સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો

સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના સવર્ણ જજોએ SC-ST અનામતમાં પેટા વર્ગીકરણનો જે ચૂકાદો આપ્યો છે તેમાં વાંધાજનક શું છે તેના વિશે એક્ટિવિસ્ટ રાજુ સોલંકી વિસ્તારથી સમજાવે છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો
image credit - Google images

તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ  ધનંજય વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની કુલ સાત જજોની બંધારણીય બેન્ચે છ વિરુદ્ધ એક મતે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાનો રાજ્યસરકારોને આદેશ આપ્યો છે. આ આદેશથી સમગ્ર દેશના એસસી, એસટી સમાજોના બુદ્ધિજીવીઓ, કર્મશીલો, અગ્રણીઓ ખળભળી ઉઠ્યા છે. આ ચૂકાદાથી સમગ્ર દેશમાં એક જબરજસ્ત મંથન શરુ થયું છે. સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ટ્વિટ્ટર પર #Save_Reservation હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. સવર્ણ મીડિયા આખા મામલાને ઉછાળી રહ્યું છે.

સરેરાશ એસસી, એસટી વ્યક્તિને હજુ પણ આ મામલે અનેક સવાલો સતાવી રહ્યાં છે ત્યારે સામાજિક કાર્યકર અને એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અહીં આપણાં મનમાં ઉઠતા અનેક સવાલોનું સમાધાન કરે છે.

સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી કહે છે,

(1) બંધારણના અનુચ્છેદ 341 હેઠળ ભારતના રાષ્ટ્રપતિના જાહેરનામા થકી અનુસૂચિત જાતિઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાગ પાડીને કે નાના મોટા જૂથ બનાવીને કોઈ ચોક્કસ ભાગ કે જૂથને વિશેષ લાભો કે અલગ અનામત આપવા માટે કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે નથી. 

(2) અનુસૂચિત જાતિઓ કે જનજાતિઓની યાદીમાં અલગ ભાગ કે જૂથ બનાવવાની યોજના યાદી સાથે ચેડાં કરવા બરોબર છે. જો કોઈ જાતિ કે જનજાતિ સુધી લાભો પહોંચતા ના હોય તો રાજ્ય સરકાર તેમના શિક્ષણ માટે વિશેષ કોચિંગની વ્યવસ્થા કરવી જોઇએ. 

(3) ઇન્દિરા સાહની વિરુદ્ધ ભારતીય સંઘ અને અન્યો કેસમાં જસ્ટિસ એચ. કે. નેમાએ ઠરાવેલું કે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના પેટા વર્ગીકરણ માટેનો સિદ્ધાંત અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને લાગુ પાડી શકાય નહીં. આ જ કેસમાં જસ્ટિસ સિંહાએ જણાવેલું કે અનુસૂચિત જાતિઓ કે જનજાતિઓની યાદીના સંબંધમાં કોઈપણ ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર ભારતની સંસદને જ છે, રાજય સરકારોને આવી કોઈ જ સત્તા નથી. 

(4) ભૂતકાળમાં આંધ્રપ્રદેશની અનુસૂચિત જાતિઓમાં પેટા વર્ગીકરણ કરવાના રાજ્ય સરકારના 2000ની સાલના કાયદાને 2005માં ઇ. વી. ચિન્નાઇયા કેસમાં પાંચ જજોની બેન્ચે ગેરબંધારણીય ઠરાવ્યો હતો. એ જ રીતે પંજાબ સરકારના 2006ના આવા જ એક કાયદાને 2010માં પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ફગાવી દીધો હતો. 

(5) ઇ. વી. ચિન્નાઇયા કેસમાં પાંચ જજોની બંધારણીય બેન્ચનું રુલિંગ પંદર વર્ષ સુધી અમલી બન્યું હતું. પંદર વર્ષ પછી ત્રણ જજોની અન્ય બેન્ચે પાંચ જજોની બેન્ચે આપેલા રુલિંગમાં ખામીઓ કાઢીને સાત જજોની બેન્ચ પાસે કેસ મોકલ્યો. આ ક્યાંનો ન્યાય?

આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન

(6) હાલના પેટા વર્ગીકરણના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતનું ડબલ સ્ટાન્ડર્ડ સ્પષ્ટપણે જણાય છે. હાલના ચૂકાદામાં અદાલતે પછાતપણાના આધાર માટે વ્યક્તિના બદલે જાતિ નક્કી કરી. અગાઉ EWSના ચૂકાદામાં આ જ અદાલતે ફોરવર્ડ જાતિમાં ગરીબોને શોધી કાઢ્યા. જે અદાલતને સવર્ણોમાં ગરીબો દેખાયા એ જ અદાલતને અનુસૂચિત જાતિની કોઈ જાતિ ફોરવર્ડ થઈ ગઈ છે એવું કહેતાં સંકોચ થયો નહીં અને અદાલતને એવી કહેવાતી ડોમિનન્ટ અનુસૂચિત જાતિના ગરીબો ના દેખાયા. 

(7) ચૂકાદો જણાવે છે કે જે અનુસૂચિત જાતિઓ પછાત રહી ગઈ છે, એ એટલી નાની છે કે એમને અલગ અલગ અનામત આપી શકાય તેમ નથી, એટલે તેમનું એક ગ્રુપ બનાવવું પડશે. આ જ માપદંડ પ્રમાણે ગુજરાતમાં ગરો, તૂરી, નાડીયા, સેનમા, હાડી, વાલ્મીકિનું અલગ જૂથ બનાવીને અનામત આપવામાં આવે તો એમાં પણ એવું બનશે કે વાલ્મીકિની જગ્યાએ વધારે શિક્ષણ ધરાવતી કોઈ પેટા જાતિના ઉમેદવારો નોકરીઓ લઈ જશે. એટલે સવાલ વાલ્મીકિને શિક્ષણની ઉત્કૃષ્ટ સગવડો આપવાનો છે, નહીં કે ટુકડાનો ટુકડો કરવો. 

આ પણ વાંચો: હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી

(8) અદાલતે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે તેમણે આ પેટા જાતિઓનું વહીવટીતંત્રમાં કેટલું પ્રતિનિધિત્વ છે એનો ડેટા એકઠો કરીને એમનું પછાતપણું નક્કી કરવું. હાલ ગુજરાત સરકાર પાસે કોઈ ડેટા જ નથી. સરકાર ડેટા એકઠો કર્યા પછી જ પેટા વર્ગીકરણ કરી શકે. અહીં સવાલ એ થાય છે કે જો ડેટા એકઠો કરવાનો જ હોય તો શા માટે સવર્ણ જાતિઓનો ડેટા પણ એકઠો ના કરવો જોઇએ. એસસી માટે ડેટા એકઠો કરવાનો આદેશ આપનારી અદાલત EWS વખતે સવર્ણ જાતિઓનું વહીવટીતંત્રમાં કેટલું પ્રતિનિધિત્વ છે એનો ડેટા એકઠો કરવાનો આદેશ આપવાનું કેમ ભૂલી ગઈ?

(9) આ ચૂકાદામાં અદાલતે એમ પણ કહ્યું છે કે પેટા વર્ગીકરણ કર્યા પછી જો નાની જાતિઓની અનામતો ના ભરાય તો કેરી ફોરવર્ડ કરવી. આનો અર્થ એવો થયો કે આ વર્ષે બે સીટો ના ભરાય તો પછીના વર્ષે ચાર સીટો ભરવી. હાલની યુવા પેઢીને એ વાતની ખબર જ નથી કે ગુજરાતમાં છેક 1981માં કેરી ફોરવર્ડની પ્રથા રદ કરવા માટે જ ભયાનક હિંસક અનામત વિરોધી આંદોલન થયેલું. સરકારે કેરી ફોરવર્ડની પ્રથા રદ કરેલી. હવે તમે વિચાર કરો કે ટોટલ સાત ટકા માટે કેરી ફોરવર્ડ રદ કર્યું છે, પરંતુ હવે નાની જાતિઓ માટેની અનામતને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. આ પરિસ્થિતિ ક્યાં લઈ જશે?

