ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?

દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજના એસોસિએટ પ્રોફેસર રતનલાલનું નામ બહુજન સમાજ માટે અજાણ્યું નથી. આજે 4 ફેબ્રુઆરી છે, 1956માં આ દિવસે ડૉ. આંબેડકરે પોતાના 'જનતા' સામયિકનું નામ બદલીને 'પ્રબુદ્ધ ભારત' કર્યું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રો. રતનલાલ અહીં મીડિયાના ચરિત્ર વિશે ડૉ. આંબેડકરની દ્રષ્ટિ ઉપરાંત બહુજન સમાજ માટે મીડિયા કેટલું મહત્વનું છે તે વિસ્તારથી સમજાવે છે.

ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?
image credit - Google images

ડૉ. બી.આર. આંબેડકર (14 એપ્રિલ 1891 – 6 ડિસેમ્બર 1956) એક બહુમુખી પ્રતિભાશાળી વિદ્વાન અને એક દૂરદર્શી સંસ્થાન નિર્માતા હતા. તેમના જીવનના એક સાથે અનેક પાસાઓ છે અને અસંખ્ય અર્થઘટનો થઈ શકે છે. પ્રસ્તુત લેખમાં ડો. આંબેડકરના વિચારોના સંદર્ભમાં મીડિયાના ચારિત્ર્યની તપાસ કરવાનો અને મીડિયા પ્રત્યે તેમની દ્રષ્ટિ શું હતી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લેખ લખવા માટેનો બીજો સંદર્ભ એ છે કે ડૉ. આંબેડકર દ્વારા બહાર પાડવામાં આવેલા તેમના સામયિક 'જનતા'નું નામ બદલીને તેમણે 'પ્રબુદ્ધ ભારત' કર્યું હતું. એ દિવસ હતો 4 ફેબ્રુઆરી 1956.


ડૉ. આંબેડકરના સમયમાં છાપાં એટલે કે અખબારો, સામયિકો અને રેડિયો જનસંચારનું મુખ્ય માધ્યમ હતા. ત્યારે પણ મીડિયા પર બ્રાહ્મણો અને કથિત ઉચ્ચ જાતિઓનું પરંપરાગત વર્ચસ્વ હતું. તેથી, ડૉ. આંબેડકર શરૂઆતથી જ સમજી ગયા હતા કે તેઓ જે લડાઈ લડી રહ્યા છે તેમાં મુખ્ય પ્રવાહના માધ્યમો તેમના માટે ઉપયોગી સાબિત થશે નહીં, બલ્કે તેમને ત્યાંથી પ્રતિકારનો જ સામનો કરવો પડશે. તે અકારણ નથી કે ડો. આંબેડકરને તેમના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે ઘણાં સમાચારપત્રો પ્રકાશિત કરવા પડ્યાં હતાં, જેનાં નામ છે – મૂકનાયક (1920), બહિષ્કૃત ભારત (1924), સમતા (1928), જનતા (1930), આમ્હી શાસનકર્તી જમાત બનણાર (1940) અને પ્રબુદ્ધ ભારત (1956). તેમણે સંપાદક, લેખક અને સલાહકાર તરીકે કામ કરવાની સાથે આ પ્રકાશકોનું માર્ગદર્શન પણ કર્યું હતું.


ડો. આંબેડકરે પોતાના સામાજિક-રાજકીય આંદોલનને મીડિયાના માધ્યમથી પણ ચલાવ્યા અને અસ્પૃશ્યોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. ‘મૂકનાયક’ ડો. આંબેડકર દ્વારા સ્થાપિત પહેલી પત્રિકા હતી. તે દિવસોમાં બાળ ગંગાધર તિલક ‘કેસરી’ નામનું અખબાર બહાર પાડતા હતા. કેસરીમાં ‘મૂકનાયક’ની જાહેરાત સંપૂર્ણ એડવર્ટાઈઝ ફી સાથે છાપવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તિલકે તેને છાપવાનો ઇનકાર કર્યો હતો.


