ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ

બાબુ જગજીવન રામ ત્રણ વખત વડાપ્રધાન પદની સાવ નજીક આવી ગયા હતા. એકવાર તો જનસંઘ પણ તેમના સમર્થનમાં હતો, પણ...

ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ
image credit - Google images

ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી પ્રાઈમ મિનિસ્ટર નહીં હો સકતા હૈ...(બાબુ જગજીવન રામ, 1979)

યે દેશ કો પહલા દલિત પ્રધાનમંત્રી દેને કા મૌકા હૈ...(અરવિંદ કેજરીવાલ, 2023)

આ બંને નિવેદનો વચ્ચે 44 વર્ષ વીતી ગયા. એ દરમિયાન માન્યવર કાંશીરામ આવ્યા. તેમના શિષ્યા માયાવતી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. દેશને દલિત રાષ્ટ્રપતિ, દલિત લોકસભા અધ્યક્ષ, દલિત CJI (ભારતના મુખ્ય ન્યાયાધીશ) મળ્યા. પરંતુ દલિત વડાપ્રધાન ન મળ્યા. હવે દેશ વધુ એક સામાન્ય ચૂંટણીના આરે આવીને ઉભો છે ત્યારે ફરી એકવાર દેશને દલિત વડાપ્રધાન ક્યારે મળશે તે સવાલ ચર્ચામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના અનેક નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો વડાપ્રધાન કોણ હશે. વિપક્ષી ભારતીય ગઠબંધનમાં મલ્લિકાર્જુન ખડગેને લઈને કેટલીક વાતો થઈ છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું. જે થશે તે ભાવિના ગર્ભમાં છે. પરંતુ આ સવાલનું વજન તો એની જગ્યાએ છે જ કે, આજ સુધી એક પણ દલિત નેતા વડાપ્રધાન કેમ બની શક્યો નથી. અહીં તેની ભીતરમાં જવા પ્રયત્ન કરીએ.

એવું ઓછામાં ઓછું ત્રણ વખત બન્યું હતું કે એક દલિત નેતા વડાપ્રધાન બનવાની સાવ નજીક પહોંચી ગયા હતા. પરંતુ તેમના પોતાના જ સાથીઓએ એવી રમત રમી કે તે થઈ ન શક્યું. ત્રણેય વખત એક જ નેતા નિરાશ થયા હતા અને એ હતા બાબુ જગજીવન રામ.

વર્ષ 1975, 1977 અને 1979 – ત્રણ વાર જગજીવન રામનું નામ પીએમ પદ માટે ચાલી રહ્યું હતું. પણ તેમના હાથ લાગ્યો ભીતરના આઘાતમાંથી જન્મેલો ક્ષોભ અને હતાશા. કંટાળીને તેમણે 1979માં ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “ईस कमबख्त मुल्क में चमार कभी प्राईम-मिनिस्टर नहीं हो सकता है.”

જગજીવન રામ સ્વાતંત્ર્યસેનાની હતા. બંધારણ સભાનો હિસ્સો પણ રહ્યા હતા. તેમની ગણતરી કોંગ્રેસના ટોચના નેતાઓમાં થતી હતી. 1971માં જ્યારે દેશે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ દેશના સંરક્ષણ મંત્રી હતા. આગળ જતા તેઓ નાયબ વડાપ્રધાન બન્યા. પણ તેઓ વડાપ્રધાન ન બની શક્યા. શું તેમની દલિત જાતિ નડી ગઈ હતી? આખરે શા માટે તેઓ દેશના વડાપ્રધાન ન બની શક્યા એ પ્રશ્નના કેટલાક જવાબો તેમની જીવનયાત્રામાંથી મળે છે.

બિહારના પ્રથમ દલિત સ્નાતક

બાબુ જગજીવન રામનો જન્મ 5 એપ્રિલ 1908ના રોજ બિહારના ચંદવા ગામના એક દલિત પરિવારમાં થયો હતો. તે સમયે આ ગામ બિહારના આરા જિલ્લામાં હતું. તેમણે આરાની સરકારી નિશાળમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને બી.એસસી. કરવા કલકત્તા જતા રહ્યા. વર્ષ 1931માં ડિગ્રી મેળવી. આ ડિગ્રી માત્ર જગજીવન રામની જ નહીં પરંતુ સમગ્ર બિહારની સિદ્ધિ હતી. કારણ કે તેમના પહેલા બિહારમાં કોઈ દલિતે જાતિના યુવકે આટલું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું નહોતું કે કૉલેજનો અભ્યાસ કર્યો નહોતો.

