વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!
વિનોદ કાંબલી ફરી ચર્ચામાં છે ત્યારે એ બહાને અહીં તેમના એ રેકોર્ડ પર નજર કરીએ, જ્યાં સુધી પહોંચવા માટે "ક્રિકેટના ભગવાન"નો પણ પનો પણ ટૂંકો પડ્યો છે.
એક સમયે ટીમ ઈન્ડિયાના સૌથી તેજસ્વી ક્રિકેટરોમાં જેમની ગણના સચિન તેંદુલકરથી પણ પહેલા કરવામાં આવતી હતી તેવા વિનોદ કાંબલીની પરિસ્થિતિ નાજુક છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ બરાબર રીતે ચાલી પણ શકતા નથી તે દેખાય છે.
ભારતીય ક્રિકેટમાં એક સમયે સચિન તેંદુલકર કરતા પણ ચડિયાતા ક્રિકેટર તરીકે જેમની ગણના થતી હતી તે વિનોદ કાંબલી હાલ આર્થિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ટેસ્ટ અને વન ડે ક્રિકેટરમાં આજેય તેમની વિસ્ફોટક બેટિંગના ગ્રાફ સુધી ભાગ્યે જ કોઈ ક્રિકેટર પહોંચે છે તેવા વિનોદ કાંબલી તેમની ક્રિકેટ કારકિર્દીમાં જાતિવાદનો ભોગ બન્યાં હતા તે હવે સૌ જાણે છે.
દરેક ખેલાડીની કરિયરમાં એક કપરો સમય આવતો હોય છે, પણ તેને જો પુરતો સમય આપવામાં આવે તો તે ફરી આગવા ફોર્મમાં આવી જતો હોય છે. રોહિત શર્મા વર્ષો સુધી ફ્લોપ રહ્યો હતો, છતાં તેને તેની બ્રાહ્મણ જાતિના કારણે સતત તકો મળતી રહી અને આજે તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. આવું જ કે.એલ. રાહુલ, રિષભ પંત, અને ભૂતકાળમાં સચિન તેંદુલકર, અજીત અગરકર, રવિ શાસ્ત્રી, સૌરવ ગાંગુલી સહિતના અનેક બ્રાહ્મણ ખેલાડીઓના કિસ્સા પણ જોઈ શકાય છે. સચિનને જેટલી તકો મળી છે તેટલી ભાગ્યે જ કોઈ ખેલાડીને મળી હશે. ટાઈટન કપ પછી તે સતત ફ્લોપ જતો હતો, તેમ છતાં ટીમ તેને વેંઢારતી હતી. એક સમયે ટીમ કંટાળી ગઈ હતી કે હવે તે નિવૃ્તિ લે તો સારું. આવું જ સૌરવ ગાંગુલીના કિસ્સામાં પણ થયું હતું અને તેને પણ ટીમમાં લાંબા સમય સુધી ખેંચવામાં આવ્યો હતો. આવું મોટાભાગના કથિત મહાન બ્રાહ્મણ ખેલાડીઓમાં બન્યું છે.
પણ વિનોદ કાંબલીને 1996 વિશ્વ કપ પછી સતત કોઈ જ કારણ વિના સતત નજરઅંદાજ કરવામાં આવ્યા અને તેની કરિયર પતાવી દેવાઈ. જેના કારણે કાંબલીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. તેમણે ઘર ચલાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો અને આજે તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જાતે ચાલી પણ શકતા નથી. એક મહાન ક્રિકેટરને માત્ર તેના દલિત હોવાને કારણે સાઈડલાઈન કરાય તે ભારતમાં જ શક્ય છે.
આ પણ વાંચોઃ લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સમયે જે વિનોદ કાંબલી પોતાના બેટથી છગ્ગા અને ચોગ્ગા ફટકારતા હતા તે આજે ખૂબ જ દયનીય હાલતમાં છે, તેઓ બરાબર ચાલી પણ શકતા નથી. વિનોદ કાંબલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બાઇકના સહારે ઉભા છે. પરંતુ જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરે છે, ત્યારે નજીકમાં ઉભેલા લોકો તેમને ટેકો આપીને આગળ લઈ જાય છે.
ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટ્સમેન વિનોદ કાંબલીનું સ્વાસ્થ છેલ્લા થોડા દિવસોથી ખરાબ છે. કાંબલીને બે ડગલાં ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. તે કોઈના સપોર્ટ વગર ચાલી પણ શકતા નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કાંબલીને ૨ થી ૩ લોકો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે. મહાન ક્રિકેટર કાંબલીની આવી હાલત જોઈ તેમના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.
વિનોદ કાંબલી અને સચિન તેંદુલકર બંને પ્રાથમિક શાળા કાળના મિત્રો છે. બંને શાળામાં સાથે ક્રિકેટ રમતા હતા. એ વખતે તેમના કોચ રહેલા રમાકાંત આચરેકર સચિન કરતા પણ વિનોદ કાંબલીને વધારે સારો ક્રિકેટર માનતા હતા. જ્યારે કાંબલી અને સચિને ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું ત્યારે આ વાત અમુક અંશે સાચી પણ ઠરવા લાગી હતી. પણ પછી કાંબલીની કરિયર પતાવી દેવાઈ અને સચિન એ પછી પણ દોઢ દાયકા સુધી ક્રિકેટ રમ્યો. આજે બંનેની આર્થિક, સામાજિક પરિસ્થિતિમાં આભજમીનનું અંતર આવી ગયું છે.
