ગાંધીજીઃદલિતો પ્રત્યે 'કૃપાળુ-માયાળુ' સવર્ણ માનસિકતાનું પ્રતિનિધિ વ્યક્તિત્વ
ગાંધીજીની દલિતો પ્રત્યેની માનસિકતાનું સચોટ વર્ણન કરતો લેખ.
દલિતો પ્રત્યેની માનસિકતાના સંદર્ભમાં અત્યાર સુધીમાં ત્રણ પ્રકારના દ્વિજ-સવર્ણો થયા છે. આ લોકો પહેલા માનતા હતા અને હજુ પણ માને છે કે, વર્ણ-જાતિ વ્યવસ્થામાં દલિતો માટે જે સૌથી નીચલા સ્તરનું સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે તેઓ એને જ લાયક છે અને તેમણે સવર્ણોના તાબા હેઠળ રહેવું જોઈએ. તેમણે દરેક સ્તરે સવર્ણો સાથે સમાનતાના અધિકારની માંગ ન કરવી જોઈએ અને સમાનતાના અધિકાર માટે સંઘર્ષ પણ ન કરવો જોઈએ. એટલું જ નહીં, વ્યવહારમાં તેનો અમલ કરવાનો પ્રયાસ પણ કરવો જોઈએ નહીં. આ માનસિકતાનું પ્રતિનિધિ ઉદાહરણ બાલ ગંગાધર તિલક હતા.
બીજો પ્રકાર એવા દ્વિજ-સવર્ણોનો રહ્યો છે અને આજે પણ છે, જેઓ માને છે કે સવર્ણોએ દલિતો પ્રત્યે ઉદારતાપૂર્વક વર્તવું જોઈએ. તેમના પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. તેમને મનુષ્ય માનવા જોઈએ. આવા લોકો એક ડગલું આગળ વધીને અસ્પૃશ્યતાનો વિરોધ કરે છે, તેમાંના કેટલાક તો અસ્પૃશ્યતા પણ પાળતા નથી. આવા લોકો ઘણી વખત દલિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને તેમની વેદના-અપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેમના દુઃખ દૂર કરવા માટે અમુક દાન કરે છે, કેટલાક ઉકેલો પણ વિચારે છે અને તેમના કેટલાક અધિકારોનું પણ સમર્થન કરે છે.
કેટલાક, તેમના દુઃખથી પ્રભાવિત થઈને, કવિતાઓ, વાર્તાઓ અને લેખો પણ લખે છે. દલિતોના મંદિર પ્રવેશ અને શિક્ષણના અધિકારને પણ સમર્થન આપે છે. પરંતુ તેઓ હંમેશા દલિતો પ્રત્યે કૃપાળુ અને દયાળુ માનસિકતા ધરાવે છે.
જ્યારે તેઓ દલિતો સાથે બેસીને ભોજન કરે છે, ત્યારે તેમને લાગે છે કે તેઓ તેમની પર 'કૃપા' કરી રહ્યા છે. આવા સવર્ણો જ્યારે દલિતો વચ્ચે જાય છે અને તેમની સાથે તેમના ખાટલા પર બેસે છે, ત્યારે પણ તેમને લાગે છે કે તેઓ તેમના પર ઉપકાર કરી રહ્યા છે.
તેનાથી પણ આગળ વધીને, જો તેઓ દલિતોના માનવાધિકાર વિશે લખે છે, તો લાગે છે કે તેઓ 'કૃપા' કરી રહ્યાં છે. એ ત્યાં સુધી કે તેઓ દલિતોના હિતો માટે સંઘર્ષ પણ કરે છે તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તેઓ 'કૃપા'ની માનસિકતામાં જ હોય છે.
તેની સાથે તેઓ દલિતો પાસેથી એવી પણ અપેક્ષા રાખે છે કે તેઓ તેમની આ કૃપા બદલ તેમનો આભાર માને અને આ કૃપાના બદલામાં તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે.
આમાંના કેટલાક સવર્ણો એમ વિચારે છે કે, વર્ણ-જાતિ વ્યવસ્થા તો બરાબર છે, તેમાં કશું ખોટું નથી, પરંતુ તમામ વર્ણ અને જાતિના લોકોએ એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ અને સમરસતા જાળવી રાખવી જોઈએ. કેટલાક વર્ણ-જાતિ પ્રથા અથવા જાતિ વ્યવસ્થાને ખરાબ માને છે અને તેનો વિરોધ પણ કરે છે.
