'ગાંડો', 'કાળો', 'કચરો', 'કાળી' જેવા અપમાનજનક નામો સામેની લડાઈ
એક એવું ગામ, જે સવર્ણો દ્વારા દલિત-આદિવાસી બાળકોના આવા અપમાનજનક નામો પાડવાનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે.
ગામડાઓમાં જઈને તમે દલિતવાસના વડીલોના નામ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તેમાનાં મોટાભાગના લોકોના નામ અત્યંત તોછડાં અને અપમાનજનક પ્રકારના હશે. "ડાયો", "મીઠો", "તેજો", "કાળો", "ગાંડો", "કચરો", "પૂંજો", "ભીખો" વગેરે. આવું જ સ્ત્રીઓના નામમાં પણ જોવા મળશે, જેમ કે "કાળી", "કશ્લી", "સવલી", "કુશલી", "ડાઈ", "ચંપલી", "મંજુડી", "શાંતુડી" વગેરે.
ગામડાના અભણ દલિતોને પહેલી નજરે આ નામોમાં કદી કશું અપમાનજનક નહોતું લાગતું. કેમ કે, તેની પાછળનો તર્ક તેઓ સમજી શકતા નહોતા. મનુવાદીઓ તેમને જાતભાતની અંધશ્રદ્ધાઓથી ભરમાવીને આવા નામો રાખવા મનાવી લેતા. જેમ કે, જે પરિવારમાં કોઈ દીકરો વારંવાર બીમાર પડતો હોય કે સંતાન મૃત્યુ પામતું હોય તેવા પરિવારમાં જન્મેલા બાળકને બામણો 'ગાંડો' નામ રાખવાનું સૂચન કરતા, તેની પાછળનો તર્ક એવો આપવામાં આવતો કે આવું નામ રાખવાથી બાળકને કોઈની નજર નહીં લાગે અને તે આરોગ્યપ્રદ અને લાંબુ આયુષ્ય ભોગવશે. એટલે એક જ ગામમાં તમને એકથી વધુ "ગાંડા" નામધારી દલિતો જોવા મળશે.
નામ પાછળનો મનુવાદી એજન્ડા
આવું કરવા પાછળ મનુવાદીઓનો ચોક્કસ એજન્ડા હતો અને આજે પણ છે. તેઓ એમ માને છે કે સન્માનજનક જીવનની જેમ સન્માનજનક નામો પણ માત્ર તેમના દીકરા-દીકરીઓના જ હોઈ શકે. એટલે કોઈ દલિત-આદિવાસી કે ઓબીસી માતાપિતા તેમના દીકરાનું કોઈ સારું નામ રાખે તો તરત મનુવાદીઓ તેને અવગણીને તેનું અપમાનજનક નામ આપી દેતા. જેમ કે, બાળક શ્યામવર્ણું હોય તો તરત તેને "કાળિયો" નામ આપી દેતા. જે એટલું અપમાનજનક લાગતું કે લોકો એ બાળક પર આખી જિંદગી હસતા રહેતા. ગામડાઓમાં દલિત, આદિવાસી કે ઓબીસી સમાજના અનેક વડીલોના આવા અપમાનજનક નામો તમે સાંભળ્યા હશે.
અપમાનજનક નામો સામે દલિત-આદિવાસીઓનો જંગ
પણ અહીં એક એવા ગામની વાત કરવી છે જે આવા અપમાનજનક નામો પાછળ રહેલા જાતિવાદને સમજી ગયો છે અને તેનો અનોખી રીતે વિરોધ કરી રહ્યું છે. આજે પણ દેશના ઘણા ભાગોમાં દલિતો સામે ભેદભાવ અને હીનતા સંકુલ પ્રવર્તે છે. પોતાને શ્રેષ્ઠ બતાવવા માટે, નીચલી જાતિઓને વિચિત્ર અને અપમાનજનક નામોથી બોલાવવામાં આવે છે અને આ ચલણ સદીઓથી ચાલ્યું આવે છે. દા.ત., જો કોઈ દલિત દીકરીનો રંગ કાળો હોય તો તેનું નામ 'કૃષ્ણા' નહીં પણ 'કાળી' કે 'બેરી' રાખી દેવામાં આવતું. આ ષડયંત્ર સામે એક ગામના દલિત-આદિવાસી સમાજે મળીને વિરોધ શરૂ કર્યો છે.
વાત રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાની છે. અહીં ભીલ આદિવાસીઓ અને દલિત બાળકોને એવા અપમાનજનક નામ આપવામાં આવે છે જેના કારણે તેઓ જીવનભર ઉપહાસનો વિષય બનીને રહી જાય છે. અહીંના કરજાળી ગામમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. અહીં 'શ્યામ' છોકરીને બધાં 'કાળી' કહેવા લાગે છે.
અપમાનજનક આ પ્રથાનો અહીંના ચાર દલિત કાર્યકરોના ગ્રુપે વિરોધ કરવાનું શરૂ કર્યું અને આ પદ્ધતિ સામે દલિત-આદિવાસી બાળકોને સન્માનજનક નામ મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા. આ ચારેય કાર્યકરોએ ગરિમા ભવન એટલે કે હાઉસ ઓફ ડિગ્નિટી બનાવ્યું, જેની દિવાલો પર ડો. આંબેડકરના ફોટા નીચે વૈકલ્પિક નામો અને તેમના અર્થોની લાંબી યાદી બનાવવામાં આવી. અને આ રીતે "કાળી" નામની યુવતીને "રિયા" નામ આપીને એક અલગ ઓળખ અપાઈ રહી છે.
