મેયર વલ્લભભાઈએ દલિત ચાલીઓમાં 1000 નાવણિયા બનાવડાવ્યા હતા

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું આ વર્ષ છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે તેમણે કરેલી કેટલીક ઉત્કૃષ્ટ કામગીરી વિશે જાણીએ.

મેયર વલ્લભભાઈએ દલિત ચાલીઓમાં 1000 નાવણિયા બનાવડાવ્યા હતા
image credit - Google images

ચંદુ મહેરિયા

સરદાર પટેલ (જન્મ ૩૧.૧૦.૧૮૭૫, અવસાન ૧૫.૧૨.૧૯૫૦) ના જન્મના દોઢસોમા વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.

વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન”  ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્નસમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’

બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જોકે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પધ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર જહોન.એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ ની પાંચમી જાન્યુઆરી કે મે ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી. 

સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તુરત જ  સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં  ઘણું જુદું છે” એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.

૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં  આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી. 

અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો. એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તુરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.

અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કોંગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.

આ પણ વાંચો: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!

જોકે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કોંગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો. જોકે સરદાર તેની તમા રાખ્યા  સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો.

દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘ રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપધ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી. જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો” (પૃષ્ઠ- ૧૬૨)

શહેર સુધરાઈના કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના: મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું. જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા.  જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ. ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું. સામે વિપક્ષ તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો!. 

૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી. સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા. 

અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપધ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.

૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊંચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે - એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિધ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ”  

સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી, અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.

maheriyachandu@gmail.com   

આ પણ વાંચો: સુંદરતા ઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.