રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ગુજરાત સરકાર પાસે એસસી-એસટી વર્ગના લોકોના વિવિધ 40 જેટલા મુદ્દાઓને લઈને 15 દિવસમાં અહેવાલ માંગ્યો છે.
ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ વર્ગના બંધારણીય અને માનવ અધિકારોના ભંગના મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા રાજ્યના સામાજિક ન્યાય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં આયોગે અભ્યાસ કરી નક્કર પગલાં ભરી રાજ્યના સામાજિક ન્યાય વિભાગ, ગાંધીનગરના એડિશનલ ચીફ સેક્રેટરી અને ડેપ્યુટી ડાયરેક્ટરને નોટિસ પાઠવી 15 દિવસમાં અહેવાલ માંગેલ છે.
નોટિસમાં કહેવાયું છે કે આયોગને ભારતીય બંધારણના આર્ટિકલ 338 મુજબ દીવાની કોર્ટની શક્તિ મળેલ છે. જો 15 દિવસમાં સમય મર્યાદામાં આયોગને અહેવાલ નહિ મળે તો આયોગ જવાબદાર અધિકારીને રૂબરૂ અહેવાલ સાથે હાજર થવા સમન્સ કાઢશે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં કાંતિલાલ પરમાર દ્વારા ફાઈલ કરવામાં આવેલ પિટિશનમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતીની વસ્તી 7% એટલેકે 50 લાખની આસપાસ અને અનુસૂચિત જન જાતીની વસ્તી 14% એટલે કે એક કરોડની આસપાસ છે.
ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગ સમૂહના 1.50 કરોડ એસસી-એસટી વર્ગના લોકોના બંધારણીય અને માનવ અધિકારોના હનનના નીચે મુજબ રજુ કરેલા સવાલોમાં તાત્કાલિક કાર્યવાહી કરવા આયોગને વિનંતી કરવામાં આવેલ છે. પિટિશનમાં માંગ કરવામાં આવેલ છે કે ગુજરાત રાજ્યમાં SC-ST વર્ગના લોકો પર થતા જાતિગત અત્યાચાર, ભેદભાવ અને અન્યાયની સામે આ વર્ગના લોકોની સુરક્ષા માટે ઘડાયેલ કાયદાઓનો કડક અમલ કરાવવો.
કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ સમક્ષ કરેલી પિટિશનમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
(1) રાજ્યના મુખ્યમંત્રી, વીસ સભ્યોની બનેલ હાઈ લેવલની સ્ટેટ વિજિલન્સ અને મોનીટરીંગ સમિતિની રચના કરે અને તેની તાત્કાલિક મિટિંગ બોલાવી અત્યાચાર ધારાના કાયદાની અમલીકરણની સમીક્ષા કરવામાં આવે.
(2) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ના નિયમો 1995ના નિયમ 15 હેઠળ ગંભીર ગુનાના ભોગ બનનાર આશ્રિત પીડિત પરિવારોને કાયદાકીય જોગવાઈ મુજબ પેન્શન,મકાન, આજીવિકા માટે જમીન, એક સભ્યને લાયકાત મુજબ સરકારી નોકરી, બાળકોના શિક્ષણનો ખર્ચ,ખાસ કિસ્સામાં હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવે અને પરિવારનું પુન:વસનની કાર્યવાહી કરવામાં આવે.
(3) સમાજ કલ્યાણ વિભાગ ગંભીર અત્યાચારનો ભોગ બનેલ પીડિત આશ્રિત પરિવારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતા ડો. આંબેડકર ફાઉન્ડેશન, દિલ્હી તરફથી મળતી વધારાની સહાય મેળવવામાં માટેની દરખાસ્ત તૈયાર કરી દિલ્હી મોકલવામાં આવે અને સહાય મેળવવામાં પીડિતને મદદરૂપ બને.
(4) અત્યાચારના ગંભીર બનાવોમાં સેસન્સ કોર્ટમાંથી છૂટી ગયેલ આરોપીઓ સામે ગુજરાત સરકાર હાઇકોર્ટમાં અને હાઇકોર્ટમાં છૂટી ગયેલ આરોપીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે.
(5) અત્યાચારના કેસોમાં સરકારી વકીલ દ્વારા કરાયેલ કામગીરીની જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને દર છ મહિને સમીક્ષા કરવામાં આવે.