(10) હાલની યુવા પેઢીને એ વાતની પણ ખબર નથી કે અનામતપ્રથાના મૂળ છેક પૂના કરારમાં છે અને ડો. બાબાસાહેબ આંબેડકરથી માંડીને અસંખ્ય લોકોના બલિદાનોને કારણે આ અનામત મળી છે. 1981માં ગુજરાતના માત્ર સાત ટકા અનુસૂચિત સમાજે પણ મીડીયા અને સવર્ણ સમાજની સામે ટક્કકર ઝીલીને એવી ઝુઝારુ લડત આપેલી કે ભારતની સંસદના તમામ સભ્યોએ એક સાથે ઉભા થઇને સર્વાનુમતે અનામતપ્રથાના સમર્થનમાં ઐતિહાસિક ઠરાવ કરેલો. સંસદના ઇતિહાસમાં માત્ર બે વાર આવી અભૂતપૂર્વ ઘટના ઘટી છે. એક 1962ના ચીની આક્રમણ સમયે અને બીજી વાર ગુજરાતના હિંસક અનામતવિરોધી આંદોલન સમયે. 

આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?

(11) એટલે યાદ રાખજો, આ અનામત કોઈ ભીખ નથી. સરકાર એક તરફ ખાનગીકરણ વધારી રહી છે, કાયમી નોકરીઓ ઘટાડી રહી છે, કોન્ટ્રક્ટપ્રથા લાગુ પાડી રહી છે, ત્યારે અનામતપ્રથા સાથે ચેડાં કરવાની છૂટ આ રાજ્ય સરકારને અપાય નહીં. વાલ્મીકિ સમાજ આપણો જ ભાઈ છે અને તેને અનામત માટે સક્ષમ બનાવવા ભણતર જરુરી છે અને તેના માટે સીબીએસઈ, ઇન્ટરનેશનલ સ્કૂલોમાં તેમને અનામત આપવામાં આવે. એક તરફ, ગરીબ સવર્ણો માટે બિન-અનામત આયોગને રૂ. 1000 કરોડ ફાળવવામાં આવે છે, બીજી તરફ, સફાઈ કામદાર નિગમ, અંત્યોદય વિકાસ નિગમ અને અનુસૂચિત જાતિ નિગમ ત્રણેય નિગમોને કુલ મળીને માત્ર રૂ. 50 કરોડ જ ફાળવવામાં આવે છે. વાલ્મીકિની આટલી બધી ચિંતા હોય તો સરકારને રૂ. 1000 કરોડનું વાલ્મીકિ વિકાસ નિગમ બનાવતા શું ચૂંક આવે છે?

આવો, આપણે સૌ અનુસૂચિત જાતિઓના તમામ લોકો સાથે મળીને આપણી એકતા ટકાવીને સરકાર ઉપર દબાણ લાવીને વાલ્મીકિ માટે રૂ. 1000 કરોડનું બજેટ ફાળવવા, રોસ્ટર એક્ટ બનાવવા, રાજ્યની તમામ જાતિઓનું વહીવટીતંત્રમાં પ્રતિનિધિત્વની ટકાવારી અંગે શ્વેતપત્ર બહાર પાડવા સરકારને ફરજ પાડીએ. 

રાજુ સોલંકીએ ઉપર વર્ણવ્યા તે તમામ સવાલોને લઈને તા. 18 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ બપોરે 1 વાગ્યે અમદાવાદના ચાંદખેડા ખાતે સંવિધાન સર્કલ, સ્નેહ પ્લાઝા ચાર રસ્તા, વીરમાયા રોડ, આઈઓસી રોડ ખાતે અનામત બચાવો આંદોલન સમિતિ ગુજરાત દ્વારા એક રાજ્યવ્યાપી અનામત બચાવો મહાસંમેલન થવા જઈ રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતના ખૂણેખૂણેથી એસસી, એસટી સમાજનું હિત જેમના હૈયે વસેલું છે તેવા તમામ ભીમયોદ્ધાઓ, એક્ટિવિસ્ટો, સામાજિક કાર્યકરો, યુવાનો, યુવતીઓ, વડીલો હજારોની સંખ્યામાં ઉમટી પડવાના છે. ત્યારે આપ પણ એસી, એસટી સમાજ માટે કરો યા મરોની કટોકટી જેવી સ્થિતિમાં ખડેપગે હાજર રહી તમારું યોગદાન આપશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ મહાસંમેલનની પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોકો તેને પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂકીને તેને આગળ ધપાવી રહ્યાં છે. અહીં એ પત્રિકા પણ રજૂ કરી છે, આ સ્ટોરીને તમે અન્ય લોકો સુધી પહોંચાડવા યોગદાન આપી શકો છો.

આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.