડી
ઉમરેઠના શીલી ગામમાં ભજીયાની લારી ચલાવતા પિતા-પુત્રે એક દલિત દંપતિ પ્રત્યે આભડછેટ દાખવતા ફરિયાદ નોંધાઈ છે.
Umreth Atrocity act Complaint: જાતિવાદી તત્વો ભૂલી જાય છે કે હવે તેઓ અઢારમી સદીમાં નથી જીવતા પણ એકવીસમી સદી છે. મનુવાદની ધરી પર ઉભેલો તેમનો ધર્મ એમને ગાય, ગોબર અને ગૌમૂત્ર ખાવાપીવાની છૂટ આપે છે પણ દલિતોને અસ્પૃશ્ય ગણે છે તે હવે નહીં ચાલે. ભલે તમારો ધર્મ મનુસ્મૃતિ પર ચાલતો હોય પણ આ દેશનો કાયદો સૌને સમાન ગણે છે અને એટલે તમે કોઈ વ્યક્તિને તેની જાતિના આધારે અપમાનિત ન કરી શકો. જો કે સુધરે તો મનુવાદીઓ શેનાં?
ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામની છે. જ્યાં આભડછેટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામમાં ભજીયાની લારી ચલાવતાં પિતા-પુત્રએ તેમની દુકાને નાસ્તો કરવા આવેલા એક દલિત દંપતીને ‘હું તમને પડીયા અને ડીશમાં ભજીયા નહી આપું’ તેમ કહી ઝઘડો કરી, જાતિવિષયક અપશબ્દો બોલતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ખંભોળજ પોલીસે એટ્રોસીટીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં રોહિતવાસમાં રહેતાં 27 વર્ષીય રાહુલ મકવાણા ગત મંગળવારના રોજ પત્ની જ્યોતિબેનને લઈને શીલી ગામે મામા સસરાના ઘરે ગયાં હતાં. જ્યાં એક દિવસ રોકાયાં બાદ બુધવારે સવારે મંદિરની બાજુમાં વડના ઝાડ નીચે આવેલ ભજીયાની લારીએ નાસ્તો કરવા માટે ગયાં હતાં. તે વખતે ત્યાં ભજીયાની લારી પર નરવતસિંહ છત્રસિંહ ગોહીલ અને પ્રવિણભાઈ નરવતસિંહ ગોહીલ હાજર હતાં. તેમની પાસેથી રાહુલ મકવાણાએ 200 ગ્રામ ભજીયા ખરીદ્યાં હતાં. જે બાદ રાહુલે ચટણી લેવા માટે લારી પરથી બે પડીયા લીધાં હતાં. તે વખતે લારીવાળા નરવતસિંહ અને પ્રવીણસિંહે, તમે ક્યાંના વતની છો અને ક્યાંથી આવ્યા છો? તેમ કહી રાહુલની પુછપરછ કરી હતી.
આ પણ વાંચો: જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે
જે તે વખતે રાહુલે પોતે મનુભાઈ ટપાલીના ઘરે મહેમાન તરીકે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી આ બંને જણાં એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં અને “હું તમને પડીયા અને ડીશમાં ભજીયા નહી આપું” તેમ કહી જાતીવિષયક અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તેમજ રાહુલની ફેંટ પકડીને તું અહીયાથી ઉભો થઈ જા તેમ કહી, લાફો મારવા હાથ ઉગામ્યો હતો. રાહુલની પત્ની જ્યોતિબેને ઘરે જઈને આ સઘળી હકીકત પોતાના મામા મનુભાઈ ચતુરભાઈ રોહીતને જણાવી હતી. જેથી મનુભાઈએ સ્થળ પર જઈને ઠપકો આપતાં આ પ્રવિણભાઈ અને નરવરસિંહએ ઉશ્કેરાઈ જઈને તેમને પણ જાતિવિષયક અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.
આ અંગે રાહુલ મકવાણાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે નરવતસિંહ છત્રસિંહ ગોહીલ અને પ્રવિણભાઈ નરવતસિંહ ગોહીલ વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરીયાદી રાહુલ મકવાણાના જણાવ્યા પ્રમાણે, “અમે તમારી કાસ્ટ વાળાને ભજીયા આપતાં નથી” તેમ કહીને પ્રવિણભાઈ અને નરવતસિંહ એ મારા હાથમાંથી ડીશ ખુંચવી લીધી અને ત્યારબાદ મારી ફેંટ પકડીને ઉભો કરી દીધો હતો અને લાફો મારવા હાથ પણ ઉગામ્યો હતો. જેથી તેમના આ જાતિવાદી કૃત્ય સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.”
આ પણ વાંચો: આભડછેટનું વરવું સ્વરૂપઃ દલિતોએ વાળ કપાવવા 25 કિ.મી. દૂર જવું પડે છે