જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?

દલિતો-આદિવાસીઓના અનામત ક્વોટામાં પણ ક્વોટાના પેદા કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા આપી છે.

જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?
image credit - Google images

સુપ્રીમ કોર્ટે એસસી, એસટી વર્ગની અનામતમાં પેટા-વર્ગીકરણનો ચૂકાદો સંભળાવ્યો છે. જેની સામે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશની નગીના લોકસભા સીટના સાંસદ ચંદ્રશેખરે આ મામલે સીધું જ સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો પર નિશાન સાધતા જણાવ્યું છે કે, એસસી, એસટીની અનામતના પેટા વર્ગીકરણનો આદેશ આપનારા જજોમાંથી કેટલા એસસી અને એસટી છે? આઝાદે તો ત્યાં સુધી કહી દીધું કે, જો તમારે વર્ગીકરણ જ કરવું હોય તો તેની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થવી જોઈએ, કેમ કે ત્યાં લાંબા સમયથી માત્ર અમુક જ પરિવારોનો કબજો છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ચુકાદામાં કહ્યું કે રાજ્યોને અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો બંધારણીય અધિકાર છે, જેથી એવી જાતિઓને અનામત આપી શકાય, જે સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત છે. સાથે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યોએ આ પેટા વર્ગીકરણ પછાતપણાંનું પ્રમાણ અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના ઉપલબ્ધ આંકડાઓના આધારે કરવાનું છે, તેમની 'ઇચ્છા' અને 'રાજકીય લાભ'ના આધારે નહીં.

ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6:1 ની બહુમતીથી 2004ના "ઇ વી ચિન્નૈયા વિ આંધ્ર પ્રદેશ સરકાર"ના સર્વોચ્ચ અદાલતની પાંચ સભ્યોની બેંચના ચુકાદાને રદ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે અનુસૂચિત જાતિ (SC) ના પેટા-વર્ગીકરણને મંજૂરી આપી શકાતી નથી, કારણ કે તેઓ સ્વયં એક સ્વજાતીય સમૂહ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર હવે નેતાઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

આ પણ વાંચો: જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો

આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ અને નગીના લોકસભાના સાંસદ ચંદ્રશેખર આઝાદે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે. આઝાદે કહ્યું કે "આ આદેશ આપનારા જજોમાંથી કેટલા એસસી અને એસટી હતા? જો તમારે વર્ગીકરણ કરવું હોય તો તેની શરૂઆત સુપ્રીમ કોર્ટથી થાય તે ખૂબ જ જરૂરી છે. ત્યાં લાંબા સમયથી માત્ર અમુક જ પરિવારોનો કબજો છે. તમે SC અને ST ના લોકોને અહીં ઘૂસવા નથી દેતા, પણ શું જનરલ કેટેગરીના લોકો માટે પણ ત્યાં તક નથી? જો તમારે વર્ગીકરણ કરવું જ હોય ​​તો સર્વોચ્ચ સંસ્થામાંથી જ કેમ નથી કરતા, નીચેથી શું કામ કરવા માંગો છો? શું SC અને ST પર નજર રાખવામાં આવી રહી છે? તમે અનામતમાં પ્રમોશનનો ઓર્ડર કર્યો હતો, પણ SC અને ST નો બેકલોગ ભરાયો? શું તમારી પાસે આંકડાઓ છે કે SC અને STને અનામત મળી રહી છે, આર્થિક સ્થિતિના કયા આંકડા છે તમારી પાસે? બંધ રૂમમાં બેસીને શું કોઈપણ નિર્ણય લઈ લેવાશે? તમે આર્થિક રીતે નબળા લોકોને આધાર બનાવી EWS ના નિર્ણયને માન્યતા આપી હતી. શું આ કલમ 341નું ઉલ્લંઘન નથી?"