(6) જ્યાં અત્યાચારના ગુના બનતા હોય ત્યાં અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકોને હથિયારના પરવાના આપવામાં આવે અને એ વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અને જન જાતિ સિવાયના લોકોના હથિયારના પરવાના રદ્દ કરવામાં આવે.
(7) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ(અત્યાચાર અટકાવ) અધિનિયમ 1989ની જોગવાઈઓ હેઠળ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીર બનાવોમાં રૂબરૂ પીડિત પરિવારોની મુલાકાત લેવામાં આવે અને જાન-માલ-મિલકત નુકશાનીનો સરકારમાં રિપોર્ટ કરવામાં આવે.
(8) જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિની મિટિંગ દર ત્રણ મહિને વર્ષમાં ચાર વાર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને કમિશ્નરેટ એરિયામાં શહેર પોલીસ કમિશ્નરના અધ્યક્ષ સ્થાને નિયમિત મળે અને કાયદાના અમલીકરણની સમીક્ષા કાયદાકીય જોગવાઈ મુજબ થાય તે જોવામાં આવે.
(9) અત્યાચાર ધારા હેઠળ નોંધાયેલા કેસોમાં ફરિયાદી અને સાક્ષીઓને પોલીસ રક્ષણ આપવામાં આવતું નથી, ફરિયાદી અને સાક્ષીઓના હક્કોનું રક્ષણ કરવામાં આવતું નથી તે મુદ્દે કાર્યવાહી કરી રક્ષણ આપવામાં આવે.
(10) જિલ્લા તકેદારી સમિતીમાં રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા નહિ પણ જે તે સંસ્થા સંગઠનો સાથે જોડાયેલ સામાજિક કાર્યકર્તાઓની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવે.
(11) આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં પોતાને કરવાની થતી કાનૂની કાર્યવાહી કરવામાં જાણી બુજીને પોતાની ફરજમાં બેદરકારી દાખવે તો આ કાયદાની કલમ-4 હેઠળ રાજ્ય સરકાર ગુનો નોંધી પગલા જે તે સબંધિત અધિકારી સામે તાત્કાલિક પગલા ભરે.
(12) રાજ્યમાં SC-ST વર્ગના લોકો માટે બંધારણીય જોગવાઈઓ હેઠળ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મળેલ અનામત નીતિનો ચુસ્ત અમલ કરાવી અને તેના માટે કાર્યવાહી કરવી.
(13) રાજ્યના 26 વિભાગો, 169 નગરપાલિકા, 8 મહાનગર પાલિકા, 33 જિલ્લા પંચાયત, 252 તાલુકા પંચાયત, 13434 ગ્રામ પંચાયત અને બોર્ડ, નિગમમાં અનામતની ખાલી પડેલ જગ્યાઓની યાદી બનાવવામાં આવે અને એક ભરતી માટે એક શિડ્યુલ બનાવવામાં આવે જે ત્રણ મહિનામાં કામગીરી પુરી કરવામાં આવે.
આ પણ વાંચો: EXCLUSIVE:અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
(14) સરકારી નોકરીઓમાં અનામત નીતિનો અમલ કરી ખાસ ભરતી ઝુંબેશ શરુ કરવામાં આવે અને સરકાર દ્વારા દરેક વિભાગનો બેકલોગ તાત્કાલિક ભરવામાં આવે.
(15) સરકારી ભરતીમાં અનામત વર્ગની ખાસ બેકલોગની ભરતી ઝુંબેશમાં અનામત વર્ગના ઉમર વટાવી ગયેલા ઉમેદવારોને ઉમેરમાં વધારે છૂટછાટ આપવામાં આવે.
(16) સરકારી નોકરીઓમાં બેકલોગ ભરવા ખાસ ઝુંબેશ શરુ કરી રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના સરકારી કર્મચારીઓની બઢતીના મુદ્દે બંધારણીય અધિકારના રક્ષણ માટે ખાસ રોસ્ટર એક્ટ બનાવવામાં આવે.