‘મૂકનાયક’ના એડિટર પી.એન. ભાટકર હતા, જેઓ મહાર જાતિના હતા. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. મૂકનાયકના પ્રથમ 13 સંપાદકીય લેખો ડૉ. આંબેડકરે લખ્યા હતા. પ્રથમ લેખમાં, આંબેડકરે હિંદુ સમાજને એક બહુમાળી ઈમારત તરીકે વર્ણવ્યું હતું, જેમાં એક માળેથી બીજા માળે જવા માટે ન તો સીડી છે કે ન તો પ્રવેશદ્વાર છે. દરેક વ્યક્તિએ એ જ માળમાં જીવવાનું અને મરવાનું છે, જેમાં તેઓ જન્મ્યા છે.


મીડિયા પ્રત્યે ડૉ. આંબેડકરનો દ્રષ્ટિકોણ
18 જાન્યુઆરી 1943ના રોજ ગોખલે મેમોરિયલ હોલ, પૂના ખાતે મહાદેવ ગોવિંદ રાનડેની 101મી જન્મજયંતિની ઉજવણીમાં ડો. આંબેડકરે 'રાનડે, ગાંધી અને જિન્ના' શીર્ષક હેઠળ આપેલું વક્તવ્ય મીડિયાના ચરિત્ર વિશેની તેમની દ્રષ્ટિને સમજવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસના અખબારો દ્વારા મારી ટીકા કરવામાં આવે છે. હું કોંગ્રેસના અખબારોને સારી રીતે જાણું છું. હું તેમની ટીકાને કોઈ મહત્વ આપતો નથી. તેમણે ક્યારેય મારી દલીલોનું ખંડન કર્યું નથી. તેઓ મારા દરેક કાર્યની ટીકા, ભર્ત્સના અને નિંદા કરવાનું જાણે છે. તેઓ મારી દરેક વાતની ખોટી માહિતી આપે છે, તેને ખોટી રીતે રજૂ કરે છે અને ખોટું અર્થઘટન કરે છે. કૉંગ્રેસીપત્રો મારા કોઈપણ કામથી ખુશ નથી થતા. જો હું એમ કહું કે મારા પ્રત્યે કૉંગ્રેસીપત્રોનો આ દ્વેષ અને વેરભાવ અછૂતો પ્રત્યે હિંદુઓની નફરતની અભિવ્યક્તિ છે તો તે અયોગ્ય નહીં હોય.’


આજે જે રીતે મીડિયાના વિવિધ માધ્યમો વ્યક્તિ પૂજા અને સરકારની ટીકાને રાષ્ટ્રની ટીકા તરીકે સાબિત કરવામાં લાગેલા છે અથવા રાજકીય પક્ષોના પ્રવક્તાની જેમ કામ કરી રહ્યાં છે, તેને જોતા ડૉ. આંબેડકરના વિચારો આજે પણ પ્રાસંગિક છે. જો આજે ડો. આંબેડકર હયાત હોત તો અંદાજ લગાવી શકાય છે કે તેમના નિશાન પર કઈ વિચારધારા અને પાર્ટી તથા નેતા હોત.


