મારી માં મને કહેતી, "તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો.."

"થંગલાન", "કાલા", "કબાલી", "સરપટ્ટા પરંબરાઈ" જેવી સુપરહિટ ફિલ્મોના નિર્દેશક પા. રંજિથ પોતાની ફિલ્મો, કરિયર, ડો. આંબેડકર અને જાતિવાદ વિશે શું માને છે?

મારી માં મને કહેતી, "તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો.."
image credit - Google images

પા રંજીથ (Pa Ranjith) હાલ તેમની સુપરહિટ ફિલ્મ થંગાલન(Thanglan)ની સફળતાની મજા માણી રહ્યાં છે. આ સિવાય તેઓ તેમની પહેલી બોલીવૂડ ફિલ્મ બિરસા મુંડાને લઈને પણ ચર્ચામાં છે. સૌ કોઈ તેમના કામના વખાણ કરી રહ્યું છે, તો બીજી બાજુ મનુવાદી વિચારસરણીના લોકો એક દલિત ફિલ્મમેકરની આ સફળતા જોઈ અંદરને અંદર બળબળી રહ્યાં છે. તેઓ રંજિથની ફિલ્મોને ઉતારી પાડવાની એક પણ તક છોડતા નથી. તેઓ તેમની ફિલ્મનો કોઈને કોઈ રીતે વિરોધ કરે છે, પણ તેનાથી રંજિથ કે એમની ફિલ્મને તસુભાર પણ ફરક પડતો નથી. આવું ત્યારે જ થઈ શકે જ્યારે દર્શકોને એક ફિલ્મમેકર અને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઈલ પર સંપૂર્ણ ભરોસો હોય.

થંગાલન દ્વારા રંજિથ અનુસૂચિત જાતિ અને દલિતોના સંઘર્ષને કોઈપણ સંકોચ વગર સિનેમાના પડદા પર લાવ્યા છે. તેમણે હંમેશા દલિતોના સંઘર્ષને પોતાની ફિલ્મો દ્વારા સમાજ સમક્ષ રજૂ કર્યો છે. તેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે અને વ્યવસાયિક રીતે સફળ થનાર દેશના પ્રથમ દલિત ફિલ્મ નિર્માતા છે. રંજિથ તેમની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીમાં દલિત પાત્રોને હીરો તરીકે બતાવે છે. તેઓ પોતાની ફિલ્મોમાં મુખ્યત્વે જાતિ આધારિત દમન અને ભેદભાવને ઉજાગર કરવા પ્રયત્ન કરે છે, જેના માટે દેશમાં કાયદાઓ તો છે, તેમ છતાં તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. રણજીતની આંબેડકરવાદી વિચારસરણીએ તેમને હંમેશા તેમની ફિલ્મો થકી "અસ્પૃશ્ય" ગણાતા દલિત સમાજને સશક્ત બનાવવા માટે પ્રેરણા આપી છે.

મારી માં જાતિ વિશે બોલવાની ના પાડતી હતી- પા રંજિથ

વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પા રંજિથે કહ્યું હતું કે, તેમની માં તેમને ઘણીવાર કહેતી હતી કે તે તેની જાતિ જાહેર ન કરે. પરંતુ તેમ છતાં રંજિથે એવા ક્ષેત્રમાં પગ મૂક્યો જેમાં અત્યાર સુધી બહુ ઓછા લોકો પ્રગતિ કરી શક્યા હતા. તેમણે તેમના કામ દ્વારા દલિતોને ઓળખ આપવાનું શરૂ કર્યું, માત્ર થોડા વર્ષોમાં રંજિથે એવી ફિલ્મો બનાવી છે જેમાં દલિતોને સ્પર્શતા મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવામાં આવ્યા છે. તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા, પા રંજીથે દલિત સમાજના લોકોને સિનેમાના પડદે શરાબી, મૂર્ખ, ગુંડા અને ગામડાના ગરીબડાં ગમાર તરીકે જોયા હતા. પરંતુ રણજિતની ફિલ્મોમાં વંચિત સમાજમાંથી આવતા પાત્રો પરિસ્થિતિનો શિકાર, હારેલા અને લાચાર નથી હોતા. તેઓ ગમે તેવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરે છે, લડી લે છે.

ફિલ્મોનો રસ્તો કેવી રીતે પસંદ કર્યો?