કૃપાળુ અને દયાળુ માનસિકતા ધરાવતા આ બીજા પ્રકારના સવર્ણો હંમેશા દલિતોના ઉદ્ધારકની માનસિકતામાં જીવે છે. પરંતુ તેઓ એ સ્વીકારી નથી શકતા કે દલિતો તેમની કૃપા અને દયાને ફગાવીને કહે કે, દરેક સ્તરે સમાનતા, દરેક બાબતમાં એકસરખી સ્વતંત્રતા અને દરેક સ્તરે ભાઈચારો અમારો હક છે, અમારો અધિકાર છે. અમને તમારી કૃપા અને દયાની જરૂર નથી. અને અમારો આ અધિકાર અને સત્તા તમારી કૃપા-દયા પર આધારિત નથી. તમે વળી અમારા પર કૃપા અને દયા દાખવનાર કોણ? અમારા પર કૃપા અને દયા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? આ અધિકાર તમે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો?
આ પણ વાંચો: સામાજિક સંઘર્ષનો પર્યાય પ્રોફેસર બાબુ કાતિરા
ગાંધીજી આ બીજા પ્રકારના સવર્ણોનું પ્રતિનિધિ વ્યક્તિત્વ હતા. ડો. આંબેડકર સાથેના તેમના સંઘર્ષનો મુખ્ય મુદ્દો એ હતો કે, આંબેડકર કહેતા હતા કે અમે અમારી જાતે સંઘર્ષ કરીને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત કરી શકીએ છીએ. અમે અત્યાર સુધી જે કંઈ હાંસલ કર્યું છે તે સંઘર્ષ દ્વારા પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં પણ સંઘર્ષ દ્વારા જ પ્રાપ્ત કરીશું. અમે (દલિતો) અમારા અધિકારોને ઉચ્ચ જાતિની કૃપા-દયા કે હૃદય પરિવર્તન પર છોડવા માંગતા નથી. અમારો સંઘર્ષ સવર્ણોની કૃપા અને દયાની સ્થિતિમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો છે. અમે નથી ઈચ્છતા કે દલિતો એવી સ્થિતિમાં હોય જ્યાં કોઈ તેમના પ્રત્યે દયાભાવ કે કૃપા બતાવે. પછી ભલે તે ગાંધીજી કેમ નથી? અમે તમારી કૃપા-દયા પર નિર્ભર નથી અને બનવા પણ નથી માંગતા.
બીજી બાજુ, ગાંધીજી દલિતોના અધિકારો અને હકનો સવર્ણોના હૃદય પરિવર્તન પર છોડવા માંગતા હતા. દ્વિજ-સવર્ણના રૂપમાં તેઓ પોતાને હૃદય પરિવર્તિત સવર્ણનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ માનતા હતા.
તેમને આશા હતી કે એક દિવસ તમામ સવર્ણો તેમની જેમ દલિતો પ્રત્યે કૃપાળુ અને દયાળુ બની જશે. તેમનું માનવું હતું કે એક દિવસ તમામ સવર્ણો મારા જેવા બની જશે, દલિતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ આમાં જ છે.
ગાંધીજી મજૂરો, મહિલાઓના હક-અધિકારોને પણ જમીનદારો, મૂડીવાદીઓ અને પુરુષોની દયા પર છોડી દેવાના પક્ષમાં હતા. ગાંધીજી એવી આશા રાખતા હતા કે એક દિવસ જમીનદારો એટલા દયાળુ બની જશે અને તેમનું એવું હૃદય પરિવર્તન થઈ જશે કે તેઓ જે ખેતરોના માલિક છે, તે જમીનના માલિકને બદલે પોતાને તેના ટ્રસ્ટી સમજવા લાગશે. આ રીતે ખેડૂતોને જમીનદારો પાસેથી તેમના હક્કો મળી જશે અને તેના માટે ખેડૂતોએ તેમની સામે લડવાની જરૂર નથી.
એ જ રીતે, ગાંધીજી વિચારતા હતા કે એક દિવસ મૂડીવાદીઓ એટલા દયાળુ બની જશે કે તેઓ પોતાને મૂડીના માલિક સમજવાને બદલે પોતાને તેના ટ્રસ્ટી માનવા લાગશે અને મજૂરોને તેમના હકો અને અધિકારો મળી જશે. તેના માટે મજૂરોએ મૂડીવાદીઓ સામે સંઘર્ષ કરવાની જરૂર નથી.