અસ્પૃશ્યો પ્રત્યે મીડિયાનું વલણ
અસ્પૃશ્યોના જીવન અને આંદોલનમાં પ્રેસની ભૂમિકા અને મર્યાદાઓ પર પ્રકાશ પાડતા ડૉ. આંબેડકરે લખ્યું હતું, “ભારત બહારના લોકો માને છે કે કોંગ્રેસ એકમાત્ર એવી સંસ્થા છે જે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, અને અસ્પૃશ્યોનું પણ. આનું કારણ એ છે કે અસ્પૃશ્યોની પાસે પોતાનું કોઈ સાધન નથી જેના દ્વારા તેઓ કોંગ્રેસ સામે પોતાનો દાવો રજૂ કરી શકે. અસ્પૃશ્યોની આ નબળાઈના બીજા પણ ઘણાં કારણો છે. અસ્પૃશ્યોનું પોતાનું કોઈ મીડિયા નથી. કોંગ્રેસના પ્રેસ તેમના માટે બંધ છે. તેણે અસ્પૃશ્યોને સહેજ પણ પ્રસિદ્ધિ ન આપવાના સમ ખાધા છે. અસ્પૃશ્યો પોતાનું મીડિયા સ્થાપી શકતા નથી. તે સ્પષ્ટ છે કે કોઈપણ મીડિયા જાહેરાતના પૈસા વિના ચાલી શકે નહીં. જાહેરાતના પૈસા માત્ર વ્યવસાયિક જાહેરાતોમાંથી આવે છે. ધંધાર્થી નાનો હોય કે મોટો, એ બધાં કૉંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગેરકૉંગ્રેસી સંસ્થાની તરફેણ કરી શકતા નથી. ભારતની સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ ઓફ ઈન્ડિયાનો સ્ટાફ સંપૂર્ણ રીતે મદ્રાસી બ્રાહ્મણોથી ભરેલો છે. વાસ્તવમાં, ભારતનું આખું પ્રેસ તેમની મુઠ્ઠીમાં છે અને તે સંપૂર્ણપણે કૉંગ્રેસના પીઠ્ઠુ છે, જેઓ કૉંગ્રેસ વિરુદ્ધ કોઈ સમાચાર પ્રકાશિત કરી શકતા નથી.”


આ સંદર્ભમાં, મીડિયા સ્ટડીઝ ગ્રુપ દ્વારા મીડિયામાં દલિતો/આદિવાસીઓ/પછાત લોકોની ભાગીદારીના સંદર્ભમાં મીડિયાકર્મીઓની સામાજિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ પ્રાસંગિક છે. 2006માં કરવામાં આવેલું આ સંશોધન જણાવે છે કે 21મી સદીમાં પણ ભારતીય મીડિયાનું સામાજિક ચરિત્ર બદલાયું નથી અને અહીં જ્ઞાતિનું વર્ચસ્વ હજુ પણ કામ કરી રહ્યું છે.


લોકશાહીમાં મીડિયાની ભૂમિકા અને ડૉ. આંબેડકર
ઓલ ઈન્ડિયા શિડ્યૂલ કાસ્ટ ફેડરેશને જાન્યુઆરી 1945માં તેનું સાપ્તાહિક મુખપત્ર 'પીપલ્સ હેરાલ્ડ' શરૂ કર્યું. આ પત્રનો મુખ્ય ઉદ્દેશ્ય અસ્પૃશ્યોની આકાંક્ષાઓ, માંગણીઓ અને ફરિયાદોને અવાજ આપવાનો હતો. આ સમાચારપત્રના ઉદ્ઘાટનકર્તા તરીકે ડૉ. આંબેડકરે કહ્યું, “આધુનિક લોકશાહી વ્યવસ્થામાં સારી સરકાર માટે સમાચારપત્ર મૂળ આધાર છે. એટલે ભારતની અનુસૂચિત જાતિઓની આ અજોડ દુર્ભાગ્યપૂર્ણ દુર્દશાનો અંત લાવવામાં ત્યાં સુધી સફળતા નહીં મળી શકે, જ્યાં સુધી 8 કરોડ અસ્પૃશ્યોને રાજકીય રીતે શિક્ષીત કરવામાં ન આવે. જો વિવિધ વિધાનસભાઓના ધારાસભ્યોના વ્યવહારનું રિપોર્ટિંગ કરીને સમાચારપત્રો લોકોને કહે કે ધારાસભ્યોને પૂછો આવું કેમ છે, કેવી રીતે થયું, ત્યારે મારા મનમાં કોઈ શંકા નથી કે ધારાસભ્યોના વર્તનમાં મોટો ફેરફાર આવી શકે છે. આ રીતે વર્તમાન દુર્વ્યવસ્થા, જેનો ભોગ આપણા સમાજના લોકો છે તેને રોકી શકાય છે. માટે હું આ અખબારને એક એવા માધ્યમ તરીકે જોઈ રહ્યો છું જે તે લોકોનું શુદ્ધિકરણ કરી શકે છે જેઓ તેમની રાજકીય કારકિર્દીમાં ખોટી દિશામાં ગયા છે.”