(17) રાજ્યમાં SC-ST વર્ગના ભૂમિહીન લોકોને જીવન નિર્વાહ માટે ખેતીની જમીન મળે, બેઘર લોકોને રહેવા માટે ઘર મળી રહે, જંગલમાં વસવાટ કરતા લોકોને જળ, જંગલ, અને જમીનનાં જે કાયદાકીય રીતે હક્કો મળેલા છે તેની સરકારે અમલવારી કરવી.
(18) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ભૂમિહીન લોકોને ગામડાઓમાં જીવન નિર્વાહ કરવા માટે પાચ-પાચ એકર જમીન વિહોણા પરિવારોને ફાળવણી કરવામાં આવે.
(19) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ભૂમિહીન પરિવારના લોકોને ગામડાઓમાં ગામતળની જમીન નીમ કરી રહેવા લાયક મકાન બાંધવા માટે મફત પ્લોટની ફાળવણી કરવામાં આવે.
(20) અનુસૂચિત જન જાતિના લોકો કે જેઓ જંગલમાં વસવાટ કરે છે તેના જળ, જંગલ, અને જમીનનાં જે કાયદાકીય રીતે હક્કો હક્કો મળે તે માટેની કાર્યવાહી કરવી, કાયદાકીય મળવા પાત્ર ખેતીની જમીનના ફક્ત અધિકાર પત્રો નહી પણ માલિકી હક્કો સરકારે આપવા.
(21) રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બંધ કરેલી છ હજાર કરતા વધારે સરકારી પ્રાથમિક શાળાઓ ફરી શરુ કરે, તેમાં પુરતા સ્ટાફની નિમણૂંક કરે, SC-ST વર્ગના વિધાર્થીઓના અભ્યાસ માટેની બંધ કરેલી સરકારી હોસ્ટેલો ફરી તમામ પૂરતી સુવિધાઓ સાથે ચાલું કરે તેવી માંગણી કરવી.
(22) અનુસૂચિત જાતિ વર્ગના હકની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ “સમરસ” હોસ્ટેલમાં 80% એસ. સી./એસ. ટીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે.
(23) અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરેલ સરકારી કુમાર છાત્રાલય રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક શરુ કરવામાં આવે.
(24) રાજ્ય સરકાર દ્વારા SC-ST વર્ગના વિધાર્થીઓને સ્કોલરશીપ, હોસ્ટેલ પ્રવેશ, ફ્રીશીપ કાર્ડ, અને સરકારી યોજનાઓ સહીત મળવાપાત્ર સરકારી લાભ મળી રહે તે માટે યોજનાઓના લાભ લેવા માટે આવક મર્યાદા 2.50 લાખથી વધારી રૂ. 8 લાખ કરવામાં આવે. રાજ્ય સરકાર ઠરાવમાં સુધારો કરી અનુસૂચિત જાતિના લોકો માટે આવક મર્યાદા આઠ લાખ કરવા ઠરાવમાં ચાલુ વર્ષમાં તાત્કાલિક સુધારો કરે.
(25) મેનેજમેન્ટ ક્વોટામાં કોલેજમાં એડમિશન લીધેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવતી નથી. જે મુદ્દે તાત્કાલિક સરકાર નિર્ણય લઇ મેનેજમેન્ટ ક્વોટામાં કોલેજમાં લીધેલ એડમિશન વાળા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મંજુર કરે.
(26) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોંઘવારી અનુસંધાને સ્કોલરશીપમાં દરેક સ્તરે 100%નો વધારો કરવામાં આવે.
(27) રાજ્યમાં સફાઈ કામદારો પાસે કરાવવામાં આવતું ગંદુ અને માથેમેલું કામ બંધ કરાવવું તેમજ ગટરમાં થતા મોતને રોકવા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરાવવું.
(28) રાજ્ય સરકારના તમામ વિભાગો સફાઈ કામદારોને ગટરમાં ઉતારવાનું બંધ કરે. રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ ગટર સાફ કરવા માટે રોબોટ મશીનની ખરીદી કરે અને ઉપયોગ કરે.
(29) સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ સફાઈ કામદારનું ગટરમાં ગેસથી મોત થાય તો રુ.30 લાખની ચુકવણી કરવી અને કોઈ પણ સફાઈ કામદાર ગંભીર ઇજાનો ભોગ બને તો રુ.10 લાખ ચૂકવવા.
