1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની મદદ કરશે
ક્રિકેટર વિનોદ કાંબલીની પરિસ્થિતિ હાલ નાજુક છે, તેના ખાસ મિત્ર સચિન તેંદુલકરે ભલે તેની બાજુથી મોં ફેરવી લીધું હોય પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ કાંબલીની વ્હારે આવી છે.
નાદુરસ્ત તબિયત અને આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા એક સમયના દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી (Vindo Kambli) થોડા દિવસ પહેલા તેના કોચ રમાકાંત આચરેકર (Ramakant Acharekar)ની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં જે રીતે ક્રિકેટરના ભગવાન ગણાતા સચિન તેંદુલકરે (Sachin Tendulkar) કાંબલીથી અંતર જાળવ્યું હતું તેની ચોતરફ ટીકા થઈ રહી છે. અગાઉ પણ કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ચાલી પણ શકતા નહોતા. વિનોદ કાંબલીની આવી હાલતમાં તેના મિત્રે ભલે તેની મદદ ન કરી, પણ વર્ષ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમે (1983 World Cup winning team) તેની મદદ કરવાનું નક્કી કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે 1983ની ભારતની પ્રથમ વર્લ્ડ કપ વિજેતા ટીમ વિનોદ કાંબલીની સંભાળ લેશે અને તેને પગભર કરવામાં મદદ કરશે. ક્રિકેટર સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) જેઓ આ ટીમના સભ્ય હતા તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. 1983ની ટીમના કેપ્ટન કપિલ દેવે પણ આ વાતનો સંકેત આપ્યો હતો.
સુનીલ ગાવસ્કરે વિનોદ કાંબલીને પોતાનો પુત્ર ગણાવીને કાંબલીના ચાહકોને આશ્વસ્ત કર્યા કે 1983ની ટીમના સભ્યો તેમના વિનોદ કાંબલી સહિત અન્ય ક્રિકેટરોને મદદ કરવા માટે એકસાથે આવશે. ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચ સિરીઝ દરમિયાન આ વાત કરી હતી.
આ વાતચીતમાં ગાવસ્કરે કહ્યું કે, 1983ની ટીમ યુવા ખેલાડીઓને લઈને ખૂબ જ સભાન છે. તે (વિનોદ કાંબલી) મારા માટે પૌત્ર જેવો છે. મને મદદ શબ્દ ગમતો નથી. 1983ની આખી ટીમ તેની કાળજી લેવા માંગે છે. અમે વિનોદ કાંબલીની સંભાળ રાખીશું અને તેને ફરી તેના પગ પર ઉભો થવામાં મદદ કરીશું.
સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, 'અમે એવા ક્રિકેટરોની સંભાળ લેવા માંગીએ છીએ જેઓ સંઘર્ષ કરી રહ્યા છે.' અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ દેવ (Kapil Dev) પણ વિનોદ કાંબલીની મદદ કરવા માંગે છે. 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય બલવિંદર સિંહ સંધુ (Balwinder Singh Sandhu)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 83ની ટીમના કેપ્ટન કપિલ દેવે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો વિનોદ કાંબલી રિહેબમાં જવા માંગે છે તો અમે તેને આર્થિક મદદ કરવા તૈયાર છીએ. જો કે, તેણે પહેલા જાતે રિહેબ સેન્ટરમાં જવું પડશે. જો તે જાતે ત્યાં જશે તો અમે તેનો તમામ ખર્ચ ઉપાડવા તૈયાર છીએ. પછી સારવાર કેટલો સમય ચાલે છે તે મહત્વનું નથી.
કેવી છે વિનોદ કાંબલીની હાલત?
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિનોદ કાંબલી બરાબર ચાલી શકતા ન હતા. તેને સંતુલન જાળવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. કહેવાય છે કે વિનોદ કાંબલી દારૂની લત સામે ઝઝૂમી રહ્યાં છે. કાંબલીના નજીકના મિત્ર માર્કસ કોઉટોએ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. આ વાતચીતમાં તેણે જણાવ્યું કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
તેણે વધુમાં કહ્યું કે, તેના રિહેબમાં જવાનો કોઈ અર્થ નથી. કાંબલી 14 વખત રિહેબમાં ગયો છે! ત્રણ વાર અમે તેને વસઈમાં પુનર્વસન માટે લઈ ગયા હતા. હાલમાં જ વિનોદ કાંબલીનો સચિન તેંડુલકર સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. એમાં જેવો સચિન તેની પાસે આવે છે કે તરત કાંબલી તેનો હાથ પકડી લે છે અને થોડી સેકન્ડ માટે છોડતો નથી. જો કે, બાદમાં બાજુમાં બેઠેલો વ્યક્તિ આવીને તેમાં દરમિયાનગીરી છે. સચિન અને કાંબલીની આ મુલાકાત બાળપણના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણ સમારોહમાં થઈ હતી. બંને ખેલાડીઓ રમાકાંત આચરેકરના શિષ્ય રહી ચૂક્યા છે. જો કે, સચિન જાતિના કારણે તેને સતત તકો મળતી ગઈ, જ્યારે કાંબલીને તેની દલિત જાતિના કારણે વર્ષ 1996ના વર્લ્ડ કપ બાદ કોઈ મોટી તક અપાઈ નહોતી અને તેની કરિયર ખતમ કરી દેવાઈ હતી. એ પછી કાંબલી તાણમાં આવી ગયા હતા અને દારૂની લતે ચડી ગયા હતા. તેમાંથી આ સમસ્યા ઉભી થઈ છે.
આ પણ વાંચો: વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!