1937ની વિધાનસભાની ચૂંટણીમાં મરાઠી અખબારોની ભૂમિકાને ટાંકીને આંબેડકરે સૂચવ્યું હતું કે, “અખબારો ન માત્ર મતદારોને તાલીમ આપે છે પરંતુ એ પણ સુનિશ્ચિત કરે છે કે જેને તેમણે પોતાના મત આપીને ચૂંટ્યા છે તેઓ તેમની પડખે ઊભા રહે, તેઓ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી રહ્યા છે અને કોઈની સાથે ગેરવર્તન નથી કરતા. તેમણે આગળ કહ્યું, “મેં 16 વર્ષ સુધી બોમ્બેમાં એક સાપ્તાહિકનું સંપાદન કર્યું. તેણે જે પ્રભાવ ઉભો કર્યો તેની અસર બૉમ્બે વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ, જેમાં મેં તમામ સમાજના લોકોના મતો મેળવીને કૉંગ્રેસના મારા પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા.”

દેખીતી રીતે, ડૉ. આંબેડકરે લોકશાહીના પ્રહરી તરીકે અને લોકોની રાજકીય તાલીમમાં અખબારોની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી.

ડૉ. આંબેડકરના સમયથી લઈને અત્યાર સુધીમાં મીડિયા જગતમાં ઘણું બદલાઈ ચૂક્યું છે. પરંતુ, ઘણું બધું યથાવત પણ છે. દલિતો માટે મુખ્યધારાના મીડિયાના દરવાજા આજે પણ મોટાભાગે બંધ છે. આંબેડકર પછીના સમયગાળા દરમિયાન માન્યવર કાંશીરામે તેમની ચળવળને આગળ વધારવા ઘણાં સમાચારપત્રો પ્રકાશિત કર્યા. આજે, વ્યક્તિગત પ્રયાસોથી કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ છૂટાછવાયા અખબારો અને સામયિકો પ્રકાશિત કરી રહી છે. વ્યક્તિગત પ્રયત્નો દ્વારા અસંખ્ય સોશિયલ મીડિયા પેજ, X પેજ, ફેસબૂક ગ્રુપ, યુટ્યુબ ચેનલ, વિડિયો બ્લોગ અને બ્લોગ ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ એવું કેમ છે કે સેંકડો દલિત કરોડપતિઓ, DICCI અને BAMCEF જેવી સંસ્થાઓ, સેંકડો ધારાસભ્યો/સાંસદો/મંત્રીઓ, ડઝનબંધ શક્તિશાળી રાષ્ટ્રીય નેતાઓ, હજારો સરકારી નોકરીયાતો હોવા છતાં આજે પણ મુખ્યધારામાં એવી કોઈ હિન્દી-અંગ્રેજી ટીવી ચેનલ કે સમાચારપત્ર નથી, જે દલિતો અને પછાતો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરી શકે, તેમની વિશ્વ દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરી શકે? આ દલિત નેતૃત્વ અને નવા ઉભરેલા મધ્યમ વર્ગની બૌદ્ધિક મર્યાદાઓને પણ દર્શાવે છે.


(લેખક હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર, વિચારક, યુટ્યુબર, લેખક, સંશોધક છે.)

આ પણ વાંચોઃ આંબેડકર તમે આવા ય હતા?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.