જગજીવન રામ 1931માં કોંગ્રેસમાં જોડાયા. બિહારમાં વર્ષ 1934માં ભૂકંપ આવ્યો હતો. આ રાહત-બચાવ કાર્યક્રમ દરમિયાન જ તેઓ પ્રથમ વખત ગાંધીજીને મળ્યા હતા. અહીંથી તેઓ ધીરે ધીરે પાર્ટીની અંદર અને બહાર બંને તરફ મોટા થતા ગયા.

વર્ષ 1936માં વચગાળાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં જગજીવન રામ પણ જીત્યા. તે સમયે બિહારમાં મોહમ્મદ યુનુસની કઠપૂતળી સરકાર બની હતી. કઠપૂતળી એટલા માટે કારણ કે ચૂંટણી ભારતીયોએ લડી હતી પરંતુ સત્તાની ચાવી અંગ્રેજો પાસે હતી. જગજીવન રામને સરકારમાં જોડાવાની ઓફર મળી. પરંતુ તેણે નકારી કાઢી. તેમણે ક્યારેય કોંગ્રેસની લાઈન ન છોડી. જ્યારે આઝાદી મળી ત્યારે જગજીવન રામ બંધારણ સભાના સભ્ય હતા. ઔપચારિક ચૂંટણીઓ પછી, જગજીવન રામ નેહરુ સરકાર દ્વારા રચાયેલા તમામ મંત્રીમંડળમાં સ્થાન મેળવતા રહ્યા.

આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

હંમેશા સૌથી મુશ્કેલ કામ મળ્યું

જગજીવન રામ જે મંત્રાલયમાં જોડાયા તેનો સૌથી નાજુક તબક્કો તેમના જ ભાગે આવ્યો હતો. 1967માં જ્યારે તેઓ કૃષિ મંત્રી બન્યા ત્યારે તે જ વર્ષે દુકાળ પડ્યો હતો. માત્ર બે વર્ષ પહેલા પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઘઉંના સપ્લાય પર શરત મૂકી હતી. આવી પરિસ્થિતિથી બચવા માટે હરિયાળી ક્રાંતિનો વિચાર આવ્યો. અને અમલીકરણનું કામ જગજીવન રામને મળ્યું. 

જગજીવન રામનું આગળનું અસાઈનમેન્ટ તેનાથી વધુ મુશ્કેલ હતું. 1970માં તેઓ સંરક્ષણ મંત્રી બન્યા અને તે દિવસોમાં પૂર્વ પાકિસ્તાનમાં કટોકટી સર્જાઈ. 1971માં એક નવા દેશનો જન્મ થયો - બાંગ્લાદેશ. પરંતુ આનો મોટાભાગનો શ્રેય ઈન્દિરા ગાંધી અને આર્મી ચીફ જનરલ સેમ માણેકશા વચ્ચે વહેંચાઈ ગયો.

1975ની ઈમરજન્સી

12 જૂન 1975. અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીમાં ઘાલમેલના કારણે ઈન્દિરાનું સંસદ સભ્યપદ રદ કરી દીધું. મતલબ કે હવે ઈન્દિરા વડાપ્રધાન પદ પર રહી શકે તેમ નહોતા. જગજીવનરામ જૂના કોંગ્રેસી હતા. તેથી આશા હતી કે ઇન્દિરા તેમને સત્તાની ચાવીઓ સોંપશે. પણ એવું થયું નહીં. ઈન્દિરા ગાંધીએ તેમના ખાસ ગણાતા બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રે અને દીકરા સંજય ગાંધીની વાત સાંભળીને 25 જૂન 1975ના રોજ દેશભરમાં ઈમર્જન્સી લગાવી દીધી અને તેના પ્રસ્તાવક હતા બાબુ જગજીવનરામ. જો કે એ પછી તેમનું મન કોંગ્રેસમાં લાગ્યું નહીં.

વર્ષ 1977ની વાત છે. ઈન્દિરાએ જાન્યુઆરીમાં કટોકટી પાછી ખેંચી લીધી હતી. ચૂંટણી થવાની હતી. રામવિલાસ પાસવાનના યુગ પહેલા જગજીવન રામ રાજકારણના હવામાનશાસ્ત્રી હતા. તેઓ સમજી ગયા કે પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે. 5 ફેબ્રુઆરી 1977ના રોજ, બાબુજીએ વધુ પાંચ કેબિનેટ મંત્રીઓ સાથે કોંગ્રેસથી અલગ થઈને એક નવો પક્ષ બનાવ્યો - કોંગ્રેસ ફોર ડેમોક્રસી (CFD).