આ જ કારણ હતું કે જ્યારે પણ ખેડૂતોએ જમીનદારો સામે સંઘર્ષ કર્યો ત્યારે ગાંધીજીએ તેનો વિરોધ કર્યો. એ જ રીતે જ્યારે મજૂરોએ મૂડીવાદીઓ સામે સંઘર્ષ શરૂ કર્યો ત્યારે ગાંધીજીએ તેનો વિરોધ કર્યો.
સ્ત્રીઓના કિસ્સામાં ગાંધીજીએ વિચાર્યું કે પુરુષો સ્ત્રીઓ પ્રત્યે એટલા દયાળુ બનશે કે સ્ત્રીઓને તેમના અધિકારો અને હક માટે પુરુષો સામે લડવાની જરૂર રહેશે નહીં. તેમના માટે દશરથના પુત્ર રામ અને સીતા વચ્ચેનો પતિ-પત્નીનો સંબંધ તેનું મૂર્ત સ્વરૂપ હતું.
ડૉ. આંબેડકર આજીવન ગાંધીજીની આ દયાળુ-કૃપાળુ માનસિકતાને પડકારતા રહ્યાં અને કહેતા રહ્યા કે અમને દયા-કૃપા નહીં પણ સમાનતા જોઈએ છે. એ પરિસ્થિતિનો અંત જોઈએ છે જેમાં કોઈપણ સવર્ણ વ્યક્તિ દલિતો પ્રત્યે દયાનો વિચાર પણ ન કરી શકે.
હા, ત્રીજા પ્રકારના કેટલાક દ્વિજ-સવર્ણો થયા છે, જેઓ દ્રઢપણે માનતા હતા કે દલિતોએ ઉચ્ચ જાતિઓની દયા અને ઉદારતા પર નિર્ભર ન રહેવું જોઈએ અને એવો સમાજ બનાવવો જોઈએ કે જેમાં કોઈ વ્યક્તિ કોઈના પ્રત્યે દયા બતાવવાનું વિચારી પણ ન શકે.
આવા દ્વિજ-સવર્ણો બે પ્રવાહોમાંથી સામે આવ્યા છે. એક તેઓ, જેણે હિંદુ ધર્મ અને બ્રાહ્મણવાદનો ત્યાગ કર્યો અને શ્રમણ-બહુજન પરંપરા સાથે સંપૂર્ણ રીતે પોતાનો સંબંધ સ્થાપિત કર્યો. તેમાંથી ઘણાંએ ખુલ્લેઆમ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો.
બીજા ડાબેરી પક્ષોના કાર્યકર્તા રહ્યા છે અને છે, જેઓ જમીની સ્તરે દલિતો, મજૂરો અને આદિવાસીઓ સાથે મળીને સંઘર્ષ કરે છે અને પોતાની જાતને દયાળુ-કૃપાળુ માનસિકતામાંથી સંપૂર્ણપણે મુક્ત કરે છે અથવા મુક્ત કરવાનો સખત પ્રયાસ કરે છે.
દલિતો, મજૂરો અને આદિવાસીઓ પ્રત્યે દયા અને કરુણાથી મુક્ત દ્વિજ-સવર્ણોની સંખ્યા ઘણી ઓછી છે. મોટાભાગના દ્વિજ-સવર્ણ લોકો પ્રથમ માનસિકતાના છે. તેઓ વર્ણ-જાતિ વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, તેને વ્યાજબી માને છે અને દલિતોના સેકન્ડ ક્લાસ સિટિઝનના દરજ્જાને ન્યાયી માને છે.
ગાંધી બીજા પ્રકારના સવર્ણોના પ્રતિનિધિ હતા. જેઓ દલિતો પ્રત્યે દયા-કૃપા રાખતા હતા. તેઓ દયાળુ-કૃપાળુ સવર્ણોનું પ્રતિનિધિ વ્યક્તિત્વ હતા. એવામાં ડૉ. આંબેડકર કે કોઈપણ સાચો આંબેડકરવાદી આ દ્વિજ-સવર્ણ માનસિકતાને દલિતો માટે ધૃણાસ્પદ બાબત માને તેમાં જરાય આશ્ચર્ય ન લાગવું જોઈએ.
આ પણ વાંચો: જાતિવાદ, જમીન અને હવસે ફૂલનને 'બેન્ડિટ ક્વિન' બનવા મજબૂર કરી