આપણો જ્ઞાતિસમાજ બદલાઈ રહ્યો છે, સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?

ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે?

આપણો જ્ઞાતિસમાજ બદલાઈ રહ્યો છે, સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?
image credit - Google images

ચંદુ મહેરિયા

સાર્થ ગુજરાતી જોડણીકોશ (૧૯૨૯)માં ‘સંસારસુધારો’ શબ્દનો અર્થ સામાજિક અને કૌટુંબિક બાબતોમાં સુધારો’ અને ‘સુધારક’ એટલે ‘સુધારનારું, સુધારો કરનારું, રિફોર્મર’  એમ જણાવ્યો છે. ભગવદગોમંડળ (૧૯૪૪-૧૯૫૫)માં ‘સમાજસુધારા’ નો અર્થ ‘જનસમુદાયના કલ્યાણ માટે સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવો તે’ અને  ‘સમાજસુધારક’ નો અર્થ ‘સમાજમાં સુધારો કરનાર’ દર્શાવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પી.જી. દેશપાંડેની અંગ્રેજી ડિક્ષનેરી (૧૯૭૦)માં Reformation શબ્દનો અર્થ ‘ રાજકીય, ધાર્મિક કે સામાજિક બાબતોમાં દૂરગામી સુધારો’  છે. 

આપણા દેશ અને રાજ્યમાં સમાજિક સુધારણાની ચળવળનો દીર્ઘ ઈતિહાસ છે. આઝાદીના આંદોલન સમયે કોંગ્રેસના અધિવેશનોના મંડપમાં જ,  અધિવેશન પછી સમાજ સુધારણા પરિષદો મળતી હતી. ગાંધી, નહેરુ, સરદાર અને બીજા અગ્રણી નેતાઓ તેમાં ભાગ લેતા હતા. એટલે રાજકીય-સામાજિક કાર્યો સાથે ચાલતા હતા. તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે ત્યારે સમાજ સુધારણામાં બાળલગ્ન પર પ્રતિબંધ, કન્યા કેળવણી, સતીપ્રથાની નાબૂદી, વિધવાવિવાહ જેવી બાબતોને પ્રાધાન્ય મળતું હતું. પછી તેમાં સમાનતા અને આભડછેટ નિવારણ જેવા મુદ્દા પણ ઉમેરાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ રાજકીય પક્ષોએ સમાજ સુધારણા ક્ષેત્રેથી હાથ ખેસવી લીધો. હવે તેનું સ્થાન વિવિધ જ્ઞાતિ સમાજોએ લીધું છે. જ્ઞાતિ એ ભારતની કડવી વાસ્તવિકતા છે. લગભગ બધા જ સામાજિક પ્રસંગો જ્ઞાતિ પંચો અને જ્ઞાતિ બંધારણોથી ઉકેલાય છે. દિનરાત સંવિધાન,  સંવિધાન લવ્યા કરતા દલિતો પણ સારાનરસા પ્રસંગોએ ભારતના બંધારણને બદલે  ‘ સમાજની પત્રી’ ને જ સંભારે છે.

હાલમાં પણ સમાજિકસુધારણાના ઘણાં ક્ષેત્રો પહેલા હતા તે જ રહ્યા છે અને ઘણા બધાં નવા ઉમેરાયા છે. સતી પ્રથાના અવશેષો ક્યારેક જોવા મળે છે ખરા. પણ વિધવા વિવાહ, બાળલગ્ન, કન્યા કેળવણી જેવા ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ છે. નવા જમાનામાં નવા સવાલો પણ ઉભા થયા છે. જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણામાં વહેંચાયેલા વર્તમાન ભારતીય સમાજના જ્ઞાતિ સમાજો અને તેના સંગઠનોના શિરે જ સમાજ સુધારણાનું કામ આવ્યું છે. ઘણા જ્ઞાતિ સમાજો સામાજિક કુધારા, કુપ્રથા કે દેખાદેખીમાં થતા ખર્ચામાં બદલાવ કરે છે અને સમાજસુધારાની નવી દિશા ખોલી આપે છે. 