1977ની ચૂંટણી પહેલા જગજીવન રામનું કોંગ્રેસથી અલગ થવું એ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી માટે મોટો ઝટકો હતો. એમાં પણ જ્યારે જગજીવન રામે રામલીલા મેદાનમાં યોજાનારી વિરોધ પક્ષોની વિશાળ જાહેર સભામાં હાજરી આપવાનું નક્કી કર્યું, ત્યારે તેને ફ્લોપ કરવા માટે, એ વખતે જાહેર પ્રસારણના એકમાત્ર માધ્યમ એવા દૂરદર્શને તે દિવસે ટેલિવિઝન પર 'બોબી' ફિલ્મ બતાવી જેથી લોકો પોતાના ઘરની બહાર ન જાય. પરંતુ લોકો બહાર આવ્યા અને ઐતિહાસિક સભા થઈ. બીજા દિવસની હેડલાઇન હતી, ‘બાબુ બીટ્સ બોબી’

આ પણ વાંચોઃ વિસરાનાઈ – એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ

(ઈન્ડિયા ટુડેને બાબુ જગજીવન રામે આપેલા ઈન્ટરવ્યૂનો અંશ)

આઝાદી પછી 1977માં પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર રચાઈ હતી. ઈન્દિરા રાયબરેલીથી અને સંજય ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા. કોંગ્રેસને 542માંથી 154 બેઠકો મળી હતી. જ્યારે ભારતીય લોકદળને 295 બેઠકો મળી હતી. હવે સવાલ એ પેદા થયો કે PM કોણ બનશે? સ્વાભાવિક છે કે જગજીવન રામ પણ ખુરશી પર બેસવા માંગતા હતા. તેમની પાર્ટી જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી. અને બે વર્ષના ગાળામાં તેઓ બીજી વખત પીએમ બનવાનું વિચારી રહ્યા હતા. 

વાજપેયીએ ખોળામાં માથું રાખીને માફી માંગી  

જગજીવન રામ ઉપરાંત, 1977માં વડાપ્રધાન પદ માટે અન્ય બે દાવેદાર હતા - મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણ સિંહ. જગજીવન રામે વાંધો ઉઠાવ્યો હતો કે જે પક્ષના સૌથી વધુ સાંસદો ઉત્તર ભારતમાંથી આવતા હોય તે પક્ષનું નેતૃત્વ કોઈ ગુજરાતી કેવી રીતે કરી શકે? ત્યારે જનસંઘ પણ જગજીવન રામ પીએમ બને તેવું ઈચ્છતો હતો. પણ પછી તે પીછેહઠ કરી ગયો. મોરારજીને ગુજરાતી તરીકે દર્શાવવાની યુક્તિ પણ કામમાં આવી નહીં. છઠ્ઠી લોકસભાના નેતા તરીકે મોરારજી દેસાઈ જ ચૂંટાયા.

તે દિવસે જગજીવન રામના ઘરે હાહાકાર મચી ગયો. તેમના સમર્થકો ગુસ્સામાં જનતા પાર્ટીના ઝંડાને કચડી રહ્યા હતા. જગજીવન રામ એટલા ગુસ્સામાં હતા કે તેઓ દરેક રૂમના ફર્નિચરને લાત મારીને રાડો પાડી રહ્યા હતા, “દગો, દગો...”

જનસંઘના કેટલાક નેતાઓ જગજીવન રામને શાંત કરવા આવ્યા. શાંતિ ભૂષણ પણ તેમની સાથે હતા. જગજીવન રામને જ્યારે મામલો સમજાયો ત્યારે તેઓ જોરથી તેમના પર ચિલ્લાયા. વાજપેયી રડવા લાગ્યા અને જગજીવન રામના ખોળામાં માથું મૂકીને તેમની માફી માંગવા લાગ્યા, પરંતુ જગજીવન રામ તેનાથી શાંત ન થયા. શાંતિ ભૂષણે પાછળથી તેમના પુસ્તક "કોર્ટિંગ ડેસ્ટિની" માં લખ્યું, 

“તેઓ વિચારી રહ્યા હતા અને તે કદાચ સાચું પણ હતું કે તેમના સમર્થકોએ છેલ્લી ઘડીએ તેમનો સાથ છોડી દીધો હતો. ખરેખર, ચૂંટણીના પરિણામો બાદ કોને નેતા બનાવવો તે અંગે ભારે મૂંઝવણ હતી. જનસંઘે જગજીવન રામને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું. તેમનું માનવું હતું કે જો જગજીવન રામને નેતા બનાવવામાં આવે તો પાર્ટી પાંચ વર્ષ સુધી ચલાવી શકાશે. પરંતુ જગજીવન રામનું એક નબળું પાસું એ હતું કે તેમણે સંસદમાં ઈમરજન્સી ઠરાવની તરફેણમાં ભાષણ આપ્યું હતું."

