લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં

બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. 

લાયકાત હોવા છતાં દલિત હોવાને કારણે તેઓ કદી કેપ્ટન ન બની શક્યાં
image credit - Google images

ચંદુ મહેરિયા

રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી.બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે.  એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે. 

બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા ત્યારે એક ગરીબ –દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા – આ સઘળી હકીકતો ભારે રોમાંચક છે. પી. બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sport માં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે. 

ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જોકે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા. પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા: શિવરામ, ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે  મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.

માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઈંગ્લીશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા. ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા. 

હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો (એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી. ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.

પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી પરંતુ બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઈન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઈંગ્લીશ બેટ્સમેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી. એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યા હતા. 

આ પણ વાંચો: Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવો સતત વેઠતા હતા. એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની? પોતાના વાસણ એમણે જાતે સાફ કરવા પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી. અનેક સિધ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં. 

જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કોંગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉમરમાં પંદરેક વરસ નાના ડો.આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઈંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિધ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિધ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.

ડો.આંબેડકરના આ હીરો જાહેર પ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કોંગ્રેસની તરફેણમાં અને ડો. આંબેડકરની વિરુધ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા. પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા.  જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા ડો. આંબેડકર અને પી.બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતોના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કોંગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું. 

૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા. પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ  આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી.બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે? 

maheriyachandu@gmail.com 

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.