લાભ પાંચમે તસ્કરો ગોગા મહારાજ સહિત 8 દેવોના ઘરેણાં ચોરી ગયા
લાભ પાંચમની રાતે જ તસ્કરોએ વિવિધ સમાજના 8 કુળદેવી-દેવતાના મંદિરોમાં ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે.

લાભ પાંચમનો દિવસ શુભ માનવામાં આવે છે. વેપારીઓ દિવાળી બાદ નવા વર્ષમાં લાભ પાંચમે મૂહુર્ત કરીને ધંધા-રોજગારનો પ્રારંભ કરતા હોય છે. જો કે કચ્છના રાપર તાલુકામાં આવેલા વિખ્યાત ચિત્રોડ ગામમાં તસ્કરોએ એક જ રાતમાં અહીંના વિવિધ સમાજના 8 જેટલા મંદિરોને ટાર્ગેટ કરીને ચોરી કરી હતી. એક રીતે કહીએ તો વેપારીઓની જેમ તસ્કરોએ પણ પોતાના ચોરીના ધંધાની જાણે શરૂઆત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે લાભ પાંચમે તસ્કરોએ ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને સામૂહિક તસ્કરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે.
બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેણાં અને દાન પેટીમાં પડેલી રકમ તસ્કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચિત્રોડમાં ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં આઠ જેટલા અલગ અલગ મંદિરોમાં ચોરી થઈ છે. આ મંદિરોમાં આઈ દેવ માંનું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાઈ માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોળી સમાજના મંદિરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ડાકોરમાં તસ્કરો શનિદેવના આભૂષણો, દાનપેટીની રોકડ ચોરી ગયા