રણજીતનો જન્મ 8 ડિસેમ્બર 1982ના રોજ ચેન્નાઈના કરાલાપક્કમ અવડી વિસ્તારના એક રૂમના એક ઘરમાં થયો હતો. આ ફ્લેટ AIADMKના સ્થાપક M.G. રામચંદ્રનની એક સરકારી યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા. રણજીતે એનિમેશનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદ્રાસ ફાઈન આર્ટસ કોલેજમાં એડમિશન લીધું હતું. પરંતુ તેઓ તેમના મોટા ભાઈ પ્રભુથી ખૂબ પ્રભાવિત હતા, જેઓ દલિત સંગઠનો સાથે સંકળાયેલા વકીલ હતા. પ્રભુએ જ રંજિથને આંબેડકરનો પરિચય કરાવ્યો હતો. જ્યારે રંજિથ કોલેજમાં હતા ત્યારે તેઓ એક ફિલ્મ ચેમ્બરમાં જોડાયા હતા, અહીં તેમણે વિશ્વ સિનેમાનો બારીકાઈથી અભ્યાસ કર્યો.

માજિદ મજીદીની ફિલ્મ જોઈને હું બહુ રડ્યો..

રણજીતે ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોલેજમાં સેંકડો ફિલ્મો જોઈ હતી, જેમાં માજિદ મજીદીની ચિલ્ડ્રન ઓફ હેવન (1997) પણ સામેલ છે, જેનું નિર્દેશન ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ મારા જીવનમાં એક મહત્વનો વળાંક હતો. મારી નબળી અંગ્રેજીને કારણે હું ફિલ્મના સબટાઈટલ વાંચી શકતો ન હતો. જો કે, મને સારી રીતે યાદ છે કે એ ફિલ્મ જોયા પછી હું બહુ રડ્યો હતો. આ ફિલ્મમાંથી મને પ્રેરણા મળી અને મેં ફિલ્મમેકરની જેમ વિચારવાનું શરૂ કર્યું.

રંજિથનો પહેલો મોટો બ્રેક

2006માં, રંજીથે ફિલ્મ થાગપંસમી માટે સહાયક દિગ્દર્શક તરીકે તેમની કરિયરની શરૂઆત કરી. તેમને પહેલો બ્રેક ત્યારે મળ્યો જ્યારે તેમના મિત્ર મણિએ તેમને એક ઉત્સાહી નિર્માતા સી.વી. કુમાર પાસે મોકલ્યા. 2012માં સી.વી. કુમાર જેઓ એક ટ્રાવેલ બિઝનેસ ચલાવતા હતા, તેમણે રંજીથની પહેલી ફિલ્મ અટ્ટકથીનું નિર્માણ કર્યું. તેમની ફિલ્મે વધુ લોકપ્રિયતા ત્યારે મેળવી જ્યારે તમિલ સિનેમાના સૌથી મોટા સ્ટુડિયો પૈકીના એક સ્ટુડિયો ગ્રીને મળીને ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશનના રાઈટ્સ મેળવ્યા. સ્ટુડિયો ગ્રીને એ પછી રંજિથની આગામી ફિલ્મ મદ્રાસનું નિર્માણ કર્યું, ત્યારબાદ સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ રંજિથ સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આંબેડકર મારી શક્તિ અને હિંમત છેઃ પા રંજિથ

ધ વાયરને આપેલા ઈન્ટરવ્યુમાં રણજીતે કહ્યું હતું કે, "જ્યારે હું દલિત પાત્રો વિશે લખું છું ત્યારે સૌથી પહેલા હું મારી જાતને આ વાર્તાઓમાં સ્થાન આપું છું અને પૂછું છું કે હું સમાજમાં ક્યાં ઊભો છું? મારા માટે સૌથી મોટા રોલ મોડલ બાબા સાહેબ એટલે કે ડૉ. ભીમરાવ આંબેડકર રહ્યા છે. બાબા સાહેબે ગાંધી અને કોંગ્રેસનો વિરોધ ત્યારે કર્યો જ્યારે તેમને લાગ્યું કે તેઓ (ગાંધી અને કોંગ્રેસ) દલિતોના મુદ્દાઓને મહત્વ નથી આપતા. મેં તેમને પ્રેરણા તરીકે જોયા છે. મને આંબેડકર પાસેથી હિંમત મળે છે.

આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.