બાળકનો જન્મ, સગાઈ, લગ્ન, સિમંત, બાબરી, જનોઈ, વાસ્તુથી લઈને મરણ સુધીના પારિવારિક અને સામાજિક પ્રસંગો માટે જ્ઞાતિપંચો, મંડળો અને સંગઠનોએ નિયમો બનાવ્યા છે. તેમાં સમયાનુસાર ફેરફારો થતા રહે છે. મુખ્યત્વે સુરેન્દ્રનગર, કડી, ચુંવાળ અને ચરોતરમાં વસતા તપોધન બ્રહ્મ સમાજે સંતાનોના લગ્નોમાં થતા લાખોના ખર્ચા બંધ કરી સમૂહલગ્ન કરવા અને બચેલા નાણા યુવક-યુવતીના નામે ફિક્સ ડિપોઝીટમાં રોકવાની અનોખી પહેલ કરી છે. જ્ઞાતિના સંગઠનના પ્રયાસોથી આ સમાજની કન્યાઓનો લિટરસી રેટ ૯૨ ટકા છે.
બેતાળીસ લેઉવા પાટીદાર સમાજના પાંસઠ વરસ પૂર્વેના ૧૯૫૮ના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે જાનને એક જ રાત રોકવી, મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીના ન આપવા ઉપરાંત જાનમાં બેન્ડ વાજા, કન્યાઓના વરઘોડા અને ફટાણા, મરણ પાછળના ખોટા ખર્ચા અને છાજિયા બંધ કરવામાં આવ્યા છે. મહિલાઓએ પી-વિડિંગ ફોટોશૂટ, ડીજે, બેબી શાવર, હલ્દી રસમ બંધ કરવાનો નિશ્ચય કર્યો છે. યુવા મંડળે પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર યુગલોને બાકાત રાખ્યા છે. કડવા પાટીદાર સમાજ અને ઓલ ઈન્ડિયા અગ્રવાલ સમાજે પણ  પ્રી-વેડિંગના નવા ચાલ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ પણ વાંચો: હવે લાઇસન્સ માટે RTO ના ધક્કામાંથી મુક્તિ, ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

કથિત મધ્યમ સમાજો પણ સામાજિક સુધારાનો સાદ સંભળાવે છે. બનાસકાંઠા અને દસ્ક્રોઈ ઠાકોર સમાજના આગેવાનોએ પણ ડીજે પર પ્રતિબંધ  સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરવા નિશ્ચય કર્યો છે. સગાઈમાં ૧૧ અને લગ્નમા ૫૧ લોકોએ જવું તથા લગ્નમાં દીકરીઓને જીવનજરૂરી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં આપવા સંકલ્પ કર્યો છે. લગભગ તમામ જ્ઞાતિ સમાજોએ શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

પછાત, નિમ્ન અને જ્ઞાતિવ્યવસ્થાના તળિયે રહેલા મનાતા સમાજો પણ સામાજિક સુધારણા માટે જાગ્રત છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકો  તથા વડોદરા જિલ્લામાં વસતા આદિવાસી મેવાસી સમાજે એપ્રિલ મે મહિનામાં વિધ્યાર્થીઓની પરીક્ષાઓના ગાળામાં જ લગ્નસરા હોય છે. એટલે પરીક્ષાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ડીજે ન લાવવાનો ઠરાવ કર્યો છે. નર્મદા જિલ્લાના તડવી સમાજે બાળકોના શિક્ષણ પર અસર ના થાય તે માટે એપ્રિલ થી મે મહિનામાં લગ્નો કરવા પર જ બંધી ફરમાવી છે. દાહોદના આદિવાસી સમાજે પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારને રૂ. ૧.૧૧ લાખ, દારુ પી ઝઘડનારને રૂ. ૧૧ હજાર અને લગ્નમાં ડીજે વગાડનારને ૫૧ હજારનો દંડ નક્કી કર્યો છે. રબારી સમાજે દીકરીઓના શિક્ષણ માટે  શિક્ષણ રથ  ફેરવ્યો હતો. ઘરના સારા-માઠા પ્રસંગે શિક્ષણ માટે રૂ. ૫૦૦નું દાન ફરજિયાત કર્યું છે. સુરત, નવસારી, બીલીમોરા મેઘવાળ સમાજે સામાજિક પ્રસંગો સાદગીથી કરવા અને શિક્ષણ ફંડ વધારવા નક્કી કર્યું છે.