(30) રાજ્યમાં ગટરમાં ગેસથી થતા સફાઈ કામદારોના મોતના મામલે મ્યુનિસિપલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર અને જવાબદાર એન્જીનીયર સામે પણ ફરિયાદ દાખલ કરવી.
(31) રાજ્યના વાર્ષિક બજેટમાં SC-ST વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે વસ્તીના ધોરણે પ્લાનિંગ કમિશનની ગાઈડ લાઈન મુજબ રકમ ફાળવણી કરવી.
(32) રાજ્યના વાર્ષિક બજેટમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે વસ્તીના ધોરણે અનુસૂચિત જાતિ માટે 7% અને અનુસૂચિત જન જાતિ માટે 14% ની રકમ બજેટમાં ફાળવણી કરવી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વર્ગના લોકોના વિકાસ માટે માટે રાજ્ય સરકાર રૂ. એક હજાર કરોડનું રિવોલવિંગ બજેટ ફાળવે.
(33) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકો માટે રાજ્યના બજેટમાં પુરી રકમની ફાળવણી કરી જે હેતુ માટે ફાળવણી કરી હોય તે હેતુ માટેજ વપરાય તેના માટે SCCP અને TSP નો ખાસ અંગભૂત કાયદો બનાવવો.
(34) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના લોકોના વ્યક્તિગત અને સામુહિક વિકાસ માટે પ્લાનિંગ કમિશનની ગાઈડ લાઈન મુજબ વાર્ષિક બજેટમાં રકમની ફાળવણી કરવી.
(35) રાજ્યમાં ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વર્ગના ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ અઢી વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તેવો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં ફેરફાર કરવો.
(36) ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિને સોંપવામાં આવેલ ગંદા કામ મરેલાં ઢોર-કુતરા -બિલાડાનો નિકાલ કરવાનું કામને રદ્દ કરવામાં આવે.
(37) રાજ્ય સરકાર સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી મુકવાનો ઠરાવ કરેલ છે તે રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ ઉમેરી રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવામાં આવે.
(38) અમદાવાદ, લાલ દરવાજા સ્થિત ચોવીસ વર્ષથી ભાડે ચાલતીઅનુસૂચિત જાતિ આયોગની ઓફિસને સરકારી મકાનની ફાળવણી કરે અને કેન્દ્ર સરકાર પૂરતા સ્ટાફની નિમણુંક કરે.
(39) આભડછેટ-મુક્ત-ભારત બને તે માટે બંધારણની કલમ 17 નો અમલ કરવો, કાર્યક્રમ જાહેર કરે.
અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ વર્ગના બંધારણીય અને માનવ અધિકારોના ભંગના મુદ્દે માનવ અધિકારોનું રક્ષણ કરવા પિટિશન કરી ફાઈલ કરવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે અને એસસી આયોગે તેને લઈને રાજ્ય સરકારના સંબંધિત ખાતા પાસેથી જવાબ માંગ્યો છે.
આ પણ વાંચો: જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Juvansinh NinamaSir. Maru name Ninama juvansinh se maru sarnamu at Vasti po Mirakhedi ta Zalod dist dahod, Mumbai to Dilhi corridor road banvana karne asargrst thavthi amne Jamin+Makan nu payment aapvama aavyu ane
-
Adv. Sanjaykumar R katariyaઆયોગે સરકાર ના ઈશારે કામ n કરવુ જોઈએ સમાજ ના હિત મા કામ કરવુ જોઈએ
-
Parmar Natavarbhai11
-
ડાહ્યાભાઈ જેસનભાઈ પરમાર1.જિલ્લા કક્સાયે મામેરું યોજનામાં 12000.ની સહાય ને બદલે 20000/ મળે 2.રાજા હરીશચંદ્ર મરણ સહાય 5000/મળે છે 10000/મળે તે લાગુ કરવું 3.બાબા સાહેબ આબેડકર મકાન સહાય 120000/મળે છે તે વધારી 300000/ત્રણ લાખ કરવી 4.ફ્રી શિપ કાર્ડ મા આવક માર્યાદા વધારી 800000 કરવી 5.એસ.સી.એસ.ટી.અનામત 27 મળતી નથી ચાલું કરવા કડક કાર્યવાહી કરવા અમલ કરાવવો