એ જમાનાની બિન-કોંગ્રેસી રાજનીતિની ઊંડી સમજ ધરાવતા રામ બહાદુર રાયનું એક નિવેદન બીબીસીના અહેવાલમાં પ્રકાશિત થયું છે. તેઓ કહે છે, "બીજી તરફ, અન્ય લોકો ચરણ સિંહને સ્વીકારવા તૈયાર ન હતા. જ્યારે લોકોએ જોયું કે મામલો બની નથી રહ્યો, ત્યારે જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીને વિનંતી કરવામાં આવી હતી કે તમે જે પણ નામ જાહેર કરશો તે અમે બધાં સ્વીકારીશું."

આ પણ વાંચોઃ રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?

(ડાબેથીઃ અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર, બાબુ જગજીવન રામ અને મોરારજી દેસાઈ)

રાયના જણાવ્યા મુજબ,"પડદા પાછળની પ્રવૃત્તિઓ પણ તીવ્ર બની અને જેપીની સલાહ પર, જનસંઘે પણ જગજીવન રામને ટેકો આપવાને બદલે મોરારજી દેસાઈને ટેકો આપવાનું નક્કી કર્યું. ઈન્ડિયન એક્સપ્રેસના માલિક રામનાથ ગોએન્કાની પણ આ પાછળ ભૂમિકા હતી."

જયપ્રકાશ નારાયણને રડવું આવી ગયું

મોરારજી દેસાઈ પીએમ બન્યા ત્યારે જગજીવન રામ એટલા ગુસ્સામાં હતા કે તેમણે તેમની કેબિનેટમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો અને શપથવિધિ સમારોહમાં પણ હાજરી આપી નહોતી. આ પછી જેપીએ ફરી એકવાર દરમિયાનગીરી કરવી પડી હતી. તેઓ જગજીવન રામને મળ્યાં. તેમને કેબિનેટમાં સામેલ થવા માટે ખૂબ જ ભાવનાત્મક વિનંતી કરી. આ વાતચીત એટલી લાગણી સાથે થઈ કે એક સમયે જયપ્રકાશ લગભગ રડી પડ્યા. જગજીવન સામે હાથ જોડવાનું જ બાકી હતું. પણ એ પહેલાં જ જગજીવન રામનું હૃદય પીગળી ગયું. એ પછી તેઓ કેબિનેટમાં સામેલ થયા. તેમને રક્ષા મંત્રાલય અને ચૌધરી ચરણ સિંહને નાયબ વડાપ્રધાન પદ પણ મળ્યું.

આ પણ વાંચોઃ મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!

(જગજીવન રામનો રડતો ફોટો. Image credit - india today)

જગજીવન રામે 1977ની ચૂંટણીનો માહોલ પલટી નાખ્યો હતો જેણે ઇન્દિરાને સત્તા પરથી હટાવી દીધા હતા. ઈન્દિરાએ આ વિદ્રોહને ક્યારેય માફ કર્યો નહોતો. જગજીવન રામની રાજકીય મૂડીને સમેટવામાં સૌથી મોટો ફાળો ઈન્દિરાની નાની વહુ મેનકા ગાંધીએ આપ્યો હતો. 'સૂર્યા' મેગેઝિનમાં કેટલાક એવા ફોટોગ્રાફ્સ પ્રકાશિત થયા હતા જેમાં જગજીવનના પુત્ર સુરેશ રામ અને એક મહિલા નગ્ન જોવા મળી હતી. આ કૌભાંડે જગજીવન રામની રાજકીય કારકિર્દી લગભગ બરબાદ કરી નાખી.