સમાજ સુધારણાના જે નવા ક્ષેત્રો ઉઘડ્યા છે તેમાં લેઉવા  પાટીદાર સમાજની  દીકરીઓનો સર્વાઈકલ કેન્સરના પરીક્ષણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૩૧ દીકરીઓને કે જે કેન્સર સંક્રમિત હોવાનું જણાયું છે તેમની સારવાર શરૂ કરી છે. રબારી સમાજના શિક્ષણ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ અપાતાં  આશરે બસો ઉમેદવારો પાસ થયા અને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.

પ્રગતિશીલ અને ઉદારવાદી સમાજ સુધાર સાથે જ્ઞાતિ સમાજો સંકુચિત કે જમાનાને પાછળ ધકેલનારા નિર્ણયો પણ કરે છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્નો પર પ્રતિબંધ, દીકરીઓને મોબાઈલ વાપરવા પર બંધી, ગામડામાંથી શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા દેવો, છૂટાછેડા માંગતા દીકરીના મા-બાપને દંડ જેવી બાબતો આપણે કઈ સદીમાં જીવીએ છીએ અને સ્ત્રી-પુરુષ સમાનતા કેટલી દૂર છે તેની પ્રતિતી કરાવે છે. 

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ ૪,૩૨૦ બાળલગ્નો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૩૨ ટકા કન્યાઓના લગ્નો ૧૮ વરસ પહેલા અને એકલા મહેસાણા જિલ્લામાં ૩૨.૩૦ ટકા બાળલગ્નો થાય છે.  છેલ્લા પાંચ  વરસોમાં દલિત- બિનદલિત  વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો દેશમાં ૮૭૦૮૨ અને ગુજરાતમાં ૩૮૩૯ જ થયા છે. છોકરીઓને તરછોડી દેવાનું કે અનાથ આશ્રમમાં છોડી દેવાનું પ્રમાણ છોકરા કરતાં વધારે છે. આ સંજોગોમાં સમાજસુધારણાના ક્ષેત્રે કેટલું બધું કરવાનું બાકી છે તે સમજાવું જોઈએ.

ગાંધીજી અને ડો.આંબેડકર બંને એ વાતે સંમત છે કે સમાજસુધારણાનું કામ અતિ કઠિન છે. ડો.આંબેડકરે કહ્યું છે કે, “ભારતમાં સમાજસુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ જેટલું જ કઠિન છે. આ કામમાં મિત્રો ઓછા અને દુશ્મનો ઝાઝા હોય છે.”  ગાંધીજીનો મત હતો કે,” રાજ્ય પ્રકરણી ચળવળ કરતાં સંસારસુધારાની ચળવળ ઘણી વધારે મુશ્કેલ છે. સંસાર સુધારાના કામમાં રસ ઓછો છે, બાહ્ય પરિણામ નજીવું જેવું લાગે છે, અને તેમાં માનાપમાનાદિને બહુ ઓછું સ્થાન છે, તેથી આ કામ કરનારે જૂજ પરિણામથી સંતુષ્ટ રહેવું પડશે.”

ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? આપણો જ્ઞાતિસમાજ પલટાઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે? સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે? 

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ભારતની જેલો: કારાવાસ, કેદખાનું, સુધારગૃહ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • સાહિલ પરમાર
    સાહિલ પરમાર
    દલિતો બંધારણ.... બાબાસાહેબનું બંધારણ કહે છે તે એક લવારી માત્ર છે.દલિત પુરુષો સવર્ણો પાસેથી એમના અધિકારો મેળવવા બાબાસાહેબના બંધારણનો ઉપયોગ કરે છે,પણ પોતાની પત્ની,બહેન કે દીકરીના અધિકારનો મુદ્દો આવે ત્યારે બાબાસાહેબે લખેલા બંધારણને બાજુ પર મૂકી " સમાજની પત્રી" ને આગળ કરે છે. દાપુ એક અર્થમાં જોઈએ તો કન્યા વિક્રયનો અવશેષ છે.બીજી રીતે જોઈએ તો નક્કી કરેલ સંખ્યાના જાનૈયાઓનો સરભરા ખર્ચ છે જે કલમ પત્રીમાંથી દૂર કરવા લાયક છે.પણ દલિત સમાજ એવો છે કે માત્ર દાપાની કલમનું જ પાલન થાય છે.બાકીની જેનાથી લગ્ન ખર્ચ ઓછો આવે તેવી બધી જ કલમો કાગળ પરની શાકભાજી બની જાય છે.
    19 hours ago