નવા નામથી અલગ ઓળખ મળી
સમતા સંગઠને 2021માં આ પહેલ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 40થી વધુ દલિત-આદિવાસી બાળકોને 'સન્માનજનક' નામ આપવામાં આવ્યા છે. આમાં 26 છોકરીઓ છે. આ બાળકોમાં 30 અનુસૂચિત જાતિ (SC) સમાજમાંથી અને 10 અનુસૂચિત જનજાતિ (ST)માંથી છે. ‘કથિત ઉચ્ચ જાતિ’ના લોકો સમતા સંગઠનના આ પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે, ખાસ કરીને બ્રાહ્મણ પૂજારીઓ તેમના આ પ્રયત્નોનો સૌથી વધુ વિરોધ કરી રહ્યાં છે. તેની પાછળ સંગઠનના લોકોનું માનવું છે કે, તેમના આ પ્રયત્નોથી લોકો બ્રાહ્મણો પાસે નામકરણ માટે જતા ઘટ્યાં છે અને તે રીતે તેમનો ધંધો ભાંગ્યો છે.
કરજળી ગામના SC-ST સમાજના પંડિત રામલાલ ગર્ગ કહે છે, “અમે નક્ષત્રના આધારે નામ આપીએ છીએ. મને નથી લાગતું કે નામકરણ જાતિગત ભેદભાવ પર આધારિત હોય.” રામલાલ છેલ્લા 20 વર્ષથી બાળકોનું નામકરણ કરી રહ્યા છે, અને તેમની નામકરણ પદ્ધતિ ગમે તે હોય, તે રામલાલ દ્વારા કહેવાયેલી વાતોથી વિપરીત છે. તેમણે કહ્યું, “જો કોઈનું નામ ઉદય રાખવામાં આવે છે અને જો તે રાજપૂત છે, તો તેનું નામ "ઉદય સિંહ" હશે. અને જો તે કથિત નિમ્ન જાતિનો હશે તો તેનું નામ "ઉદય લાલ" હશે. આ જે તે સમાજના કામકાજ પર નિર્ભર કરે છે.
ચોતરફ નામના કારણે અપમાન
ચિંતાજનક બાબત એ છે કે દલિતો-આદિવાસી કે ઓબીસી સમાજના બાળકોના આવા ભેદભાવપૂર્ણ નામકરણ માત્ર રાજસ્થાન પૂરતા મર્યાદિત નથી પરંતુ દેશભરમાં પ્રચલિત છે. રાજસ્થાનના પડોશમાં આવેલા હરિયાણામાં વણજોઈતી દીકરીઓનું નામ મોટાભાગે 'ભટેરી' કે 'ભોટા' (જેનો અર્થ છે સેક્સની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઉપલબ્ધ). મહારાષ્ટ્રમાં, છોકરીઓને "ફસીબાઈ" (દગાબાજ) અને "નકોશી" ('વણજોઈતી') જેવા નામો આપવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક દાયકામાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યની 1,000 ગ્રામ પંચાયતોમાં મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. સમતા સંગઠનના કાર્યકર બૈરવ કહે છે, “ભેદભાવ જન્મથી શરૂ થાય છે. તેથી અમે નામકરણની પદ્ધતિ બદલવાનું નક્કી કર્યુંઃ એક સમયે એક નામ રાખવું એ અમારો નિયમ છે. જેથી કોઈ હુલામણા નામ તરીકે પણ અપમાનજનક નામ ન આપી દે.”
નામમાં શું રાખ્યું છે?
રાજસ્થાનના મેવાડ પ્રદેશમાં ભેદભાવપૂર્ણ નામકરણની પ્રથાઓ સામાન્ય છે. OBC જાતિના ખેડૂતને દલિત અથવા આદિવાસી સમાજના સભ્ય દ્વારા "કાકાજી" તરીકે સંબોધિત કરવામાં આવવા જોઈએ. રાજપૂત માટે “દાતા” શબ્દ વપરાય છે. અન્ય કથિત નીચી જાતિના ગમે તેટલી તેટલી મોટી ઉંમરની વ્યક્તિએ પણ રાજપૂત બાળકોને અનિચ્છાએ "કુંવર સા" કહીને સંબોધન કરવું પડે છે. જેની સામે એ બાળક તે વડીલને પણ તોછડી ભાષામાં બોલાવે તો પણ વાંધો ઉઠાવી શકાતો નથી. દલિતો અને આદિવાસીઓને સમાજમાં ઉચ્ચ જાતિના લોકોના પ્રથમ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. તેમને તેમની "કથિત હેસિયત" વિશે સતત યાદ અપાવવામાં આવે છે.
શિક્ષણ અને જાગૃતિને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે
જો કે, 2017માં સમતા સંગઠનની સ્થાપના પછી, તેના કાર્યકરોએ ચિત્તોડગઢના કરજાળી, મેવાડા કોલોની, સૂરજપુરા, ભીમનગર, અમરપુરા, ઉમેદપુરા જેવા ગામોમાં કેન્દ્રો ખોલ્યા. દર મહિને સમુદાયના લોકો આ કેન્દ્રો પર ભેગા થાય છે અને લોકોને તેમના બંધારણીય અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે પરિસ્થિતિ સારી એવી બદલાઈ છે અને દલિત-આદિવાસી માતાપિતા તેમના બાળકોના અપમાનજનક નામો રાખવાથી દૂર થવા લાગ્યા છે. એક નાનકડો પ્રયાસ હવે રાજસ્થાનમાં પરિવર્તનનો પવન લઈને આવ્યો છે.
આ પણ વાંચોઃ પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rathod Maheshkumarbahuj saras kary