આ પણ વાંચોઃ દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?
વિનોદ કાંબલી - રેકોર્ડોનો બાદશાહ
સચિન અને કાંબલીની ક્રિકેટ કરિયર લગભગ એકસાથે શરૂ થઈ હતી, પણ આગળ જતા સચિનને તેની બ્રાહ્મણ જાતિના કારણે જેટલી તકો મળી તેટલી કાંબલીને તેના દલિત હોવાને કારણે ન મળી શકી. કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ મેચ રમી શક્યા હતા, પરંતુ તેમના નામે એવા રેકોર્ડ નોંધાયેલા છે જે સચિન પણ તોડી શક્યો નથી. 21 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર કાંબલીએ તેની છેલ્લી ટેસ્ટ 23 વર્ષની ઉંમરે રમી હતી. ટૂંકી ટેસ્ટ કારકિર્દી હોવા છતાં તેના નામે હજુ પણ ઘણા રેકોર્ડ છે જે કાયમ યાદ રખાશે.
સૌથી નાની વયે બેવડી સદીનો રેકોર્ડ
ભારતીય ટીમ માટે સૌથી નાની વયે બેવડી સદી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. 21 વર્ષ અને 35 દિવસની ઉંમરે કાંબલીએ ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી મેચમાં 224 રનની ઈનિંગ રમી અને ભારત તરફથી બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. તેની સામે સચિન તેંડુલકરે 26 વર્ષની ઉંમરે 1999માં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી.
રણજી ટ્રોફીમાં ડેબ્યૂ મેચમાં સિક્સરથી ખાતું ખોલવાનો રેકોર્ડ
કાંબલીએ 1989માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. એ વખતે મુંબઈની પહેલી મેચ ગુજરાત સામે હતી અને કાંબલીએ ક્રિઝ પર આવીને સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
બે ટેસ્ટ મેચમાં બે બેવડી સદીનો રેકોર્ડ
1993માં કાંબલીએ બે ટેસ્ટ મેચમાં સળંગ બે બેવડી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પહેલા ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ રમી હતી. એ પછી ઝિમ્બાબ્વે સામે 227 રનની ઇનિંગ રમીને સતત બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ
આજના ફાસ્ટફૂડ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેન ટેસ્ટ મેચ જેવી ધીરજથી રમી શકતો નથી. પણ કાંબલી એ જમાના ટેસ્ટ મેચોમાં પણ ટી20 જેવું ક્રિકેટ રમતા હતા અને તેનો અંદાજ જેમની ટેસ્ટ કરિયર પરથી આવે છે. કાંબલીએ ટેસ્ટ ક્રિકેટની 14 ઇનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ખેલાડી છે. એટલું જ નહીં કાંબલીની એવરેજ ટેસ્ટ ક્રિકેટના ધુરંધરો મનાતા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગ કરતા પણ વધારે છે. તેણે માત્ર 17 ટેસ્ટ મેચોમાં 2 બેવડી સદી અને 4 સદીની મદદથી 54.2ની સરેરાશથી 1084 રન બનાવ્યા છે. આ રેકોર્ડ આજે પણ કોઈ તોડી શક્યું નથી.
સચિન સાથે 664 રનની ભાગીદારી
કાંબલી અને સચિનની જોડીની વાત આવે ત્યારે લોકો તેમની ઘરેલું ક્રિકેટની 664 રનની ભાગીદારીને યાદ કરે છે. પણ લોકો એ ભૂલી જાય છે કે, આ મેચમાં કાંબલીએ સચિન કરતા પણ વધુ રન બનાવ્યા હતા અને એ આંકડો હતો 349. જી હા, કાંબલીએ એકલાએ 349 રન બનાવ્યા હતા.
કાંબલીએ જ્યારે અમદાવાદમાં સ્કર્ટ પહેર્યું
સચિન અને વિનોદ કાંબલી બંને મિત્રોએ સાથે મળી મુંબઈને તો અનેક યાદોની ભેટ આપી જ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે. જો કે અમદાવાદમાં યોજાયેલી કૂચ બિહાર ટ્રોફીનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. એ વખતે સચિન તેંડુલકરે વિનોદ કાંબલીને સ્કર્ટ પહેરીને અમદાવાદની ગલીઓમાં ફરવાની ચેલેન્જ આપી હતી, જેને કાંબલીએ પુરી કરી બતાવી હતી. સચિને કાંબલીને આ ચેલેન્જ પૂર્ણ કરવા પર એ શરત રાખી હતી કે જો વિનોદ કાંબલી સ્કર્ટ પહેરશે તો સચિન તેનો આજીવન ગુલામ બનીને રહેશે. વિનોદ કાંબલીએ સચિને આપેલી આ ચેલેન્જ પુરી કરી બતાવી હતી અને અમદાવાદના રસ્તાઓ પર સ્કર્ટ પહેરીને ફર્યા હતા અને મોડી રાત્રે છેક અગિયાર વાગ્યે હોટલે પહોંચીને કપડા બદલ્યા હતા.
આગળ વાંચોઃ દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Anilkumar dhulabhai VegdaI proud of kambli sir Because I am a DALIT JAY BHIM NAMO BUDDHAY....