આઝાદે કહ્યું, "પહેલી વાત તો એ કે, તમને અમારી પીડા, આર્થિક સ્થિતિ અને સામાજિક અસમાનતાનો ખ્યાલ છે? અમારા પર જે અત્યાચારો થાય છે તેની સાથે જોડાયેલા આંકડાઓ તમારી પાસે છે? અમે કલમ 341ને પણ જોઈશું, કે તેનું તો ઉલ્લંઘન નથી થઈ રહ્યું ને? જ્યારે EWS નો ઓર્ડર આવ્યો ત્યારે પણ મેં એ કહ્યું હતું કે એ ચૂકાદામાં SC અને ST ના કેટલા લોકો હતા. શું એસસી, એસટી સમાજ કરતા વધુ સારી રીતે કોઈ તેમના વિશે વિચારી શકે છે? જો હા, તો 75 વર્ષમાં કેમ ન વિચાર્યું? તમને કદી NCRB નો ડેટા દેખાય છે? જેટલા નિર્ણયો લેવાયા તેનું મોનિટરીંગ થયું? અમે સરકારની દાનત સારી રીતે જાણીએ છીએ અને અમને એ પણ ખબર છે કે સરકાર કેવી રીતે બદલાય છે. અમે યુપીમાં જોયું છે કે, જે જ્ઞાતિના લોકો રાજકારણમાં નહોતા તેમને કોઈ પૂછતું નહોતું. જ્યારે બસપાની સરકાર ગઈ ત્યારે સપા સરકારમાં શું થયું અને જ્યારે સપાની સરકાર ગઈ ત્યારે યાદવો સાથે શું થયું હતું, જાટવોનું શું થયું હતું. હવે તો અમારે આ બધું જોવું પડશે."

ચંદ્રશેખર આઝાદે વધુમાં કહ્યું કે, "હવે એટલું બધું ખાનગીકરણ કરી નાખ્યું છે કે અનામત ક્યાંય બચી જ નથી. સફાઈ કામદારો પાસે પણ કાયમી નોકરી નથી. એટલે વર્ગીકરણ કરવું જ હોય તો સુપ્રીમ કોર્ટમાં પણ વર્ગીકરણ હોવું જોઈએ, ક્યાં સુધી 250-300 પરિવારના લોકો જ આખા દેશના લોકોનો ન્યાય કરતા તોળતા રહેશે? SC અને ST સમાજના લોકોને આ ગણ્યાંગાંઠ્યાં પરિવારના લોકો ન્યાયતંત્રમાં ઘૂસવા નથી દેતા, એ તો ઠીક જનરલ કેટેગરીના અન્ય લોકોને પણ તેમાં પ્રવેશતા નથી દેતા. શું તેમનામાં પણ લાયકાત નથી? ગરીબોને EWSનો લાભ ક્યાં મળે છે? 8 લાખની જે મર્યાદા નક્કી કરી છે, પણ જનરલમાં જેઓ તેનાથી ઓછું કમાય છે તેમને તો તક નથી મળી રહી. જે દગો થયો તે બધાંએ જોયો છે. હું કહું છું કે પહેલા ગણતરી કરી લો, પછી તેના આધારે વસ્તુ બાકીનું નક્કી કરો. જેની જેટલી સંખ્યા, તેટલી અનામત આપવી જોઈએ. કોઈની પણ સાથે કોઈ દગો ન થવો જોઈએ."

આ પણ વાંચો: BIG BREAKING: સુપ્રીમ કોર્ટે SC-ST ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • કિરીટ ખરાડી
    કિરીટ ખરાડી
    ચંદ્રશેખર સાહેબની વાત સાથે હું સંપૂર્ણ સહમત ફકત આવી જાહેરાત માત્ર થી ઉકેલ શક્ય નથી આમ કરી હાલમાં મેરીટ ધોરણ ને નક્કી કરવામાં આવે છે એમાં કવોલિફાઇડ ઉમેદવાર મળતાં નથી કરી સીટ ને જનરલ માં ફેરવી સંપૂર્ણ લાભ શૂન્ય કરી નાખશે
    4 months ago