ના એટલે ના 

જ્યારે ઈન્દિરા ગાંધીએ 1979માં ચૌધરી ચરણ સિંહની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. તો જગજીવન રામને ફરી આશા જાગી. ત્રણ દાવેદારોમાંથી બે - મોરારજી અને ચૌધરી ચરણ સિંહ- વડાપ્રધાન બની ચૂક્યા હતા. જગજીવન રામના હિસાબ પ્રમાણે, હવે તેમનો વારો હતો. પરંતુ તેમના ભાગમાં આવી ગયો અમજદ ઈસ્લામ અસલમનો એક શેર,

વો તિરે નસીબ કી બારિશેં કિસી ઔર છત પે બરસ ગઈ
દિલ-એ-બેખર મિરી બાત સુન ઉસે ભૂલ જા ઉસે ભૂલ જા

આંસુ સાથેની જગજીવન રામની આ તસવીર પાછળ ચૌધરી ચરણ સિંહ અને નીલમ સંજીવ રેડ્ડી આ બંનેનું રાજકારણ જવાબદાર છે. ચરણ સિંહ એવી રીતે કે, જગજીવન રામના સમર્થનમાં પૂરતી સંખ્યામાં સાંસદો હોવાની જાણ હોવા છતાં તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને લોકસભા ભંગ કરવાની ભલામણ કરી દીધી. અને નીલમ સંજીવ રેડ્ડીએ ચરણ સિંહના રાજીનામા બાદ સરકાર બનાવવા માટે જગજીવન રામને આમંત્રણ જ ન આપ્યું. 

વાસ્તવમાં જનતા સરકાર અનેક ઘટક પક્ષોની બનેલી હતી. તેથી સમય સાથે વિખવાદ વધે તે સ્વાભાવિક હતું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં જોડાયેલા ઘણા સાંસદો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ સભ્ય હતા. જનતા પાર્ટીના કેટલાક સભ્યોને આની સામે વાંધો હતો. થોડા જ મહિનામાં જનતા સરકાર એક અસહજ ગઠબંધન બની ગઈ જેનું કોઈ ભવિષ્ય નહોતું. છેવટે ચરણસિંહે સંસદ ભંગ કરી. અને છેલ્લી તક પણ જગજીવન રામના હાથમાંથી જતી રહી.

જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર અને જગજીવન રામ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને મળવા પહોંચ્યા હતા. સરકાર પડી જશે તેની તેમને કલ્પના પણ નહોતી. જગજીવન રામ રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવ્યા કે તરત જ તેમને સમાચાર મળ્યા કે ચરણ સિંહે રાજીનામું આપી દીધું છે. બાબુજી બહુ દુઃખી થયા. તેમની છેલ્લી આશા રાષ્ટ્રપતિ પાસેથી હતી કે તેઓ તેમને સરકાર રચવા માટે આમંત્રણ આપે, પરંતુ તેમ પણ ન થયું. જગજીવન રામે કહ્યું કે રેડ્ડી બદલો લઈ રહ્યા છે કારણ કે દસ વર્ષ પહેલા તેમણે તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?

(જગજીવન રામ વડાપ્રધાન ન બની શક્યા પણ તેમની દીકરી મીરા કુમાર લોકસભાની સ્પીકર બની શક્યા.)

પોતે પીએમ ન બન્યાં પણ દીકરી સ્પીકર બની

જગજીવન રામ પીએમ ન બની શક્યા. સેન્ડલને કારણે પુત્ર સુરેશ રામની કારકિર્દી પર અસર પડી. પરંતુ બાબુજીના પુત્રી મીરા કુમાર 2009 થી 2014 સુધી લોકસભાના સ્પીકર રહ્યાં. તેમણે 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી, પરંતુ રામનાથ કોવિંદ સામે હારી ગયા હતા. ભાજપે છેલ્લી બે ચૂંટણીમાં બાબુ જગજીવન રામનો ગઢ ગણાતી બિહારની સાસારામ લોકસભા બેઠક પર પણ કબ્જો જમાવી દીધો છે. જો કે આજે પણ તેમના કેટલાક એવા સમર્થકો છે, જેઓ રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તે જગજીવન રામ વિશે જે લખ્યું હતું તે તેમની જન્મજયંતિ કે પુણ્યતિથિ પર ફેસબુક સ્ટેટસમાં લખવાનું ભૂલતા નથી. રાષ્ટ્રકવિએ લખ્યું હતું,

તુલ ન સકે ધરતી ધન ધામ, ધન્ય તુમ્હારા પાવન નામ
લેકર તુમ સા લક્ષ્ય લલામ, સફલ કામ જગજીવન રામ.

(મૂળ લેખ ધ લલ્લનટોપમાં પ્રકાશિત થયો હતો.)

આ પણ વાંચો: ટુ કિલ અ ટાઈગર- એક હચમચાવી નાખતી ડોક્યુમેન્ટરી ફિલ્મ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.