ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી

ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના નવા મહંતને લઈને ભારે વિવાદ જામ્યો છે. લોકોને મોહમાયા છોડી દેવાની શિખામણો આપતા કથિત સંતો અહીં ગાદી માટે લડી લેવા માંગે છે.

ગિરનાર મંદિરના વિવાદમાં મહંત પરિવારે આત્મવિલોપનની ચિમકી આપી
image credit - Google images

ઐતિહાસિક પુરાવાઓ મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલા મોટાભાગના સ્થાપત્યો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે અને તેમાં ગિરનાર પર્વત અને તેની ઉપરના તમામ સ્થાપત્યો પણ સામેલ છે. જો કે બૌદ્ધ ધર્મના પતન બાદ હિંદુત્વવાદી તાકાતોએ તેને પોતાના નામે ચડાવી દીધાં હતા. આવું જ એક મહત્વનું સ્થાપત્ય ગિરનાર પર આવેલું હાલનું અંબાજી મંદિર છે. જેના મહંતનો વિવાદ હાલ ચગ્યો છે. મળતી માહિતી મુજબ આ મંદિરના વર્તમાન મહંત બ્રહ્મલીન થયા બાદ નવા મહંતની નિમણૂંકને લઈને પૂર્વ મહંતના પરિવારજનો અને અખાડા પરિષદ વચ્ચે જ મોટો અખાડો થયો છે.

મળતી માહિતી મુજબ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ બ્રહ્મલીન થયા હતા. એ બાદ નવા મહંતની નિમણૂંકને લઈને વિવાદ ઊભો થયો છે. ભારે હોબાળો વચ્ચે મંદિરના નવા મહંત તરીકે અખાડા પરિષદે પ્રેમગીરીબાપુની નિયુક્તિ કરી છે. જેને લઈને પૂર્વ મહંતના પરિવારે ઉગ્ર વિરોધ કર્યો છે.

બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માગ કરી છે કે, તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે. અન્ય મહંતની ચાદરવિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે. તનસુખગીરી બાપુના પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી આપી છે.

આ તરફ પ્રેમગીરી બાપુએ કહ્યું કે, ગાદીપતિ કંઈક લખીને ગયા હોત અથવા કોઈને ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાત. જ્યારે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, અખાડાના સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે. છતાં આ મામલે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે.

આ તરફ જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નવા મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી મહારાજની ચાદરવિધિ કરવામાં આવી હતી. 

આ મામલે અન્ય એક મહંત મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જે પણ વિવાદ થયો છે એ મુદ્દે મેં સ્પષ્ટતા આપી છે. આ વિવાદ મારી જગ્યામાં નથી. ગિરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે, એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ. અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે. નવા મહંતની ચાદરવિધિ સહમતીથી થવી જોઈએ. કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી. હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહી કરું.

સામાન્ય માણસને ત્યાગ કરવાનું કહેતા સંતો શું કરી રહ્યાં છે?

આ વિવાદમાં એટલું તો સ્પષ્ટ વર્તાય છે કે, સામાન્ય માણસને ધન, પૈસાની લાલચ છોડી દેવાની, આ બધું મોહમાયા છે કહીને ઈશ્વરના ચરણોમાં ધરી દેવાની સલાહો આપતા આ કથિત સંતોથી ગાદીનો મોહ છુટતો નથી અને તેના માટે કોર્ટ સુધી જવા તૈયાર હોય છે. હમણાં સરખેજના ભારતી આશ્રમમાં પણ બે સાધુઓના જૂથો ગાદી મેળવવા માટે થઈને બાઉન્સરો સાથે ફરતા હતા. આ શું સૂચવે છે? એ જ કે, કહેવાતા સંતો ખુદ રૂપિયા, પૈસા, ધન અને ગાદીનો મોહ છોડી શકતા નથી, તેના માટે તેઓ બાઉન્સરો રાખી મારામારી પર ઉતરી આવતા કે સામેના મહંતને ઉતારી પાડતી ચેષ્ટા કરવામાં પણ નાનપ નથી અનુભવતા. આ લોકો સામાન્ય માણસને શું રસ્તો બતાવવાના? તથાગત ગૌતમ બુદ્ધે એટલે જ કહ્યું છે, અપ્પો દીપો ભવ, અર્થાત તું જ તારો પ્રકાશ બન. આ ઘટનામાંથી સામાન્ય માણસે બસ આટલો જ ધડો લેવાનો છે.

આ પણ વાંચોઃ લીલી પરિક્રમામાં ઉમટતી ભીડ તીવ્ર બેરોજગારી-બેકારીનો સંકેત છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.